પ્રહલાદ
પ્રહલાદ
અનાથાશ્રમમાં ઉછરેલી કેસર આ જ વર્ષે સોળમાં વર્ષમાં પ્રવેશી હતી અને તેનું જોબન પણ પૂરેપૂરું ખિલ્યુ હતું. એટલે જ તો નિયમિત અનાથાશ્રમમાં દાન આપવા આવતા શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની નજર એ જ્યારે પણ આશ્રમ આવતા ત્યારે કેસર પર મંડાયેલી રહેતી. અને ત્યાં જ હોળી ધુળેટીનો તહેવાર આવ્યો, એ ઉદ્યોગપતિ અનાથાશ્રમના બાળકોને શહેરથી થોડે દૂર આવેલ પોતાના ફાર્મહાઉસમાં તહેવારની ઉજવણીનું આમંત્રણ આપ્યું એટલે આશ્રમનાં સંચાલિકા બાળકોને ત્યાં લઈ ગયા કેસરે પણ કમને ત્યાં જવું પડ્યું.
રાતે જ્યારે ઉતાસણી પ્રગટી ત્યારે સંચાલિકાએ કેસરને ઉદ્યોગપતિના રૂમમાં કોઈ વસ્તુ આપવા જવા કહ્યું,પણ કેસરને ઉદ્યોગપતિ અને સંચાલિકાના મલિન ઈરાદાનો ખ્યાલ આવી ગયેલ કેમકે આ પહેલા પણ સંચાલિકા ઘણી વાર આશ્રમથી ઘણી છોકરીઓને શહેરના પ્રતિષ્ઠિત લોકો સાથે મોકલતી અને એ જ્યારે પાછી ફરતી ત્યારે રડતી રહેતી એને જોઈ બધી છોકરીઓને ખ્યાલ તો આવી જ જતો કે તેની જોડે શું બન્યું છે તે !
આજ તો સંચાલિકાની વાત સાંભળી કેસરે મનમાં કંઈક નિશ્ચય કર્યો અને તે સંચાલિકાનો પ્રેમથી હાથ પકડી ચારેબાજુ ફેલાતી ઉતાસણીની અગનજવાળામાં સંચાલિકાને ધક્કો મારી દીધો પ્રહલાદે જેમ પોતાને ખતમ કરવા આવેલ હોલિકાને પોતાની પ્રાર્થના શક્તિ દ્વારા હોળીમાં દહન કરેલી તેમ કેસર પણ પ્રહલાદ બનીને રાક્ષસી જેવી સંચાલિકાનો હોળીમાં હોમી તેનો અંત લાવી દીધો.
