પગલાંનાં સંભારણાં
પગલાંનાં સંભારણાં
" કેટલી વાર છે?" " હવે કોની વાટ જોવાની છે ?" મેં ઉતાવળ કરાવી. સાથે સલાહ પણ હું આપતો હતો " જો.. જો કોઈ શણગાર બાકી ના રહી જાય " ફૂલ-હાર હવે કંઈ મંગાવવાનું છે ? " થોડી થોડી વારે હું માનવોના સમૂહને પૂછી પણ લેતો હતો.
બધાં રડતા હતાં. મારે પણ રડવું હતું. ભરાય ગયેલું મારું હૈયું ખાલી કરવું હતુું. પણ મર્દાનગીનું લેબલ મારી પર હતું. રોકવા છતાં થોડા આંસુ ઉંબર ઓળંગી ગયાં તો કોઈના શબ્દો કાને પડ્યાં " મરદ થઈને રડે છો !" મહાપ્રયત્ને મેં આંસુનાં બંધને બાંધી રાખ્યાં. વિદાય આપવા તો મારે છેક સુધી જવું હતું, પણ " ન જવાય " પહેલા જ બધાંએ સલાહ આપી દીધી હતી.
આખરે વિદાયની એ કપરી ક્ષણ પણ આવી ગઈ. મારામાં હતી એટલી મરદાનગી મેં એકઠી કરી, એક ધોળા રંગનું વસ્ત્ર મારા હાથમાં લીધું. કંકાવટીમાં કંકુ ઘોળ્યું. મારા હાથેથી તેનાં પગનાં તળિયાંનું કંકુધોળણ કર્યું. મારે આ બધું નહોતું કરવું. શું કરું, મારા ઓરડાનું અજવાળું જતું હતું. સફેદ વસ્ત્ર મેં પગનાં તળિયે મૂક્યું. તેનાં પગલાંના સંભારણા વસ્ત્ર પર અંકિત થઈ ગયાં. હવે હુું મરદ મટી નર્યો પતિ બની ગયો. મારા આંખોથી વહેતી ગંગ઼ા જમના એ વસ્ત્રને ભીંજવા લાગી ને મારા આંસુની પરવા કર્યાં વગર એની અર્થી ઉંબર ઓળંગી ગઈ.
