પ્રેમનો પ્રકાશ
પ્રેમનો પ્રકાશ
હજુ ગઈ કાલે જ વિદાય થઈને સાસરે ગયેલી અર્ચી, આજે પાછા પગ કરવા આવી હતી અને આવતાવેંત બોલી "મમ્મી ચાલોને આપણે મારા રૂમના ઝરૂખામાં બેસીએ, ત્યાં અત્યારે સરસ કૂણો તડકો આવતો હોય છે."
અર્ચીને એ ઝરૂખો આમેય બહુ પ્રિય હતો. એના સુખદુઃખનો સાથી, એની ખુશી અને આંસુનો, એનાં સૂરજ સાથેના એ સોનેરી સંસ્મરણોનો સાક્ષી હતો એ ઝરૂખો.
અહીં જ એને પોતાના દરેક સ્વજનો સાથેના આત્મીય સંબંધો પણ મળ્યા હતા.
નિશિ જેવી બહેન કહો કે સહિયર એવી નણંદ અને માબાપને ભૂલાવે એવા સાસુ સસરા. અનાથાશ્રમમાં ઉછરેલી અર્ચી તો સૂરજને પરણીને દુનિયાભરમાં, પોતાની જાતને જ સૌથી સુખી, અને ભાગ્યશાળી માનતી હતી.
પણ અચાનક એનું સુખ જાણે ચોરાઈ ગયું, એનું ભાગ્ય જાણે નજરાઈ ગયું. એનો સૂરજ અકાળે આથમી ગયો, એની આંખોમાં ચોમાસું બેઠું, એના જીવન ઝરૂખામાં ગાઢ ધૂમ્મસ છવાઈ ગયું.. અને એની સોહામણી રંગીન છબીમાં શ્વેત રંગ રેલાઈ ગયો. એ દિવસે અર્ચી ઝરૂખામાં ઊભી હતી, ધૂળેટીનો દિવસ હતો અને આજે ફરી એકવાર અર્ચીના વેરાન જીવન ઝરૂખામાં "પ્રેમનો પ્રકાશ" પથરાયો હતો. નિશી અને આકાશ દોડાદોડી કરતાં અર્ચીની આસપાસ રંગ લઈને એકબીજાને પહેલા રંગવા માટે ઝપાઝપી કરતા..., કેસૂડાનો રંગ એના સુના સેંથામાં આકાશના હાથે ઢોળાઈ ગયો.., ને ઉંબરે ઊભી નિશી, ઝરૂખાની અંદરનું દૃશ્ય ખુશી અને વ્યથાની બેવડી લાગણીઓ અનુભવતી, જોઈ રહી. નિશી ફરીવાર ભાભીના સેંથામાં, અને સાડીમાં, ઢોળાયેલા રંગો જોઈને એટલે વ્યથિત હતી કે એ કેસૂડાનો રંગ, આકાશ નિશી માટે લાવ્યો હતો. અને ખુશ એટલા માટે હતી કે પોતે, ભાઈ સૂરજના મૃત્યુ વખતે એને આપેલું વચન પાળ્યું હતું. એના દોસ્ત આકાશ અને અર્ચીને એક કરવાનું. અને કન્યાદાન કરીને અર્ચીના સાસુ સસરા પણ, હવે એકને બદલે બે દીકરીના માબાપ થઈ ગયા હતા. ઝરૂખો ! ફરી એક વાર અર્ચીની ખુશીઓનો સાક્ષી બની રહ્યો.

