મમતાનો પડછાયો
મમતાનો પડછાયો
'હમણાં જ શ્રુતિ આવશે અને ઢોળાઈ ગયેલા લોટથી બગડેલું રસોડું સાફ કરવું પડશે તો કંઈ ખરી ખોટી સંભળાવશે...' ધ્રુજતા હાથે સવિતાબેન રસોડામાં પોતાના હાથે ઢોળાઈ ગયેલ ઘઉંનો લોટ એકઠો કરતા, તેની સામે ભૂતકાળના કેટલાંક દ્રશ્યો તરવરીયાં...
"મમ્મીજી જરા સંભાળીને વસ્તું હાથમાં લેવી, કેટલાં મોઘાં કપરકાબી મારાં મામાએ ભેટમાં આપ્યાં હતાં, મમ્મીજી જરા સંભાળીને ચાલો, આ ફૂલદાની મારાં બચતનાં પૈસાથી મેં લીધી હતી.'" અવાજ સાંભળી દીકરો પણ ઉપરાણું લેવાં આવી જતો "મમ્મી હમણાં જ તમારો મોતીયો ઉતરાવ્યો છે, હવે તો આંખે ચોખ્ખું દેખાતું હશે ? જરા સંભાળીને ઘરમાં રહો !',
ઉંમર અને પક્ષઘાતનાં હળવા હુમલાં પછી સવિતાબેનથી કંઈ ને કંઈ તૂટભાંગ થયાં કરતી અને એક દિવસ મોટા દીકરા-વહુ અલગ રહેવા જતાં રહ્યાં.
નાના દીકરાની વહુ પરણીને આવી, પણ "મને કંઈક સંભળવી દેશે ' સવિતાબેનનો ડર અકબંધ રહ્યો. નાનીવહુ જોબ કરતી હતી. આજ તેને આવવામાં મોડું થયું, તે સવિતાબેનને થયું થોડી-ઘણી રસોઈ બનાવી રાખું, પણ ત્યાંજ હાથમાંથી લોટની કથરોટ છુટી ગઈ.
" મમ્મીજી..." નાની વહુનો અવાજ સાંભળી સવિતાબેન થરથર ધ્રુજવા લાગ્યાં.
"બેટા! હાથમાંથી જરા કથરોટ .."
"કંઈ વાંધો નહી મમ્મીજી, તમે રહેવા દો હું સાફ કરી દઈશ અને થેન્ક યુ વેરી મચ, મારું કામ તમે થોડું હળવું કરવા પ્રયાસ કર્યો. તમને ખબર છે મમ્મીજી ? મારાં મમ્મીનાં હાથમાંથી પણ બધું છુટી જતું ને મારે બધું સાફ કરવું પડતું. બસ હવે તો એ માત્ર સંભારણું છે. એની મમતા તો હવે હું મેળવી નહી શકું, પણ એ મમતાનો પડછાયો મને અહીં જરુર નજરે પડે છે અને હા મમ્મીજી, આજે 'માતૃદિવસ' છે, સવારે ઉતાવળમાં તમારાં ચરણવંદન કરવાનું રહી ગયું. થોડીવાર થોભો.'"
સવિતાબેન હેતાળ નજરે નાની વહુને કિચન સાફ કરતાં નિરખી રહ્યાં.
