પ્રગતિના પંથે પ્રયાણ
પ્રગતિના પંથે પ્રયાણ
નિવ્યાએ વિચાર્યું જ ન હતું કે આ દિવસ આવશે. માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈ. પચીસ વર્ષ એ કંઈ નાનો સમય તો ન હતો. જયારે પતિનું મરણ થયું ત્યારે એના પેટમાં પતિનો અંશ પાંગરી રહ્યો હતો.
સમાજનો મોટો ભાગ નિવ્યાને સમજાવી રહ્યો હતો કે તું બાળક પડાવી નાંખ અને ફરીથી લગ્ન કરી કાઢ. હજી તો તારા લગ્નને માંડ સાત મહિના થયા છે. તારે તો આખી જિંદગી વિતાવવાની છે. નિવ્યાએ અને એના પતિએ બંનેના ઘરનાના વિરોધ વચ્ચે લગ્ન કર્યા હતા. તેથી બંનેના માબાપ મરણના સમાચાર સાંભળીને પણ આવ્યા ન હતા.
નિવ્યાને સરકારી નોકરી હતી. એના પતિએ બહુ મોટી રકમનો વીમો લીધો હતો. એ બધી રકમ નિવ્યાને જ મળી. પી. એફ.,ગ્રેજ્યુએટી તથા રજાઓનો પગાર બધું થઈ ઘણી મોટી રકમ મળી. તે ઉપરાંત પતિનું પેન્શન પણ મળતાં પૈસેટકે તો કંઈ જ તકલીફ ન હતી. એ પોતે પણ ઘણું કમાતી હતી. છતાંય એ વિચારતી કે આ બધા પૈસા પર અમારા બાળકનો અધિકાર છે.
આમ તો એણે સાસુસસરાને પણ પૈસા આપવાનો પ્રયત્ન કરેલો પરંતુ એમને કહ્યું,"અમારે તારી કોઈ જ દયાની જરૂર નથી. પૈસા પાછા લઈ જા. તારા પગલે જ અમે અમારો દીકરો ગુમાવ્યો. આ ઘરમાં ફરીથી પગ મૂકવાની હિંમત ના કરીશ. નહીં તો તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મુુકીશુુ. "
સમય તો ઝડપથી પસાર થતો હતો. કૌશલ પણ મોટો થતો જતો હતો. નિવ્યાના વધુ પડતાં લાડપ્યાર ને કારણે કૌશલ ને ભણવાનું ગમતું ન હતું. નિવ્યા કહેતી કે ,"તારે ભણવું તો પડશે જ. તું ગમે તે યુનિવર્સિટીમાંથી બી. એ.ની ડિગ્રી પણ મેળવી લે. તો જ સમાજમાં કોઈ તમને પૂછશે. આપણા ઘરમાં સંસ્કારી પુત્રવધૂ આવે. બેટા,બસ તારો સુખી સંસાર જોઈને મારી આંખ મિચાય. "
એક દિવસ કૌશલ એક યુવતી ને એની સાથે લાવ્યો બોલ્યો,"મમ્મી,આ કામાક્ષી છે. અમે કોલેજમાં સાથે જ ભણીએ છીએ. અમે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. મમ્મી, અમને આશીર્વાદ આપ"
નિવ્યા સ્તબ્ધ બની ગઈ. દીકરાના લગ્ન માટે કેટકેટલા સ્વપ્ન જોયા હતાં ! પરંતુ દીકરાએ કહી દીધુું કે મમ્મી,પણ લગ્ન તો આપણે ધામધૂમથી કરીશું. હજી તો અમે પ્રી. મેરેજ ફોટોગ્રાફી માટે સિમલા જવાના છીએ. લગ્ન બાદ હનીમુન માટે યુરોપ જવું છે.
નિવ્યાને આઘાત લાગ્યો કે કૌશલ કમાતો નથી અને લાખ્ખોમાં ખર્ચ કરવાની વાતો કરે છે ! જો કે નિવ્યા પોતાના પગારમાંથી જ ખર્ચ કરતી હતી. કૌશલના પિતાના પૈસા તો એણે કૌશલ તથા એના નામે બેંકમાં મૂકી દીધા હતાં. પરંતુ કૌશલે અઢાર વર્ષ બાદ એ ખાતામાંથી ઘણા બધા પૈસા ઉપાડી લીધા હતાં. એનું ધ્યાન ભણવા કરતાં મોજશોખમાં વધુ હતું. એને કાર સારામાં સારી અને મોંઘી ખરીદી. કૌશલને ખબર પડી ગઈ હતી કે એના પપ્પાના ઘણા પૈસા છે.
અત્યાર સુધી નિવ્યા ખોટા ખર્ચ કરતી ન હતી. પણ દીકરો મોટો થશે કમાતો થશે. પોતે નિવૃત્ત થશે. ત્યાં સુધી કૌશલને ત્યાં બાળક આવશે અને બાળક સાથે બાળક બનીને જિંદગી વિતાવશે.
એકાદવાર નિવ્યાએ ધીમા સ્વરે કહ્યું,"બેટા, તમે ખર્ચા ઓછા કરો. આ રીતે તો કુબેરના ભંડાર પણ ખાલી થઈ જશે. હજી તો તને નોકરી પણ મળી નથી. "
પરંતુ કામાક્ષી ને આ વાત ગમતી ન હતી એ તો વારંવાર એક જ વાત કરતી ,"તારી મમ્મી એ લગ્ન સુખ માણ્યું નથી એટલે એ આપણું સુખ જોઈ શકતી નથી." કૌશલને તો હંમેશા પત્નીની વાત સાચી લાગતી.
બીજા જ મહિને નિવ્યા નિવૃત્ત થઈ. હવે તો એની ઘરમાં ચોવીસ કલાક સતત હાજરી રહેતી જે કામાક્ષી ને પસંદ ન હતી તેથી વાતવાતમાં સાસુને ઉતારી પાડતી. કયારેક કહેતી કે તમારી રસોઈમા ભલીવાર નથી. નિવ્યા સ્તબ્ધ થઈ ગઈ એને તો વિચાર્યું પણ ન હતું કે એને કોઈ આવુ કહી શકે ! મનદુ:ખ દિવસે દિવસે વધતા જ ગયા. એકદિવસ કામાક્ષીએ કહી દીધું ,"તમે અહીં કેમ પડ્યા રહ્યા છો ? અહીંથી જતા રહો અને અમને શાંતિથી જીવવા દો. "નિવ્યાને આઘાત તો એ લાગ્યો કે કૌશલ પણ હાજર હતો. છતાં પણ પત્નીને એક શબ્દ પણ ના કહ્યો એનો અર્થ કે એમાં એની મૂક સંમત્તિ હતી.
એ આખી રાત એને ઊંઘ ના આવી. પણ એને એક નિર્ણય લઈ લીધો કે હવે એ આ ઘર છોડીને જતી રહેશે. જયાં માત્ર પૈસાની જ સગાઈ હોય ત્યાં પ્રેમની અપેક્ષા કઈ રીતે રખાય ?
એના માબાપે એના નામે એક મકાન એટલે રાખેલું કે બાપદાદાની મિલકતમાંથી નિવ્યા ભાગ માંગવા કોર્ટે ના જાય. નિવ્યાના માબાપ તો રહ્યા ન હતા પરંતુ કોર્ટ મારફતે ઘરના કાગળિયાં વકીલ મારફતે મોકલેલા.
બીજા જ દિવસે નિવ્યા બેગ લઈ ને જતી હતી ત્યારે કામાક્ષી એ કહ્યું,"જયાં જઉં હોય ત્યાં જાવ પણ અમને બદનામ ના કરતાં"
નિવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. કૌશલ પણ ચૂપ રહ્યો. નિવ્યાએ ઘર ખોલ્યું એ સાથે જ અનેક યાદો એને ઘેરી વળી. નાનપણમાં કરેલું આરંગેત્રલ,સંગીતની કરેલી સાધના. એથી તો સવારે ઉઠીને એને રિયાઝ ચાલુ કર્યો. સાથે સાથે ભરતનાટયમના તથા સંગીતના કલાસ ચાલુ કર્યા. ધીરે ધીરે એના કલાસનું નામ થઈ ગયું. પૈસા તો પતિના બધા જ પુત્રને આપી દીધા હતાં. કલાસના કારણે એની આવક વધતી જ ગઈ. એની અત્યાર સુધીની બચત અને કલાસની આવકમાંથી એણે સંગીત તથા નૃત્યની સ્કુલ ચાલુ કરી. એના અવાજમાં મીઠાશ તો હતી જ. હવે એ પિકચરવાળાના ધ્યાનમાં પણ આવી ગઈ હતી. એને પિક્ચરમાં ગાવાની તક મળવા માંડી. એના કારણે એ સ્ટેજ શો પણ કરવા માંડી.
ત્યારબાદ તો એ સોશીયલ મિડીયામાં પણ છવાઈ ગઈ. નિવ્યાની પ્રસિધ્ધિ જોઈ દીકરો તથા પુત્રવધૂ હાજર થઈ ગયા. માફી પણ માંગી દીકરા ને નોકરી મળી ન હતી પૈસા ખલાસ થવા આવ્યા હતાં. તેથી તો આવતાંની સાથે નિવ્યાના ખોળામાં બાળક મૂકતાં બોલ્યા,"બેટા,હવે તું તારી દાદી પાસે જ રહેજે. અમે જઈએ છીએ. "
"કૌશલ,હવે હું બધી જ મોહમાયાથી પર થઈ ગઈ છું. મારે સતત રેકોર્ડીગ તથા સ્ટેજ શો ચાલુ જ છે. મને હવે ફુરસદ જ નથી. "
"મમ્મી,એટલે અમે એવું માની લઈએ કે તેં અમને માફ નથી કર્યા ?"
"મા કયારેય પોતાના બાળકને તરછોડે નહીં. મને તારૂ બાળક વહાલું જ છે. કારણ મૂડી કરતાં વ્યાજ વહાલું જ હોય.
હવે મારો સ્ટેજ શો ચાલુ થવાની તૈયારીમાં છે.
જો કે હું તમારા બંનેનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આજે હું જે કંઈ છું એ તમારા કારણેજ છું "કહેતાં એને પોતાના ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢી બાળકને પહેરાવી દીધી.
જોકે મિડિયાવાળાની નજરે એના આંસુ ના પડે એટલે બાથરૂમમાં જઈ મોં ધોઈને સ્ટેજ પર ગઈ.
