રંગોની છોળો
રંગોની છોળો
"શ્રુતિ હું હોળી રમવા નીચે જાઉ છું !" વિવેક પત્નીનાં હા- નાનો જવાબ સાંભળવા રોકાયા વિના સીડી ઉતરવા લાગ્યો.
"થોડીવાર થોભો ! મારું કામ પુરું થવામાં જ છે, સાથે રંગે રમીએ " કહેતી સાડીનાં છેડે હાથ લૂછતી શ્રુતિ રસોડાની બહાર આવી. જવાબ સાંભળવા વાળો નીચે કોલોનીનાં લોકો સાથે રંગોની છોડો ઉડાડી રહ્યો હતો. શ્રુતિએ બાલ્કનીમાંથી નીચે જોયું તો પાસ-પડોશ, મિત્રો એકબીજાન પર ગુલાલ છાટી રહ્યાં હતાં. ગુલાલ તો શુકન પુરતો જ હતો. બાકી કેમિકલે દરેકના ચહેરા એક કરી નાખ્યાં હતાં. શ્રુતિ એક હળવા નિશ્વાસ સાથે કામે વળગી.
રંગોના આ અવસરને કોઈ જતું કરવા માંગતું ન હતું. સૌ એકબીજાને રંગી નાખવા આતુર હતાં. વિવેકને પણ રંગોનો ઉન્માદ ચડ્યો હતો. એક સરખા લાગતાં મહોરા વચ્ચે વિવેકે ત્રીજા ઘરે રહેતાં અભયની પત્ની મંયકાને જાણી લીધી. ઘણાં સમયથી માત્ર તાકવા જ મળતું હતું.
"બુરા ન માનો હોલી હૈ!!" બૂમ બરાડા વચ્ચે વિવેક સરકતો મયંકા પાસે પહોંચ્યો. ગોરા ગાલ પર રંગોથી ભરેલી મુઠ્ઠી ઠાલવી દીધી ને ખબરબચડી હથેળી પણ મુલાયમતાને પામી આવી. સાથે જ અડછતો સ્પર્શ તેનાં ઉરોજનો પણ થઈ ગયો. 'રંગોની છોળો'નો પરમ આનંદ લઈ વિવેક ઉપર આવ્યો. સ્નાન કરી કપડા બદલ્યા. ભોજનને ન્યાય આપી બેડરૂમમાં આરામ કરવા લાગ્યો.
શ્રુતિ પણ હવે કામથી પરવારી હતી. સાંજના પાંચેક વાગ્યે રંગોનો બીજો પ્રહર શરું થયો. "ચાલો ફરી મારી સાથે હોળી રમો !" શ્રુતિએ વિવેકને આમંત્રણ આપ્યું.
"ના તું જા, મારે હવે ફરી સ્નાન નથી કરવું. મને ઊંઘ આવે છે." કહેતો વિવેક પલંગ પરથી ઉભો થયો નહી. શ્રુતિ એકલી જ રંગે રમવા નીચે આવી.
સરખી સાહેલીઓ ભાન ભૂલી રંગના તહેવારને માણવાં લાગી. "બુરા મત માનો હોલી હૈ ! " દેકારામાં વિવેકને ઊંઘ ન આવી. તે બાલ્કનીમાં આવ્યો. જોયું તો હોળી રમનારની સંખ્યા વધી રહી હતી. ધીમે ધીમે લોકો ઘરની બહાર રંગે રમવા આવી રહ્યાં હતાં. વિવેકની સામે રહેતો નિરજ પણ હોળી રમવા નીચે ઉતર્યો. વિવેકનું ધ્યાન તેના પર ગયું. વિવેકને જાણે સાપ કરડયો. જલ્દી જ વિવેક પણ સીડી ઉતરવા લાગ્યો. શ્રુતિને તાકતા નિરજને તેણે ઘણીવાર જોયો હતો.'
