પરી
પરી
સમાજમાં સામાન્ય રીતે એવું ઈચ્છવામાં આવે છે કે દરેક જણ દીકરો જ ઈચ્છે કારણ એ કૂળદિપક કહેવાય. પરંતુ રમેશ અને રોમા એવું ઈચ્છતા હતાંં કે એમને ત્યાં સરસ મજાની ઢીંગલી જેવી દીકરી આવે. ખરેખર એમને ત્યાં દીકરીનું આગમન થયું. એકદમ રૂપાળી રૂપાળી દીકરીને જોઈ પતિ પત્ની બંને ખુશ હતાં. દીકરી તો દુશ્મનને પણ પરાણે વહાલી લાગે એવી હતી. સર્વાનુમતે એનું નામ પરી રાખવામાં આવ્યું. એના ફોઈએ જ કહ્યું, "આપણે એના દેખાવ ને અનુકૂળ નામ રાખીશું. એ નામ પરી જ હોય. આકાશમાંથી ઉતરીને જાણે કે આપણા ઘરમાં આવી છે. "
પરીનો પડ્યો બોલ જીલાતો હતો. સરખે સરખી સહેલીઓ જોડે પરી રમતી હોય તો બધાથી જુદી તરી આવતી. જો કે એની શાળામાં એવું કહેવાતું કે જે સ્પર્ધામાં પરી ભાગ લેવાની હોય એમાં પરીની જીત નિશ્ચિત જ હોય. ખરેખર પ્રભુએ એને ફુરસદના સમયે ઘડી હશે. એના વ્યક્તિત્વમાં કે દેખાવમાં કયાંય કંઈ જ ખામી શોધી ના શકો. બધાએ પ્રથમ નંબરની આશા જ છોડી દીધી હતી. રમેશ અને રોમા આવી સર્વગુણસંપન્ન દીકરી આપવા બદલ ઈશ્વરનો આભાર માનતા. જયારે પરી બારમા ધોરણની પરિક્ષામાં પ્રથમ આવી ત્યારે બધાને એમ જ હતું કે પરી ડોક્ટર બનશે. પણ પરીએ તો સ્પષ્ટપણે કહી દીધું મને મડદાં ચીરફાડ કરવા ગમતા નથી. મારે ડોક્ટર તો નથી જ થવું. હું પી. એચ. ડી. કરવા માંગુ છું. હું રિસર્ચ કરીશ, મારી પોતાની ફેકટરી નાંખીશ. કેમેસ્ટ્રી મારો પ્રિય વિષય છે. એમ. એસ. સી. પુરૂ કરી ને એણે તરત પી. એચ. ડી. ચાલુ કર્યુ. પી. એચ. ડી. ના ગાઈડે પણ એની હોંશિયારી જોઈ લીધી હતી. એટલુંજ નહીં એની મહત્વાકાંક્ષા પણ જાણી ચૂકયા હતાંં કે આ છોકરી જીવનમાં કંઈક કરવા માંગે છે. એ પોતે પણ કેટલાય સમયથી વિચારી રહ્યા હતાં કે પોતે પણ ફેકટરી નાંખે. પરંતુ એ માટે જરૂર હતી કોઈ હોંશિયાર ભાગીદારની. તે ઉપરાંત પૈસા પણ સારા એવા રોકવા પડે. એમને પરીમાં હોંશિયારી જોઈ લીધી હતી અને માતાપિતાની એક માત્ર સંતાન હતી. પૈસે ટકે સુખી હતી. જો આવી વ્યક્તિની મદદ મળી જાય તો જિંદગી બની જાય. તેથી જ એમણે પરીને કહ્યું,"પરી, હવે તો તારૂ ભણવાનું પણ પુરૂ થવા આવ્યું છે. બસ, પછી આપણે બંને ભેગા થઈને ફેક્ટરી નાંખીશુ. આપણને બેંકમાંથી લોન પણ મળી જશે. આપણા બંનેનું સ્વપ્ન પણ એક જ છે. જિંદગી સારી રીતે પસાર થઇ જશે".
ટુંક સમયમાં પરીનું ભણવાનું પણ પુરૂ થઇ ગયું.એના સ્વપ્ન મુજબ ફેકટરી પણ બની ગઈ. એના ગાઈડ શર્માજી જોડે એને ફાવી ગયું હતું. પરંતુ એ જયારે શર્માજીને જોતી ત્યારે એને થતું કે, મને પણ આવો જીવનસાથી મળે તો કેવું સારું ! જયારે જયારે એ શર્માજી સાથે વાત કરતી ત્યારે એ એનામાં એના ભાવિ પતિને જોતી. અનુભવી શર્માજી પણ સમજી ચૂકયા હતાંં કે પરી એમના તરફ આકર્ષાઈ છે. તેથી એમને પરી સાથે ફેકટરીના સમય પછી પણ હળવા મળવાનું ચાલુ કરી દીધું. પરીને પણ હવે શર્માજીનો સાથ ગમવા લાગ્યો હતો. દિવસે દિવસે એ ઘરે પણ મોડી આવવા લાગી હતી. હવે એના માબાપને એના લગ્નની ચિંતા હતી. પરીની મમ્મીની ઈચ્છા હતી કે હવે બને એટલા જલદીથી લગ્ન કરી નાંખવા. આમ તો ઘણા છોકરાંઓ જોયા. પરંતુ પરીની મમ્મીની ઈચ્છા હતી કે પરી માટે સંયુક્ત કુટુંબ જ શોધવું જેથી એમની જવાબદારી વહેંચાઈ જાય. આખરે એમને એક કુટુંબ મળી ગયું કે જયાં પતિપત્ની બંને ખાનદાન હતાં તથા સાલસ સ્વભાવના હતાંં. તે ઉપરાંત દીકરો એકનો એક હતો. દીકરાની મા એ તો પ્રથમ મુલાકાત માં જ કહેલું, "પરીના આવવાથી મને દીકરી નહીં હોવા નું દુઃખ નહીં રહે. "પરીના માબાપ દીકરા ના માબાપના બોલવામાં હ્રદય પૂર્વકની સચ્ચાઇ અનુભવી રહ્યા હતાં. આવા ખાનદાન માણસો મળવા બદલ તેઓ આનંદ અનુભવી રહ્યા હતાં. પરીને પણ વારંવાર પૂછતાં હતાં, " પરી તને ઓમ ગમે છે ને ? "
પરીએ જયારે સંમત્તિ દર્શાવી ત્યારે એના માબાપ ખુશ હતાં. ઓમ અને પરીની જોડી પણ નજર લાગે એવી હતી. ચારે તરફ ખુશીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પૈસે ટકે પણ તેઓ સમકક્ષ હતાંં.
લગ્ન બાદ ઓમને લાગતું હતું કે પરી મને મન દઈને પ્રેમ કરતી નથી. જો કે ઓમના માબાપ તો પરીના વખાણ કરતાં ધરાતાં જ ન હતાંં. સાંજે વહેલી ઘરે આવે તો રસોડું સંભાળી લેતી. એની રસોઈ પણ સ્વાદિષ્ટ બનતી હતી. પરંતુ પરી અડધી રાતે ઉઠી ને ફોન પર ધીમા ધીમા અવાજે વાતો કરતી.એકાદવાર ઓમે પૂછયું પણ ખરુ, "કોની સાથે વાત કરે છે ?
કોઈકવાર કહેતી, "મમ્મી જોડે તો કોઈ વાર બહેનપણીઓના નામ આપતી " પરંતુ ઓમ આ વાત માનવા તૈયાર જ ન હતો. કારણકે મમ્મી કે બહેનપણીઓ જોડે અડધી રાતે એકદમ ધીમા અવાજે વાત કરતી. તેથી તો ઓમે એવી વ્યવસ્થા કરેલી કે એના ફોન ટેપ થાય અને એ સાંભળી શકે. ઓમ ને ખાતરી હતી કે કંઈક ગરબડ છે. પરંતુ સાબિતી હોવી ખૂબ જરૂરી હતી જે એને મળી ગઈ હતી. પરી એના ભાગીદાર શર્માજી સાથે જ વાતો કરતી હતી. તેથીજ એને પરીને સમજાવી, "પરી, તું તારી, મારી, શર્માજી એની પત્ની, બાળકો બધા ની જિંદગી બરબાદ કરી રહી છું. તું ભાગીદારી છોડી દે. જે પૈસા આપે એ લઈ લે. ધારોકે પૈસા ના આપે તો કંઈ નહીં. આપણે સુખી થવું છે. પરી, તું આટલા બધાના નિસાસા ના લે. એમાં કોઈ સુખી નહીં થાય. હું તો તારી બધી ભૂલો માફ કરવા તૈયાર છું. "
"પરંતુ હું શર્માજી ને છોડવા તૈયાર નથી. હું તને છોડી શકીશ, શર્માજીને નહીં"
"પરી, હું આ રીતે જીવી નહીં શકું. આપણે રાજીખુશીથી છૂટા પડી જઈએ. "
ઓમે એના માબાપ ને બોલાવ્યા એ તો એ વાત માનવા તૈયાર જ ન હતાં કે એમની લાડલી પરી આવું કરી શકે. પરીએ તો એના માબાપ ને સ્પષ્ટ કહી દીધું, "મને સમજાવવાની કોશિશ ના કરતાં હું શર્માજીને નહીં જ છોડું. "
પરીના માબાપની આંખોમાં આંસુ આવી ગયા. બીજી જ પળે તેઓ ઊઠીને ઓમના માબાપના પગે પડતાં બોલ્યા, "અમને તમારી ખાનદાનીની ખબર છે. તમે અમને માફ કરો. આજથી પરી અમારી દીકરી નહીં. લગ્ન પહેલાં પણ અમે પૂછ્યું હતું કે તારા મનમાં કોઈ હોય તો કહે. ત્યારે પણ એ કશું ના બોલી. તમારા જેવા માણસોને દગો દેનાર કયારેય સુખી ના થાય. "
ત્યારબાદ તો ઓમને સમાચાર મળતાં રહેતા કે પરીના માબાપે પરી સાથે સંબંધ તોડી નાંખ્યો છે. શર્માજીએ એને ફલેટ અપાવ્યો છે ત્યાં કયારેક કયારેક જાય છે. પરી એકલીઅટૂલી રહી ગઈ છે. સમાજમાં પણ તે હળીમળી નથી શકતી. પરંતુ ઓમ કહેતો, "હું મારી પત્ની સાથે ખુશ છું. ભગવાન પરીને પણ સદબુધ્ધિ આપે અને એ પણ ખુશ રહે."
દિવસો વિતતા જતાં હતાંં. ઓમ એની પત્ની અને બે બાળકો સાથે ખુશ હતો.
એક દિવસ સવારમાં એને કુરિયરમાં એક કવર મળ્યું. અંદર થોડા કાગળો હતાં એની સાથે એક પત્ર પણ હતો. અક્ષરો અજાણ્યા હતાંં. સંબોધન વાંચી એ ચમકયો. આવું સંબોધન કોણ કરી શકે ? વહાલા દીકરા.
તેં અમને માફ કર્યા છે કે નહીં એ ખબર નથી. પણ અમે તો લગ્ન પહેલાં પણ કહેલું કે લગ્ન એટલે બે પરિવારોનું મિલન. અમે દીકરી આપીને દીકરો લઈએ છીએ. જેમ તમારા માતાપિતા કહેતાં કે પરી આવવાથી હવે અમને દીકરીની ખોટ નહીં લાગે. તેમ અમે પણ કહેલું કે હવે અમને દીકરાની ખોટ નહીં લાગે. આ બધું અમે બોલવા ખાતર ન હતાં બોલ્યા. સાચા દિલથી કહેલું, એમાં દંભ કે દેખાવ ન હતો અમે એવું જ માનીએ છીએ. તેથી અમારી તમામ મિલકત તમારા નામે કરી છે. તમે સ્વીકાર નહીં કરો તો અમે માનીશું કે તમે અમને માફ નથી કર્યા. બેટા, પરી તો આકાશમાં ઊડી જવા માટે જ પૃથ્વી પર આવી હતી.
તમારા અભાગા માબાપ ને માફ કરી આ વસિયત મુજબ બઘું સ્વીકારી લેજો.
ઓમના હાથમાં કવર હતું અને આંખોમાં આંસુ. પરીના માબાપ પૃથ્વી પરના જીવ જ કયાં હતાં ! તેથી જ પરી જાણે કે આસમાનમાંથી એમના ઘરે આવી હતી. બાકી આવું તો પૃથ્વી પરનો મનુષ્ય વિચારી જ કયાંથી શકે !
