પ્રેમપત્ર
પ્રેમપત્ર
સાસુની ઉતરક્રિયા પુરી થયા પછી હજુ એક બે દિવસ ગામડે જ રોકાણ થયું. વેચાણ ન થાય ત્યાં સુધી ઘરને તાળું મારીને જ જવાનું હતું. એટલે ઘરમાંનો કિમતી સામાનની સફાઈ કરીને શહેર જવાનું નકકી થયું. ઘરનાં ખૂણે ખૂણાં સાફ કરતા એક ખૂણે કેટલાંક રદીફદી જેવાં કાગળિયા મળ્યાં. તમે જોતાં ગયાંને કાગળો ફાડતા ગયાં.
એક પીળા પડી ગયેલા કાગળ પર તમારી નજર સ્થિર થઈ ગઈ. પતિના મરડોદાર અક્ષરે લખાયેલો પ્રેમ પત્ર હતો.
"પ્રિયે, એક ગાઢ આલિંગન.
મજામાં હોઈશ. છેલ્લા કાગળનો જવાબ ન આવ્યો. તને મળવાની, આલિંગનમાં લેવાની, તને ચુમવાની ઈચ્છા તો પુરી થતી નથી, એમાં પણ છેલ્લા કાગળનો જવાબ ન આવ્યો તને વાંચવાની ઈચ્છા પણ આ વખતે પુરી ન થઈ."
જેમ જેમ પત્ર આગળ વંચાતો હતો તેમ તેમ તમારાં હ્રદયના ધડકારાને વધુ ને વધુ ઈજન મળતું હતું. લગ્નનાં આટલાં વર્ષો પછી પતિનું આવું રૂપ જોવાનું ! કોઈને પ્રેમ કરતા હતા તો મને શું કામ પરણ્યા ?
"બેન ! મીઠાઈનાં પૈસા આપવાનાં છે..."
સાદ આવતા, અડધા વાંચેલાં કાગળને ગડી વાળી તમે બ્લાઉઝમાં સરકાવી દિધો. રાત્રીનાં વાળુપાણી પછી માંડ તમને થોડી નવરાશ મળી. પતિદેવ બહાર ડેલીમાં ખાટલો ઢાળી લાંબા થયા, આ ક્ષણની રાહ જોતાં, તમે કાગળને છાતીથી અલગ કર્યો. તમારા પરસેવાથી તે સદ્યસ્નાતા થઈ ગયો હતો. ધુધવાતા મને એ કાગળને પતિ સામે ધરી દીધો. ગામડાની વીજળીનાં આછા ઉજાસમાં કંઈ નહી સુઝતા પતિએ મોબાઈલ ટોર્ચ ઓન કરી. પત્ર વાંચ્યો અને પરત આપ્યો. તમારા મનોભાવને પારખી લીધા પછી એક મંદ મુસ્કાન સાથે જવાબ આપ્યો "લિખિતંગનું નામ વાચ્યું ?"
