રસોઈની રાણી
રસોઈની રાણી
ટેલિવિઝન પર આવતાં રસોઈ શો અને તેમાં વિજેતા બનતી રસોઈની રાણીઓને જોઈ તન્વીને પણ "રસોઈની રાણી" બનવાનો ઉત્સાહ જાગ્યો. કોલેજ પૂરી થયા પછી આગળ ભણવાની ઈચ્છા ન હોઈ તેણે મ્મમીને કૂકીંગ ક્લાસ જોઈન કરવાની ઈચ્છા દર્શાવી.
મમ્મીનો તો દીકરીની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં હંમેશા સાથ હોય જ. તેણે તગડી ફી આપી તન્વીને જાણીતા કૂકીંગ કલાસમાં દાખલ કરી દીધી.
થોડાં સમયમાં તો તન્વી બર્ગર, પીઝા, નુડલ્સ, પુલાવ, પાઉં ભાજી, પકોડા, પંજાબી, ચાઈનીઝ જેવી કંઈ કેટલીય વાનગીઓ શીખી, સ્પર્ધાઓમાં ભાગ લઈ કેટલાંય પ્રમાણપત્રો, સર્ટીફીકેટો, ટ્રોફી વગેરે મેળવ્યાં ને એક દિવસ તો "રસોઈની રાણી" નો ખીતાબ પણ જીતી આવી.
તન્વીની ઈચ્છાઓ પૂરી થતાં, તેનાં માટે મુરતિયાની શોધ ચાલી. તન્વીને જોવા આવતાં દરેક મહેમાનો પાસે તન્વીની રસોઈની રાણીના દરેક સર્ટી, ઈનામો રજૂ થતાં. દરેક તન્વીને પોતાની પુત્રવધૂ બનાવવાંની ઈચ્છા રાખતાં. આખરે એક મુરતિયો તન્વીને ગમી ગયો. સારું ઘર અને સારો વર હોઈ, માતા પિતાએ તન્વીનાં ધામધૂમથી લગ્ન કરી આપ્યાં.
દસ દિવસ પછી સવારે ઘણાં ઉત્સાહથી તન્વી રસોડામાં દાખલ થઈ. ત્યાં સાસુનો અવાજ આવ્યો " વહુ બેટા ! દાળભાત સાથે, શૂકનમાં લાપસીનાં આધણ મૂકજો.. !" તન્વી મૂંઝવણમાં મૂકાઈ... "લાપસી ?"
