સાંજ ટાણે
સાંજ ટાણે
ઘણીએ ના પાડી ઘરનાઓએ, "આમ સાંજ ટાણે આવવા ન નીકળ." " નહી આવે તો ચાલશે " પણ મનમાં બહાદુરીનું ભૂત સવાર હતું તે એક્ટિવા લઈને હું નીકળી ગઈ.
ગામડે મામાના ઘરે ઓળો રોટલાનું પરિવારનું જમણ રાખેલ. હું છ વાગ્યે જોબ પરથી છૂટી ગઈ. શિયાળાનાં દિવસો હતાં. સૂરજદેવને પણ શિયાળાનો ડર હોય તેમ જલ્દી જ આથમી રાદલમાનાં ઓરડા ભણી પ્રયાણ કરી ગયા. શહેરને વટાવ્યાં પછી લગભગ એકાદ કલાકનો રસ્તો કાપવાનો હતો. સાડા સાત આઠ વાગ્યે તો પહોંચી જઈશ, વિચારતી મારી એકટીવા ધીરે ધીરે શહેરના ટ્રાફિકને પાર કરતી હતી.
મામાના ઘરે સૌ ચિંતામાં હતાં... " દસ થયાં... તન્વી હજુ આવી નહીં..! શું થયું હશે..? " મમ્મીને બધાએ ઉધડી લીધી " તને ખબર ના પડે ? જુવાન દીકરીને સાંજ ટાણે વગડાની વાટે એકલી ન આવવા દેવાય, એવું હતું આજ રજા મૂકાવી દેવાય..! " અધ્ધર શ્વાસે બધાં મારી રાહ જોઈ રહ્યાં હતાં. થોડી થોડીવારે મને મોબાઈલ પર કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. પણ ક્યાંથી લાગે. મોબાઈલ જ બંધ પડી ગયો હતો. દસને પાંચે મારી એકટીવા મામાના ફળીએ આવીને ઊભી રહી... સાથે જ સૌ મારી પર તૂટી પડ્યાં.
બધાંની વઢ ખાઈને ધરાઈ ગયાં પછી મેં બોલવું શરું કર્યું... " પહેલાં કારણ તો જાણો..."
" શહેર વટાવી મારી એકટીવા સુમસામ રસ્તા પર દોડી રહી હતી. આ રીતે પહેલી વાર હું એકલી જ નિકળી હતી. થોડો રોમાંચ અને થોડો ડર લાગી રહ્યો હતો. અંધારું હવે પુરેપુરું ધરતી પર ઉતરી આવ્યું હતું. એક જગ્યાએ ઝાડીમાં થોડો સળવળાટ થયો. કંઈ દેખાયું નહીં મારા શરીર પર એક લખલખું પસાર થઈ ગયું. એમાં સામે જ ખાડો હતો. મારું ધ્યાન રહ્યું નહી. ગાડી જોરથી ખાડા પર ઉલળી. મેં મહામહેનતે ગાડી પર કાબુ લઈ લીધો, પરતું મારું પર્સ વેગથી ફંગોળાઈ ગયું હતું અને તેમાં રહેલો મોબાઈલ બંધ થઈ ગયો હતો. હિંમત કરી પેલાં સળવળાટ બાજુ નજર કરી, તો એક નિલગાયને રસ્તો ઓળંગવો હતો. તેને મારો ડર લાગી રહ્યો હતો. મને ઊભેલી જોઈ તે ઝડપથી સડક પાર કરી ગયું. મેં ફરી એકટીવા સ્ટાર્ટ કરી. પણ ગાડી શરું થઈ નહી. આટલી ઠંડીમાં પણ મને પરસેવો વળી ગયો. મેં ઝડપથી ગાડીને ઢસડીને લઈ જવા પ્રયત્ન કર્યો. પરંતુ મારું સાટીકડું તન અને ભારેભરખમ એકટીવા ! સડક પર કોઈ વાહન પસાર થાય તો કંઈ મદદ મળે. પરંતું રસ્તો એમ જ સુમસામ હતો.
થોડે દૂર જોયું તો એક ખેતરનાં સેઢે ઝૂંપડામાં દીવો બળતો નજરે પડ્યો. મનમાં થોડો હાશકારો થયો. હું જેમતેમ કરી ત્યાં પહોંચી. ઝૂંપડીમાં એક કાકા ખેતરનું રખેવાળું કરી રહ્યા હતા. મને જોઈ તે બહાર આવ્યા. મેં તેને બધી જ બિના જણાવી. કાકા ભલા આદમી હતા. મને પાણી આપ્યું. બેસવા ખાટલો આપ્યો. કાકા પાસે મોબાઈલ હતો, પણ નેટવર્ક આવી રહ્યું ન હતું. તેણે પોતાની પાસે જે કંઈ ઓજારો હતાં તે થકી એકટીવાનાં ઓપરેશનનું કાર્ય શરું કર્યું. ઘણી જ વાર અને અથાગ મહેનત પછી એકટીવા શરું થઈ. તેણે મને કહ્યું 'દીકરી રાત અહીં રોકાઈ જા ! ' પણ તમે બધાં જ ચિંતા કરતાં હશો એટલે મેં ફરી એકટીવાને ગતિ આપી. " મારી વાત સાંભળી સૌને હૈયે ટાઢક થઈ. " હાશ અન્ય કોઈ અણબનાવ થયો નથી."
આખરે બાકી રહેલ અમે સૌ ઓળો રોટલાની ઝયાફત શરું કરી.
