Bindya Jani

Tragedy

4  

Bindya Jani

Tragedy

પરિતોષ

પરિતોષ

6 mins
681



 આજે પરિતોષનો જન્મદિવસ હતો, તેણે પંચોતેર વર્ષ પૂરા થયા હતા. તે આરામખુરશીમાં બેઠા-બેઠા વિચારતો રહ્યો કે આજે તે એકલો રહી ગયો. એક સમયે આ બંગલામાં જાહોજલાલી હતી, પ્રેમ હતો. સદાયે ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ ઝળકતી રહેતી. પણ તેના સ્વભાવના કારણે ને તેની પૈસાની ભૂખના કારણે તે તેનો સંસાર સાચવી ન શક્યો. તેને થતું કે તે તેના કુટુંબીજનો માટે જ કંઇક કરી રહ્યો હતો અને તેના કારણે તેણે ધંધામાં જ રાત-દિવસ તેનું આયખું વિતાવી દીધું હતું.


    તેણે તેના માં-બાપ ને સતત સંઘર્ષ કરતા જોયા હતા. આથી તે નાનપણથી જ એવું વિચારતો થઇ ગયો કે પૈસા મેળવવા હોય તો સતત સંઘર્ષ કરવો જ પડે. પણ તે તેના મા-બાપના સંતોષભર્યા સ્વભાવને ઓળખી શક્યો ન હતો.


    પરિતોષના પિતા શિક્ષક હતા. તેના ટૂંકા પગારમાં પણ તે ખુશ રહેતા. અને તેની મમ્મી પણ થોડું-થોડું સિલાઈકામ કરી લેતી. પણ એ લોકોએ પરિતોષને ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે પૈસાની ખેંચના કારણે તેનું કામ અટકી જાય. સીમિત આવક હોવા છતાં તેઓએ ટૂંકી બચતમાં પણ પરિતોષ ને એન્જીન્યરીંગ સુધી ભણાવેલો. તેમનો સુખી સંસાર, સંતોષયુક્ત જીવન એ જ તેમની મૂડી હતી.


   પરિતોષ એન્જીનીયર હોવા છતાં તેને નોકરી મેળવવામાં તકલીફ પડતી હતી. લાગવગ – લાંચ રૂશવતના કારણે તેની પાસે ઉચ્ચ ડિગ્રી હોવા છતાં તેને નિરાશ થવું પડતું. આમ વારંવાર નિરાશા મળવાના કારણે તેણે તેની નિતિમત્તા ને એક ખૂણે મૂકી દેવી પડી. અને તેને પણ રૂપિયાના જોરે નોકરી મળી ગઈ.


    ધીરે -ધીરે તે દુનિયાને ઓળખતો થઇ ગયો. પાછલા બારણેથી તેમની આવક વધવા લાગી. અને સાથે-સાથે તેમની પૈસાની ભૂખ પણ વધવા લાગી. ઘણીવાર તેમના માતા-પિતા તેમણે પૂછી પણ લેતા કે ભાઈ, તું તારી મહેનતથી જ આ પૈસા કમાય છે ને! ત્યારે પરિતોષ તેમની વાતને હસવામાં ઉડાવી દેતો અને કહેતો કે પપ્પા, હું પણ મહેનત જ કરું છું. ત્યારે લોકો પૈસા આપે છે. મહેનત વગર તો આ દુનિયામાં ક્યાં કશું મળે જ છે. તેમના પિતાને ઘણીવાર થતું કે પોતે આખી જીંદગી મહેનત કરી છે પણ તે આટલું કમાઈ શક્યા નથી. અને તેનો દીકરો આમ અચાનક કરોડપતિ કેમ થઇ શક્યો?


     તેનું નાનું એવું ઘર ‘પરિતોષ ‘ હવે બંગલામાં ફેરવાઈ ગયું હતું. બંગલામાં જાહોજલાલી ડોકિયા કરતી હતી. અને એટલે જ પૈસાદાર કુંટુંબમાંથી તેના લગ્ન માટે ભણેલી છોકરીઓની સામેથી વાત આવવા લાગી હતી. પણ પરિતોષના માતા-પિતાએ સંસ્કારથી સમૃદ્ધ એવી ‘પરિતા’ ઉપર પસંદગી ઉતારી અને તેઓના ધામધૂમથી લગ્ન થઇ ગયા.


    પરિતા ખુશ હતી પરિતોષ જેવા સોહામણા યુવકને પરણીને. તેના માતા-પિતા પણ ખુબ જ માયાળુ સ્વભાવનાં હતા. પરિતા પણ સાસુ-સસરાને હંમેશા ખુશ રાખતી. પરિતોષને પણ પરિતાનો આ સ્વભાવ ગમતો હતો. તે પણ એમ.એ. સુધી ભણેલી હતી. પણ તેણે ક્યારેય નોકરી કરવાનું વિચારેલું નહિ. તે સુખી –સંપન્ન પરિવારની દિકરી હતી. એટલે તે તેના હરવા-ફરવાના શોખને પોષતી. લગ્ન પછી પણ તે સાસુ-સસરાની સેવામાં જ પોતાને ખુશ માનતી અને આમેય પરિતોષને આર્થિક જરૂરત તો હતી નહિ એટલે તે ઘર સાચવવામાં મશગુલ રહેતી.


     અને જયારે તેણે પરિતોષને ખુશીના સમાચાર આપ્યા ત્યારે ઘરમાં આનંદ છવાઈ ગયો અને જયારે પરિતાએ દીકરાને જન્મ આપ્યો ત્યારે પરિતોષ અને તેના માતા-પિતાએ આ પ્રસંગને ઉત્સવની જેમ મનાવ્યો. ને બાળકનું નામ જ આનંદ રાખી દીધું. આનંદના આગમનથી ઘરનું વાતાવરણ પણ આનંદમય થઇ ગયું આનંદ પછી પ્રસન્નનો જન્મ થયો અને પછી ખુશીનો જન્મ થયો. બાળકોથી તેમનું ઘર ભર્યું-ભર્યું થઇ ગયું.


    પરિતોષના માતા-પિતાની બધી જ હુંફ દાદા-દાદી બનીને બાળકોને મળતી રહેતી. ઘણી વખત પરિતા કહેતી કે આનંદ, પ્રસન્ન ને ખુશીના આવવાથી આપણે સમૃધ્ધ અને સંપૂર્ણ થઇ ગયા છીએ. ત્યારે તેના સાસુ કહેતા કે અમે પરિતોષના જન્મથી જ સમૃધ્ધ અને સંતોષી હતા અને અમને થતું અમારો નાનો એવો પરિવાર સૌથી સુખી પરિવાર છે.અને એટલે જ અમે તેનું નામ પરિતોષ પાડેલું.


    આમ પરિતોષનો પરિવાર એટલે પરિતોષ-પરિતા, તેના બાળકો અને તેના દાદા-દાદી.

છોકરાંઓ મોટા થતા ગયા ને સમય જતા દાદા-દાદીએ વિદાય લીધી. પરિતોષ ધંધામા આગળ વધતો ગયો પણ ઘરથી દૂર થતો ગયો. પરિતાએ છોકરાંઓના ઘડતર પર ધ્યાન આપેલું. છતાંપણ પરિતા કે પરિતોષ ને ખબર પણ ન પડી અને છોકરાઓ મનસ્વી બની ગયા.  


    કોલેજમાં ગયા પછી તેઓમાં ફરક આવતો ગયો. પરિતાની રોકટોકને તેઓ હસવામાં ઉડાવી દેતા. અને પરિતોષ પાસે તો તેના બાળકો માટે સમય જ ક્યાં હતો ! તે પૈસાથી જ બાળકો ને સાચવતો. તેમની દરેક માંગને પૂરી કરતો. તેના પરિણામ સ્વરૂપ બાળકોમાં અવગુણોનું સિંચન થઇ ગયું. અનીતિનો પૈસો પોતાની છાપ તો છોડે જ ને ! પરિતોષ માત્ર ને માત્ર પૈસા કમાવવાના જ લક્ષ્યને સિધ્ધ કરવામાં રચ્યોપચ્યો રહેતો પરિતા તેને ઘણીવાર કહેતી કે પરિતોષ, તમે ઘણું કમાઈ લીધું છે. હવે ભગવાને દીધું બધું જ આપણી પાસે છે. રામ-લક્ષ્મણ જેવા બે દીકરા, પરી જેવી દિકરી. હવે શામાટે દોડાદોડ કરો છો ? અમને તમારા સાથની જરૂર છે. પણ પરિતોષ તેને એવો જવાબ આપતો કે આપણી ગણના અત્યારે જે રીતે થઇ રહી છે તે આ પૈસા ને આભારી છે. અને હું આટલી મહેનત કોના માટે કરું છું ? મેં ઘણી મારી ઈચ્છાઓને બાળપણમાં અધુરી છોડી દીધી છે. પણ મારા બાળકો સાથે આવું ન બને એવું હું ઈચ્છું છું.આમ પરિતોષ અને પરિતા વચ્ચે ચર્ચાઓ ચાલતી રહેતી. ક્યારેક આ ચર્ચાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી.


     અને એક સમય એવો આવ્યો કે આ રાત -દિવસ વધતા પૈસા એ નવા-નવા શોખ કરાવડાવ્યા. અને અંતે એ શોખ વ્યસન બની ગયા. અને સંસ્કારે ધીરે-ધીરે ઘર બહાર પગપેસારો કરી ગયા. છોકરાંઓ ને પણ તેની હવા લાગી ગઈ. 


    પરિતા મૂંગે મોઢે આ બધુંજ જોતી રહેતી. તેના મનમાં સતત વિચારો આવતા રહેતા કે પરિતોષની અનીતિની કમાઈના કારણે જ આ સુખી પરિવારમાં ઓટ આવવા લાગી છે. તે આ વાત મનથી સ્વીકારી શકતી નહી. પણ તે લાચાર હતી. ઘર તો તે છોડી શકે તેમ ન હતી. અને આ ઉમરે તે કરે પણ શું ! 


     અને પરિતાને દુઃખ તો ત્યારે થયું કે જયારે ખુશી એ ભાગીને લગ્ન કરી લીધા. આનંદ અને પ્રસન્ને પણ પોતાની પસંદગીથી પરણી ગયા. પરિતાને ત્રણેય બાળકોમાંથી કોઈએ પ્રસંગનો લ્હાવો માણવા દીધો નહિ. તેના દીકરાને પરણાવવાના કોડ અધૂરા રહી ગયા. દિકરીની વિદાયના પ્રેમના આંસુ વહી શકયા નહિ. 


     પરિતાનું પ્રવૃતિ વગરનું જીવન સુનું થઇ ગયું.પરિતોષ માત્ર સુવા પુરતો જ ઘરે આવતો. નશામાં રહેતો. ઘરનું વાતાવરણ ઉદ્વેગમય બની ગયું હતું. અને આ બધાની અસર પરિતા ઉપર માંદગીરૂપે પડી. તે ધીરે – ધીરે શરીરથી ઘસાતી ગઈ. તેના ઘણાં ઉપચાર કર્યા. સારા-સારા ડોકટરોને બતાવ્યું પણ પરિતા ઉપર તેની અસર થઇ નહિ. તે મનોમન દુઃખી રહેતી. પરિતોષની પૈસા કમાવવાની આંધળી દોટ, છોકરાઓનું મનસ્વીપણે વર્તવું આ બધુ તેના દુઃખનું કારણ હતું. તેને પતિના સાથની જરૂર હતી. અને તેને તેની એકલતા કોરી ખાતી હતી. પરિતાને પરિવારની હુંફ જોઈતી હતી પણ તે તેની પાસે ક્યાં હતી !


     અને અંતે એક દિવસ તે આ દુનિયા છોડી ચાલી ગઈ. પરિતોષના પરિતાને બચાવવાના બધા પ્રયત્નો નાકામિયાબ રહ્યા. હવે તે એકલો થઇ ગયો તે ધંધામાં વધુ ને વધુ ખુપતો ગયો. સતત નશામાં રહેતો થઇ ગયો. છોકરાંઓ પણ તેને છોડીને બીજે રહેવા ચાલી ગયા. 


     એક વખતનો સમૃધ્ધ પરિવાર જાણે પૈસાના ભાર તળે કચડાઈ ગયો. પરિતોષ રાતે ઘરે આવે પણ તેને પરિતા વગરની જીંદગી નકામી લાગતી. એને પરિતાના શબ્દો યાદ આવતા. ”પરિતોષ મને તમારા સાથની જરૂર છે તમે ઘણું કમાઈ લીધું છે. હવે તમે પૈસા પાછળ ભાગો નહિ. હવે આપણે શાંતિનું સહજીવન માણીએ .” અને તે પરિતાના વિચારમાં જ વધુ નશો કરતો. ધીરે-ધીરે તે દવાના સહારે જીવતો થઇ ગયો.  


    મોટા બંગલામાં તેના સાથી તરીકે બે જુના નોકરો રહ્યા. અને દવા-દારૂ તેના જીવનસાથી બની ગયા.


આજે તેને સમજાયું કે તે તેના માતા-પિતાએ આપેલા નામને સાર્થક ન કરી શક્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy