પાગલ
પાગલ
"મા તારો ગરબો જાકમ જોળ, ઘુમે ગોળે ગોળ " હોમ થિયેટર પર તમે ગરબો મૂકી આજે ભરવાડણનાં સુંદર શણગાર સજી ગરબે રમવા માટે સજ્જ થયાં. ઘટસ્થાપન પર માથું ટેકવી માના ગરબાને તમે નિરખી રહ્યાં. ગરબાના છિદ્રોમાંથી ફેલાતો પ્રકાશ તમારા સુંદર ચહેરાને અતિ સુંદરતા બક્ષી રહ્યાં હતાં.
એ પછી તો મોડી રાત સુધી તમારા પગ ડીજેના તાલે થરકતા રહ્યાં. ખૈલેયાઓના દિલમાં ઉતરતા રહ્યાં. દર વર્ષની જેમ આ વર્ષ પણ ખૈલેયાનું પ્રથમ ઈનામ તમારાં ફાળે જ હતું. એ ઈનામ બીજા કોઈના ફાળે જતા...તમે ચિસાચિસ કરી મૂકી.
તમારાં ગરબા, તમારી સુંદરતાના ચાહકોથી, તમારાં શંકાશીલ પતિએ તમને પાગલમાં ખપાવી આ વોર્ડમાં દાખલ કરાવી દીધાં હતાં. તમે ભાગી છૂટવાની કોશીશ કરતાં હતાં, ત્યાં નર્સે આવી ફરી ઈન્જેક્શન આપી દીધું. આજુબાજુ દીવાલો ગોળ ગોળ ઘુમતી તમને નજર આવી અને હોસ્પિટલની બહાર ચોકમાં ડીજેમાં ગરબો સંભળાઈ રહ્યો હતો... " મા તારો ગરબો જાકમ જોળ, ઘુમે ગોળે ગોળ..."
