પ્રેમની સાબિતી
પ્રેમની સાબિતી
બારણા પર “ઠક... ઠક...”નો ટકોરા સાંભળી નિરાલીએ “કોણ છે?” એમ પૂછવાની સાથે દરવાજો ખોલ્યો. બહાર આવેલા આગંતુકે પૂછ્યું, “તમે નિરાલીબેન છો?”
નિરાલીએ કહ્યું, “હા”
આગંતુકે પ્રશ્ન કર્યો કે, “નિરાલીબેન, શું તમે પૂર્વેશને ઓળખો છો?”
પૂર્વેશ આ નામ સાંભળતા જ નિરાલીના મસ્તિષ્કમાં ત્રણ વર્ષ જૂની કોલેજની ઘટના તાજી થઇ ગઈ. કોલેજના પરિસરમાં પૂર્વેશની ઝાટકણી કાઢતી વેળાના સંવાદો તેના મસ્તિષ્કમાં ભમી રહ્યા...
(પૂર્વેશ... તારા જેવા રોમિયોને હું સારી પેઠે ઓળખું છું. શ્રીમંતની છોકરી જોડે લગ્ન કરી તેના બાપના પૈસે જલસા કરવાના. આ... મેં પહેરેલા કપડા અને ઘરેણાની કિંમત જાણે છે? એ ખરીદવાની તારી હેસિયત છે? ચાલ તારા પ્રેમને સાબિત કરવા તું મારી એક કસોટી પાસ કરીને બતાવ... વધારે કઈ નહીં બસ તું મને કાનની બુટી ખરીદવા એક લાખ રૂપિયા આપ. આજે નહીં તો પછી આપ.. બોલ તારામાં છે એટલી ત્રેવડ? બોલ તું તારા પ્રેમની સાબિતી આપી પૂર્ણ કરી શકીશ મારી આ કસોટી?”)
ભૂતકાળના વિચારોને ખંખેરતા નિરાલીએ કહ્યું, “હા.. હું પૂર્વેશને ઓળખું છું. કેમ શું થય
ું?”
આગંતુકે નિરાલીના હાથમાં એક કવર મૂકતા કહ્યું, “આ લો... અને અહીં સહી કરો...”
નિરાલીએ કવરને હાથમાં લઇ અચંબાથી પૂછ્યું, “પણ તમે કોણ છો... અને આ કવરમાં શું છે?”
આગંતુકે કહ્યું, “જી, મારું નામ સંતોષ છે. હું એક વીમા એજન્ટ છું. ત્રણ વર્ષ પહેલા પૂર્વેશે મારી પાસેથી જીવનવીમો લીધો હતો. જેમાં નોમીની તરીકે તમારું નામ રાખ્યું હતું. થોડાક દિવસ પહેલાં જ પૂર્વેશનું એક ટ્રકની અડફેટમાં આવી જતા મૃત્યુ થયું હતું. હું તમને પોલીસીની પાકેલી રકમ આપવા આવ્યો છું.”
નિરાલીએ ચોંકીને કહ્યું, “શું પૂર્વેશનું અકસ્માતમાં મૃત્યુ થયું?”
સંતોષે કહ્યું, “છોડોને મેડમ... વીમા કંપનીને શંકા હતી કે પૂર્વેશે ચાલતી ટ્રક સામે આવી આત્મહત્યા કરી હતી. આ તો પૂર્વેશ મારો ખાસ મિત્ર હતો એટલે મેં આખો મામલો દબાઈ દીધો. નહીંતર તમને આ પોલીસીની રકમ મળી જ ન હોત.”
નિરાલીએ કવર ખોલતા જ તેને આઘાતનો ઝાટકો લાગ્યો... કવરમાં પુરા એક લાખ રૂપિયાનો ચેક હતો! પૂર્વેશે પોતાના જીવનું બલીદાન આપીને તેની કસોટી પાસ કરી હતી એ જોઈ નિરાલીના અશ્રુથી ભીંજાઈ ગઈ તેના હાથમાંની એ પ્રેમની સાબિતી !