Rupal Sanghavi

Romance

3  

Rupal Sanghavi

Romance

પ્રેમનો સ્વીકાર

પ્રેમનો સ્વીકાર

4 mins
180


કંઈક તો કરામત! હતી એના મનમોહક, જાદૂઈ અવાજમાં. એક અજબ ખેંચાણ અનુભવાતું એના ગીતોમાં. જ્યારે રેડિયો પર એના ગીતો આવે, ત્યારે બધું છોડીને શ્રીકાંત પોતાના મહેલના એક અલાયદા ખંડમાં રેડિયો પાસે બેસી જતો. અને ગીતો સાંભળતા એકજ વિચાર કરતો કે ક્યારે એ સુંદરીના દર્શન પામું, અને ક્યારે એને મારા દિલની વાત કહું કે એના મધુર સ્વર ઉપર પોતે ઓળઘોળ છે.

એનું નામ બેલા હતું, અને દેખાવે સામાન્યથી સુંદર, મધ્યમવર્ગીય ઘરની દીકરી હતી. રેડિયો પર ગાયિકા તરીકે કારકિર્દીની શરૂઆત હતી. અને શ્રીકાંત એક રાજકુમાર હતો. એક દિવસ બેલાના ભાઈ દિલયે, પોતાના એક મિત્રને ઘરે જમવા માટે આમંત્રિત કર્યો. મિત્રના આવવાનો સમય થતા, ઘરના બધાએ જોયું એક લાલ ચકચકાટ ગાડી આવીને દરવાજે ઉભી રહી. અને એમાંથી પહેલા બે બોડીગાર્ડ ઉતર્યા, અને અદબથી દરવાજો ખોલીને ઉભા રહ્યા. અને પછી એક સોહામણો યુવાન ઉતર્યો. એણે સફેદ રાજસી પોશાક પહેર્યો હતો. પીળી પાઘડીમાંથી જરાક બહાર ફરકતા એના વાંકડિયા વાળની લટો એના તેજસ્વી કપાળ પર લહેરાતી હતી. રૂપાળા ચહેરા પર મરોડદાર મૂછોથી એ વધુ આકર્ષક લાગતો હતો. દિલય એને ઘરમાં લઈ આવ્યો અને ઘરના બધાની ઓળખાણ કરાવી.

બેલા અને એ યુવાનની નજર મળતાં બન્નેને પહેલી નજરે જ પ્રેમનો અહેસાસ થયો. પણ બેલા નજરો ઝુકાવીને ત્યાંથી અંદર જતી રહી. એ માધવપુરનો રાજકુમાર શ્રીકાંત હતો. અને એ જેના મધુર સ્વરનો દિવાનો હતો એને જ એટલે કે બેલાને શોધવા જ અહીં આવ્યો હતો. આમતો એ મધવપુરથી અહીં મુંબઈ વકીલાતનું ભણવા માટે આવ્યો હતો. પણ એના અહીં આવવાનું એક કારણ બેલા પણ હતી. અને વધુમાં અહીં કોલેજમાં જતા એની દોસ્તી દિલય સાથે થઈ ગઈ. અને અનાયાસે જ અહીં આવી ચડ્યો.

ત્યાર પછી તો શ્રીકાંત અવાર નવાર દિલય સાથે આવતો રહેતો. આ દરમિયાન બેલાને રેડિયો પર સાંભળીને ફિલ્મી સંગીતકારોએ એને ફિલ્મી ગીતો ગાવાની વાત કરી. અને બેલાની નવી કારકિર્દીની શરૂઆત થઈ. જે કરામત બેલાના અવાજમાં હતી એ બીજી કોઈ ગાયિકા પોતાના સ્વરમાં નહોતી ઢાળી શકતી. અને એ કરામત હતી કે દરેક ગીત પ્રમાણે એ ભાવમાં ઓતપ્રોત થઈને ગાતી. શૃંગાર, પ્રેમ, વિરહ, કે શૌર્ય, કે ખુશી અને દુઃખ ગીત કોઈપણ પ્રકારનું હોય પણ બેલા એ ભાવમાં ડૂબી જતી. આ તરફ શ્રીકાંતનો અભ્યાસ પૂરો થયો, અને એ માધવપુર જવાની તૈયારી કરતો હતો. અને બેલાને કહ્યું કે 'હું ત્યાં જઈને માતા-પિતાને આપણા લગ્નની વાત કરીશ. અને એમની અનુમતિ મેળવીને પછી આવીશ.'

અહીં બેલાને લગ્નનું વચન આપી શ્રીકાંત માધવપુર ગયો. માતા-પિતાને બધી વાત કરી પણ તેઓ, તથા એમનો પૂરો રાજ પરિવાર આ સંબંધ માટે રાજી નહતો. કારણ એ જ ઊંચું કુળ અને અમિરીની દીવાલ. એક રાજકુળનો કુમાર માત્ર રાજ કુળની કન્યાને જ પરણી શકે. માતાએ પોતાના વાત્સલ્ય અને લાડકોડનો લાગણી ભીનો હાથ ધરીને વચન માગ્યું કે કોઈ રાજવીની કન્યા સાથે જ શ્રીકાંત પરણશે. શ્રીકાંતે માં ને વચન આપ્યું કે એ સિવાય બીજી કોઈ સાથે નહિ. અને આવીને બેલાને બધી વાત કરી. બેલાએ પણ માતાને આપેલું વચન નિભાવવા કહ્યું. અને શ્રીકાંતે બેલાના પ્રેમના સથવારે બન્ને વચન નિભાવ્યા. બેલા અને શ્રીકાંતે જીવનભર લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો.અને શ્રીકાંત હંમેશા માટે માધવપુર ગયો. આ વાતને પાંચેક વર્ષ થયાં.

એક દિવસ બેલાના ઘર પાસે એક મોટર આવીને ઊભી રહી. એમાંથી એક સુંદર, જાજરમાન પ્રૌઢ સ્ત્રી ઉતર્યા, એમણે બેલાને જ અવાજ દીધો. બેલા બહાર આવી અને આવકાર આપ્યો. એ અજાણી સ્ત્રીએ પોતાની ઓળખાણ શ્રીકાંતની માતા તરીકે આપી. ઘરમાં આવી અને થોડીવાર બેઠા પછી કહ્યું કે "હું તને લેવા આવી છું. હવે તું આવીને બધું સંભાળી લે એટલે મને સંતોષ થાય. શ્રીકાંત બહુ બીમાર પડી ગયો છે. એના ઓરડામાં જ પડ્યો રહે છે. ક્યાંય જતો આવતો નથી, કોઈને મળતો નથી. અંદરને અંદર શોષવાયા કરે. એની આ એકલતા મારાથી નથી જીરવાતી. હું આજથી એને મને આપેલા વચનથી મુક્ત કરું છું. તમે બધા માધવપુર ચાલો ત્યાં લગ્નની બધી તૈયારીઓ હું કરીને આવી છું."

બેલા વિચારી રહી હતી કે આ પણ કિસ્મતની કરામત જ હતી કે મા એ પોતાના "પ્રેમનો સ્વીકાર" કર્યો અને શ્રીકાંતને વચન મુક્ત કર્યા. અને હવે લગ્ન પણ એમના આશીર્વાદ સાથે જ થશે. મધવપુરના મહેલમાં અચાનક એક સુંદર ગીત સંભળાય છે. મંદિરના પ્રાંગણમાં સ્ત્રીઓ ગરબા ઘૂમતી ગાઈ રહી હતી.

"મારાં તે ચિતનો ચોર રે મારો સાંવરિયો..મારાં તે..

હે..એ..એ.હે જેવો રાધાને નંદનો કિશોર એવો મારો સાંવરિયો..મારાં તે..."

શ્રીકાંતના ખંડમાં એ સ્વર પહોંચતાં જ..એના કાન ચમક્યા.! આ તો બેલાનો અવાજ! એના નિસ્તેજ મુખ પર ખુશીનો અણસાર દેખાયો, એના ચેતનહીન શરીરમાં નવું જોમ આવ્યું. એ દોડતો મંદિરના પ્રાંગણમાં આવ્યો. બેલાને બધી સ્ત્રીઓ સાથે ગરબે ઘુમતાં જોઈ, ક્ષણભર પોતાની આંખો ચોળી ખાતરી કરી કે પોતે સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને ? ત્યાં જ માં એ આવી એનો હાથ પકડીને બેલાની પાસે લઈ ગઈ, શ્રીકાંતનો હાથ બેલાના હાથમાં મુક્યો. અને આશીર્વાદ આપ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance