Asha bhatt

Others

4.7  

Asha bhatt

Others

આળસુ

આળસુ

2 mins
368


ચૈત્રને ડારો આપવા સૂરજ આભમાંથી આગનગોળા ફેકી રહ્યો હતો. ચૈતર તો નહી પણ એ અગનગોળાથી હું જરૂર ડરી ગઈ હતી, તે કોઈ ધાડપાડુની જેમ દુપટ્ટાથી બુકાની બાંધી લીધી હતી. આંખો પર ગોગલ્સ ચડાવી અને હાથને મોજાથી ઢાંકી સૂરજદાદાના અગનગોળાથી બચવા પ્રયત્ન કરી રહી હતી.  

બપોરના બારના સુમારે સડક સુમસામ બની ગઈ હતી ને મારી એકટીવાએ શહેરને પાછળ મુકી દીધું હતું.  મૃગજળને આંબવા મથતી હોય તેમ મારી એકટીવા સડસડાટ સડક પર દોડી રહી હતી. છતાં તાપ સહન ન થતાં એક ઘટાદાર વૃક્ષ નીચે મેં ગાડી ઉભી રાખી દીધી. સડક પર વહેતી લૂ વૃક્ષના લીલાછમ પર્ણોમાંથી પસાર થઈ મને સ્પર્શી કે એવું લાગ્યું વૃક્ષ મને વીજણો કરી રહયું છે. મને પેલું લોકગીત યાદ આવી ગયું... "વાગડની વાટે મુને તલકડી લાગે, સાયબા આંબા રોપાવ મારે ..."  

વૃક્ષને અડીને એક કેડી પડતી હતી, જે કોઈ નાના ગામ તરફ કદાચ જતી હશે ?કેડીને નજીક જ એક ઘરખોરડું મને નજરે પડયું. કાંટાની વાડથી આંગણને સુરક્ષીત કર્યું હતું ને વચોવચ નળિયાવાળું ખોરડું હતું. હું એ ખોરડાને નિરખી રહી હતી, ત્યાં જ એક રિક્ષા એ ખોરડા પાસે આવીને ઊભી રહી. રિક્ષામાંથી એક પાંત્રીસેક વર્ષનો યુવક નીચે ઉતર્યો. પાછળ તેની પત્ની પણ ઉતરી. કદાચ હટાણું કરવા ગયાં હશે ? બે વજનદાર થેલા પત્નિએ ઉતાર્યા. પતિ થેલાં પાસે ઉભો રહ્યો. થેલાં પછી ગેસ સિલિન્ડર પણ પત્ની રિક્ષામાંથી ઉતારવા મથી. ઘરમાં કદાચ એક ગેસ સિલિન્ડર હશે અને ખાલી થઈ જતાં કોઈ સંબંધી પાસેથી લાવ્યાં હોય તેવું લાગ્યું. પ્રયત્ન સફળ ન થતાં તેણે રિક્ષાચાલકને સિલિન્ડર ઉતારવા મદદ માંગી. રિક્ષાચાલકે પતિ સામે એક ધારદાર નજર ફેકી, ગેસ સિલિન્ડર ઉતારવા મદદ કરીને ભાડું લઈ રીક્ષા હંકારી મુકી.  

મને પણ પતિ તરફ જરા સુગ ચડી. પત્ની ગેસ સિલિન્ડરને દેડવીને ઘર સુધી મહાપ્રયત્ને લઈ ગઈ.  'પતિ ભારેભરખમ થેલાં ઉપાડી હમણાં ઘરમાં લઈ જશે !' મેં વિચાર્યું. પરંતુ એવું કંઈ થયું નહી. પત્નીએ જ થેલાંને ઘરમાં લઈ જવાની મહેનત કરવી પડી. હવે મને પતિ તરફ સુગ સાથે થોડા તિરસ્કારનો પણ જન્મ્યો ! 'કેવા કેવા માણસો હોય છે. પતિ આળસુ લાગે છે ? આવા આળસુ પતિઓ, પત્નીને માત્ર કામવાળી જ સમજે છે ! અર્ધાગી છે, કમસે કમ અડધુ કામ તો પતિપણું એકબાજુ મુકીને કરવું જોઈએ ને? ' 

મને મોડું થતું હતું. મારી એકટીવા મેં ફરી હંકારી મુકી. મુખ્ય દરવાજો સડક પર પડતો હતો. ગાડી હંકારતા મેં તિરસ્કારભરી એક નજર એ  ઘર તરફ નાખી. બારણાની નજીક પતિ-પત્ની પંખાની હવા માણી રહયા હતાં અને બાજુમાં પડેલાં આર્ટીફીશીયલ હાથ.


Rate this content
Log in