Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Fantasy Inspirational

પરીની જાદુઈ પેન

પરીની જાદુઈ પેન

6 mins
379


આજે પરીક્ષાનું પરિણામ જાણવા મહાવિધાલયની દીવાલ પાસે વિધાર્થીઓના ટોળા જામેલા હતા. ત્યાં ચોંટાડેલી યાદીને જોઈ કોઈક હરખાતું હતું, તો કોઈક રડતું હતું. જામેલી એ ભીડમાંથી જેમ તેમ રસ્તો કરી મનોજ આગળ આવ્યો અને યાદીમાં પોતાના નામને શોધવા લાગ્યો. ઉપરથી નીચે તરફ નજર ફેરવતા ફેરવતા તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. ઉફ ! જે વાતનો ડર હતો એ જ થયું હતું ! દીવાલ પર લાગેલા એ લીસ્ટમાં તેનું નામ જ દેખાતું નહોતું ! મનોજે ફરી એકવાર યાદી પર નજર ફેરવી જોઈ પરંતુ સઘળું વ્યર્થ. કદાચ આંખમાં આવેલ અશ્રુના કારણે અક્ષરો ઉકેલાતા નહીં હોય એ આશાએ મનોજે પોતાની આંખો પણ લુછી જોઈ પણ લીસ્ટમાં નામ હોય તો દેખાય ને!

મનોજ આ વર્ષે ફેલ થયો હતો. એમ નહોતું કે મનોજ ડફોળ હતો કે તેણે ભણવામાં ધ્યાન આપ્યું નહોતું. પરંતુ તેના ફેલ થવા પાછળનું કારણ કંઈક જુદું હતું. મનોજના ઘરની આર્થીક સ્થિતિ કંઈ સારી નહોતી. પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ નાણાકીય સંકડામણને કારણે મનોજની માતાનો યોગ્ય ઉપચાર ન થતા તે મૃત્યુ પામી હતી. માતાનું અકાળે થયેલું અવસાન જ મનોજના નાપાસ થવા પાછળનું મુખ્ય કારણ હતું.

મનોજ તેની માતાના અવસાનથી ખૂબ વ્યથિત થઇ ગયો હતો. કોઈની સાથે કશું બોલતો ચાલતો નહોતો અને ઉદાસ હ્રદયે આકાશ સામે શૂન્યમનસ્ક નજરે માત્ર જોયા કરતો. બેસણાના દિવસે તેણે પોતાની માતાની તસવીર સામે ઉભા રહી સોગંધ લીધા હતા કે, “આજ પછી કોઈ દીકરાની માતા ઈલાજ વગર રીબાઈને નહીં મરે. મા, હું તારી કસમ ખાઉં છું કે હું ડોક્ટર બનીને ગરીબોની સેવા કરીશ અને તેમનો મફતમાં ઈલાજ કરીશ.”

આમ, સ્વર્ગીય માતાની આત્માની શાંતિ માટે મનોજે ડોક્ટર બનવાનું નક્કી કર્યું. મનોજે તે માટે દિવસરાત મહેનત પણ કરી. પરંતુ માતાના મૃત્યુને કારણે વ્યથિત થયેલું મન અભ્યાસમાં કેટલું સ્થિર રહી શકે ? આખરે જે થવાનું હતું તે જ થયું. મનોજ નાપાસ થયો હતો. હતાશ અને નિરાશ મનોજ ટોળામાંથી બહાર નીકળી આવ્યો.

“હવે મારા માતાની તસવીર સામે હું કયા મોઢે જઈશ ?” આ પ્રશ્ન શુળ બની તેના હૃદયને પીડા આપી રહ્યો. આગળ શું કરવું તે મનોજને સુઝી રહ્યું નહોતું. છેવટે ઘરે ન જતાં આ ફાની દુનિયા છોડી દેવાનો મનોમન નિર્ણય કરી મનોજે ગામ બહાર આવેલી પહાડી તરફ પગ ઉપાડ્યા. ખૂબ ચાલ્યા બાદ છેક સાંજે તે એક મંદિર પાસે આવીને ઉભો રહ્યો. ત્યાંના સુદંર મજાના પરિસરને જોઇને મનોજે ત્યાં ઘડીક આરામ કરીને આગળ વધવાનું વિચાર્યું. મંદિરમાંથી આવી રહેલા સુમધુર સંગીતને સાંભળતા સાંભળતા મનોજને જાણ જ ન થઇ કે ક્યારે તેની આંખ લાગી ગઈ. તે સ્વપ્ન સૃષ્ટિમાં સરી પડ્યો.

*****

મંદિરની આસપાસ ઉડી રહેલા પતંગિયાઓને જોતાં જોતાં મનોજે બાગમાંના ઘાસ પર હાથ ફેરવ્યો. એ સાથે ઘાસ પર પથરાયેલા તાજા ઝાકળબિંદુઓનો સ્પર્શ થતાં મનોજે તેના આલાલીલા હાથ તરફ જોયું તો તેની આંગળીના ટેરવે એક ઝાકળબિંદુ ચોટેલું હતું ! મનોજ કંઈ સમજે તે પહેલા એ ઝાકળબિંદુમાંથી પંખ ફફડાવતી એક પરી નીકળી આવી. મનોજ તો સુંદર મજાની એ પરી જોઇને રાજીના રેડ થઇ ગયો. ટચુકડી એ પરીના પંખો સુવર્ણ રંગના હતા. તેના હાથમાં આવેલી જાદુઈ લાકડી પર ખૂબ જ કિંમતી રત્ન લાગ્યું હતું. સફેદ વસ્ત્રોમાં સજ્જ એ પરી દેખાવે ખૂબ જ સુંદર હતી. તેના ગાલ ગુલાબ જેવા લાલ હતા. તેના સોનેરી રંગના વાળ છેક કમર સુધી પથરાયેલા હતા.

મનોજે પરીને જોઇને રૂંધાયેલા સ્વરે કહ્યું, “હે પરી હું જાણું છું કે સ્વર્ગ લોક મહીં જઈને વસવાની તારી મહત્વાકાંક્ષા અપૂર્ણ રહી ગઈ છે. વાદળોને બદલે અહીં આ ઘાસફૂસ પર વસવાટ કરવામાં તને ખૂબ વસવસો થતો હશે નહીં ?”

મનોજની વાત સાંભળીને પરીએ ખડખડાટ હસતા કહ્યું, “મનોજ, તારો આ સારો સ્વભાવ જ મને ગમે છે. તું આટલી ચિંતામાં હોવા છતાંયે બીજાની ફિકર કરે છે. જોકે તારે મારી ચિંતા કરવા જેવું કશું નથી. હું આજે સ્વર્ગલોકમાં નથી તેનો મતલબ એ નથી કે કાલે નહીં હોવું. મારા સારા કર્મના પરિણામે એક ન એક દિવસ મને સ્વર્ગમાં સ્થાન મળશે જ. તારી જેમ એકવારની નિષ્ફળતાથી હું હતાશ થઈને જીવવા તો હરગીજ નહીં છોડું.”

આ સાંભળી મનોજ ચોંક્યો, “મતલબ તમે મારા વિષે જાણો છો?”

“બધું જ.”

કંઈક વિચારી મનોજ બોલ્યો, “પરીજી, શું તમે મારી તકલીફ દૂર નથી કરી શકતા ? મને કોઈક એવો આશીર્વાદ આપો કે જેથી કરીને હું પરીક્ષામાં સારા માર્કે પાસ થઇ જઈશ. પછી મારી માતાની આત્મા નહીં દુભાય અને હું પણ મરવાનો વિચાર પડતો મુકીશ.”

પરી વિચારમાં પંખ ફાફડાવતી ઉડી રહી. આ જોઈ મનોજે કહ્યું, “પ્લીઝ પરીજી મારી તકલીફને દૂર કરો. મને એવા આશીર્વાદ આપો કે હું સારા માર્કથી પાસ થાઉં”

પરીએ ખૂબ મનોમંથન બાદ કહ્યું, “ઠીક છે. હું તને એક ચમત્કારિક પેન આપું છું.” આમ કહી પરીએ આંખો મીંચીને મંત્રોચ્ચાર પઢયા. એ સાથે તેનાહાથમાં એક પેન આવી. પરીએ તે જાદુઈ પેન મનોજને આપતા કહ્યું, “મનોજ, આ પેન જાદુઈ છે. આને જવાબવહી પર મુકતા જ તે સઘળા પ્રશ્નોના જવાબ લખી દેશે.”

મનોજે આનંદથી ઠેકડો મારતા કહ્યું, “આ થઈને વાત. હવે હું મારા સ્વર્ગીય માતાના બધા સ્વપ્ન પૂર્ણ કરીશ.” પણ બીજી જ ક્ષણે કંઈક વિચારી મનોજે કહ્યું “પણ આ પેનની શાહી ખલાસ થઇ જશે તો હું શું કરીશ ?”

પરીએ હસીને કહ્યું, “મનોજ, આ જાદુઈ પેન છે. તેમાંની શાહી ક્યારે પૂર્ણ નહીં થાય. પરંતુ તેને વાપરવા માટે એક શરત છે.”

“શરત! એ વળી કેવી શરત ?”

“આ પેન વડે તું જે પ્રશ્નોને પાંચ પાંચ વખત લખીશ તેને જ તે યાદ રાખી શકશે. મતલબ પેનમાં તને જવાબો ભરવા પડશે.”

મનોજ આમપણ હોંશિયાર હતો જ તેને આ શરત ઝટ સ્વીકારી લેતા કહ્યું, “મને શરત મંજુર છે.”

પરીએ બીજી સુચના આપતા કહ્યું. “પણ આમ કરતી વખતે તારે કોઈક શાંત જગ્યાએ બેસવું પડશે. જો આ બે નિયમોનું પાલન કરીશ તો તારી પેન બરાબર કામ કરશે.”

મનોજે કહ્યું, “હું તમે જે સૂચના આપી તેનું અક્ષરસહ પાલન કરીશ.”

પરી મનોજને આશીવાર્દ આપતી હવામાં ઓઝલ થઇ ગઈ.

***

મંદિરમાંથી આવેલા ઝાલર અને શંખના નાદને સાંભળી મનોજની આંખ ખુલી ગઈ. તેણે આંખો ચોળી ચોમેર નજર ફેરવી જોઈ તો તેના ધ્યાનમાં આવ્યું કે તે હજુ મંદિરના પરિસરમાં આવેલા બાગમાં જ સુતો હતો. મંદિરમાં સવારની આરતી ચાલી રહી હતી. બાગના એ ઘાસના મેદાનમાં અસંખ્ય ઝાકળબિંદુઓ મોતીની જેમ ચમકી રહ્યા હતા. આ જોઈ મનોજે વિચાર્યું, “અરે ! આનો મતલબ મેં જે જોયું હતું તે માત્ર સ્વપ્ન હતું ?”

બીજી જ ક્ષણે તેની નજર હાથમાંની પેન પર ગઈ. એ જોઈ મનોજ અવાચક થઇ ગયો. મતલબ તેને જે જોયું હતું તે વાસ્તવિક હતું. ખરેખર પરીએ તેને આવીને પેન ભેટમાં આપી હતી. આ વિચાર આવતા જ મનોજના ઉત્સાહમાં વધારો થયો. હવે આત્મહત્યાનો વિચાર પડતો મૂકી તેણે ઘર તરફ દોટ લગાવી. થોડા દિવસોમાં જ વાર્ષિક પરીક્ષાઓ આવવાની હોવાથી મનોજે પોતાનો અભ્યાસ શરૂ કર્યું. તે દરેક પ્રશ્નને પાંચ પાંચ વખત લખીને તેના પેનની યાદશક્તિમાં ભરવા લાગ્યો. કોઈ પ્રશ્ન છૂટી ન જાય તેની તે ખાસ કાળજી લેતો. તેણે પાઠ્યપુસ્તકથી માંડીને પૂરક પુસ્તકોમાં આપેલા તમામ જવાબો એ પેન વડે પાંચ પાંચ વખત લખી દીધા. હવે અભ્યાસક્રમમાં હોય તેવા તમામ પ્રશ્નો એ પેનમાં ફીડ થઇ ગયા હતા.

પરીક્ષાના દિવસે તે આત્મવિશ્વાસથી પેપર આપવા ગયો. તેના આશ્ચર્ય વચ્ચે તેની પેને સઘળા પ્રશ્નોના જવાબ ફટાફટ લખી દીધા. મનોજના બધા પેપરો ખૂબ સારા ગયા. જયારે પરિણામ આવ્યું ત્યારે મનોજનો નંબર ટોપ વિદ્યાર્થીઓમાં આવ્યો હતો. આ જોઈ મનોજ ખૂબ ખુશ થયો તેણે મનોમન પરીનો આભાર માનવા તેને યાદ કરી. તેના આશ્ચર્ય વચ્ચે એક તેજ લીસોટા સાથે પરી દ્રષ્ટીમાન થઇ.

પરીને જોઈ મનોજે અભારવશ કહ્યું, “પરીજી, હું તમારો આભાર કેવી રીતે માનું. તમારી પેનને કારણે હું વર્ગમાં ટોપ વિધાર્થીઓમાં સ્થાન પામી શક્યો છું.”

 આ સાંભળી પરી ખડખડાટ હસી પડી.

 “પરીબેન, તમે હસી કેમ રહ્યા છો?”

“મનોજ, તારા પરિણામ આ પેનને કારણે નહીં પરંતુ તારી મહેનતને કારણે સારું આવ્યું છે. દરઅસલ દરેક પ્રશ્ન પાંચ પાંચ વાર શાંતિથી લખતા તને તે ગોખાઈ ગયા હતા. હવે તને બધા પ્રશ્નો યાદ હોવાથી તું આરામથી પેપર લખી શક્યો.”

“મતલબ આ પેન જાદુઈ નથી?”

“આ પેનની શાહી કદીયે ખલાસ થાય નહીં બસ એટલો જ તેમાં જાદુ છે. બાકી તેના વડે જે જવાબો લખાયા એ ફક્તને ફક્ત તારી મહેનત છે.”

મનોજ આશ્ચર્યથી પરીને જોઈ રહ્યો.

પરીએ કહ્યું, “મનોજ, મંદિરે જવાથી કે દેવદર્શન કરવાથી પરીક્ષામાં સારા પરિણામ નથી આવતા. કોઈના આશીર્વાદ તમને ફક્ત પ્રેરણા આપવાનું કામ કરે છે. બાકી ઈશ્વર પણ તેને જ મદદ કરે છે જે તનતોડ મહેનત કરે છે. હવે પછી તું આ પ્રમાણે જ દરેક પરીક્ષાની તૈયારીઓ કરજે. પછી જો તારું પરિણામ કેવું સરસ આવે છે.”

મનોજે કહ્યું, “પરીજી, તમે તો મારી આંખો ખોલી દીધી. આજ પછી હું પરીક્ષાની તનતોડ મહેનત કરીશ.”

પરીએ જાદુઈ છડી ફેરવતા કહ્યું, “સદાય સુખી રહો.”

આમ કહી પરી અલોપ થઇ ગઈ. મનોજને હવે એક નવી દિશા મળી ગઈ હતી. તે પરીના ચિંધેલ માર્ગ પર ચાલી જીવનમાં ખૂબ સફળ થયો.



Rate this content
Log in

Similar gujarati story from Fantasy