પરિવાર પ્રેમમાં છે
પરિવાર પ્રેમમાં છે
રોજની જેમ કેતકી સહુથી પહેલી જાગી. પતિ કૌશલ, દિકરો દેવ અને દિકરી દિયા માટે ચા ની તૈયારી કરી. કૌશલને મસાલાવાળી, દેવને ફુદીના સાથે મસાલો અને દિયાને આદુવાળી ચા.
ત્રણેયની બનતાં જે વધે એ કેતકીની.
નાસ્તામાં પણ કૌશલને દેશી નાસ્તો, દેવને બ્રેડટોસ્ટ, દિયાને કોર્નફ્લેક્સ. ત્યાર બાદ જે હાથમાં આવે એ કેતકીનો નાસ્તો.
આવું તો જિંદગીની લગભગ તમામ બાબતોમાં થતું આવ્યું હતું. કૌશલ, દેવ અને દિયા નક્કી કરે એ હોટલ, એ પિક્ચર, એ ફરવા જવાનાં સ્થળ..
દિયા સમજણી થતી ચાલી ત્યારથી કેતકીની ઈચ્છાઓનું સ્વેચ્છામૃત્યુ જોતી આવી હતી.
એક સાંજે કૌશલ અને કેતકીને બહાર જવાનું હતું. કેતકી સરસ સાડી પહેરીને, ગજરો નાખીને તૈયાર થઈ ત્યાં કૌશલનો ફોન આવ્યો કે એના મિત્રોએ ભેગા થવાનો પ્લાન બનાવ્યો છે એટલે કેતકી સાથે નહીં જવાય. ફોન સાંભળીને કેતકીના ચહેરા પર એક ઉદાસીનો અછડતો લસરકો આવી ગયો. એણે મુંગા મુંગા સાડી બદલી. ગજરો કાઢીને ફ્લાવરપોટ પર વિંટાળી દીધો. દિયા જોતી હતી.
હવે ક્યારેક દિયા કેતકીને આલિંગન આપીને કહેતી,
“મમ્મા, નાનપણથી તારી જિંદગી જોતી આવી છું. તને તારી કોઈ ઈચ્છાઓ નથી?”
કેતકી દિકરીને વહાલ કરતાં કહેતી,
“અરે બેટા, ઘરની ગૂંથણીમાં હું ક્યાં મારી જાતને મુકી આવી એ ખ્યાલ જ ન રહ્યો. હવે તો મોટી થઈ ગઈ. હવે હું મારી મરજી ચલાવું એ સારુંય ન લાગે.”
દિયાને મમ્મીનો આવો સંકોચાઈ ગયેલો સ્વભાવ અને કરમાઈ ગયેલી મમ્મી મનમાં બહુ કઠતાં હતાં. મમ્મીના દંભ વગરના સાદગીભર્યા દેખાવને અમે એની નબળાઇ સમજી બેઠાં છીએ. અમને એ મણિબેન મોમ લાગતી રહી. પણ ક્યારેય એની પાછળની એની કુરબાની ન દેખાઈ. એના સંસ્કાર અને અમારા પ્રત્યેની કાળજીને દેશીપણાંનું લેબલ લગાડવામાં આવ્યું.
એનામાં કોઈ કમી તો નથી. સુંદર છે, બાહોશ ગૃહિણી પણ સાબિત થઈ તો પણ પાપા કોઈ વાર ગમાર કહીને એને ઉતારી પાડે, દેવ એને દેશી કહે, મારાથી પણ મણિબેન કહેવાઈ ગયું હશે. કદાચ એ અમારી જ ભૂલ છે કે એના નિ:સ્વાર્થ પ્રેમ, સંસ્કાર અને કાળજીને અમે બહુ નીચા પગથિયે ઉતારી મૂક્યા.
બે દિવસ બાદ કેતકીનો જન્મદિવસ હતો. રોજની જેમ સવારે એલાર્મ રણકતાં કેતકીને સહેજ અણગમાથી વિચાર ફરકી ગયો, મારે શું જન્મદિવસ, શું વેલેન્ટાઈન..બીજી જ પળે જાતને ટપારી,
અરે મારું ઘર અને મારો પરિવાર જ મારા માટે ઉત્સવ છે ને હું આવું વિચારી જ કેવી રીતે શકું!
રુમની બહાર પગ મૂકતાં જ પોતાને મનપસંદ ઇલાયચીના મસાલાવાળી ચાની સુગંધ ઘેરી વળી. પણ કોઈ દેખાતું તો નથી!
સહેજ આતુરતા ઘેરી વળી. ત્યાં તો કૌશલ, દેવ અને દિયા મોટો લાલ ગુલાબનો બુકે લઈને પ્રગટ થયાં.
કૌશલે એક કવર કેતકીના હાથમાં આપતાં કહ્યું,
“હેપ્પી બર્થ ડે સ્વીટહાર્ટ.”
કવરમાં સિંગાપુરનું એક અઠવાડિયાનું પેકેજ હતું. કેતકીને માન્યામાં ન આવે એવી ઘટના ઘટી રહી હતી એટલે એ હક્કાબક્કા હતી.
દેવે કહ્યું, “મમ્મા, આજ તારો જન્મદિવસ અફલાતુન ઉજવવાનો છે.”
દિયાએ સરસ કુરતી અને જિન્સની ભેટ આપતાં કહ્યું, “મમ્મા, તું હજી એટલી સુંદર છે કે આ પહેરીશ તો પાપા ફરી પ્રપોઝ કરવા મજબૂર થઈ જ જશે.”
કેતકી શરમાઈ..
એ સાંજે રુફટોપ રેસ્ટોરન્ટમાં કેક કાપતી વખતે કૌશલે કેતકીને કહ્યું, “કેતકી તું તારી જાતને અમારામાં ઓગાળીને જીવતી રહી. અમે નગુણા તે તારી મરજી વિશે વિચાર જ ન કર્યો. દિયાએ અમારી આંખો ખોલી નાખી છે. માફ કરીશ?”
કેતકીની સુંદર અણિયાળી આંખના ખૂણે ખુશી છલકી રહી.
કૌશલ, દેવ અને દિયાએ કેક ખવડાવતાં કેતકીને કહ્યું, “વી લવ યુ વેરી મચ. આપણો આખો પરિવાર તારા પ્રેમમાં છે.”