પ્રેમની પરાકાષ્ઠા
પ્રેમની પરાકાષ્ઠા
[અગાઉના પ્રમાણમાં આપણે જોયું કે સ્વરા અને દર્શનની મુલાકાતથી સ્વરાને પોતાનું ખોવાયેલું અસ્તિત્વ પાછું મળે છે. એની અંદર આવેલા બદલાવથી ઘરમાં ખુશીનો માહોલ છવાઇ જાય છે. દર્શન ટી.વી.ની ગાયન સ્પર્ધામાં ભાગ લે છે.અને વિજેતા બને છે.]
વિજેતા બનેલા દર્શનને એવોર્ડ આપવા માટે સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે. અને દર્શનને બે શબ્દો બોલવાનું પણ કહેવામાં આવે છે.દર્શન માઈક હાથમાં લઈને કહે છે, "થેંક્યુ ઓલ...થેન્ક્યુ ઓલ.. માય રિલેટિવીઝ.. ફ્રેન્ડ્સ.. અને આપ સૌ દર્શકો જેણે મને માત્ર સાંભળ્યો જ નહિ..અને ખુબ ખુબ મને ચાહ્યો છે. આપ સૌની લાગણીથી અને પ્રેમથી જ હું વિજેતા બન્યો છું. પણ.. પણ મને ગાવાની પ્રેરણા આપનાર અને જેના લખાયેલા સુંદર ગીતો ગાઈને હું આજે અહીં પહોંચ્યો છું. એવી મારી પ્રેરણા કહો કે મારી બેસ્ટ ફ્રેન્ડ સ્વરા....હું મારી બેસ્ટ ફ્રેન્ડ સ્વરાને મારી જીતનો શ્રેય આપું છું. મારા એવોર્ડમાં ભાગીદાર મારી સ્વરાને સ્ટેજ પર બોલાવવા માંગુ છું..."
"કમ ઓન સ્વરા.. કમ ઓન ધ સ્ટેજ.."
સ્વરા બોલી નથી શકતી છતાં તેના લખેલા ગીતો ગાઈને દર્શન પ્રસિદ્ધ બન્યો. દર્શનની ખુશી એ જ સ્વરા માટે ખુબ મહત્વનું. આજે ટી.વી. પર લાઇવ પ્રોગ્રામમાં હજારોની મેદની વચ્ચે સ્ટેજ ઉપર આવવાની જે ખુશી થઈ છે.. જે અનેરો અહેસાસ થયો, તે સ્વરા વર્ણવી નથી શકતી.
દર્શનની સાથે સાથે સ્વરા પણ ખૂબ પ્રસિદ્ધ થઈ જાય છે. અને આવનારી અનેક ફિલ્મોમાં સ્વરાને ગીત લખવા માટે અને દર્શનને ગીત ગાવા માટે ઘણી બધી ઓફરો આવવા માંડે છે. દર્શન હવે હંમેશા ચાહકોના ટોળા વચ્ચે ઘેરાયેલો જ હોય છે. સ્વરાના ચાહકો આવે અને ઓટોગ્રાફ લઈને જતા રહે. કારણ કે સ્વરા તો મૌન હોય છે. એની સાથે વાતો કોણ કરે ? દર્શન હવે સ્વરાને ખુબ ઓછો સમય આપી શકે છે. તે વધારે ને વધારે પ્રખ્યાત થવા લાગ્યો હોય છે. અને ચાહકોની ભીડ વચ્ચે જ હંમેશા ઘેરાયેલો રહેતો હોય છે. સ્વરા પુસ્તક વાંચવામાં વ્યસ્ત થઈ જાય છે.
એક દિવસ સ્વરા દર્શનને ઘરે જાય છે. પુસ્તક પરત આપીને બીજું પુસ્તક વાંચવા માટે લેવા. દર્શનની મમ્મી ઘરે એકલા હોય છે. દર્શનની મમ્મી સ્વરાને થોડીવાર બેસવા ક્હે છે. સ્વરા થોડીવાર ઘરનું ધ્યાન રાખે, ત્યાં પોતે શાક અને બીજી વસ્તુઓ લઈ આવે. એમ કહીને બહાર જતા રહે છે.
સ્વરા ઘરની અંદર જ બનાવેલા પુસ્તકાલયમાં પુસ્તક શોધતી હોય છે. ત્યાં પાછળથી દર્શન આવીને સ્વરાને પકડી લે છે.
"સ્વરા... સ્વરા... આજે મારે તારી સમક્ષ મારા પ્રેમનો એકરાર કરવો છે."
સ્વરા તો દર્શનને ખુબ જ ચાહતી હોય છે. પણ પોતે મૂંગી હોવાથી દિલની વાતો દિલમાં જ રાખેલ. સ્વરાનેય આમ દર્શનની નજીક રહેવું ગમે છે. પોતાની કમરે વીંટળાયેલા દર્શનના બંને હાથને પકડીને હળવેકથી દબાવે છે. સ્વરા આંખો બંધ કરીને દર્શનની લાગણીઓને અનુભવે છે. બંનેના ગાલ એકબીજાને હળવેકથી સ્પર્શતા હોય છે.
ઘણીવાર પ્રેમના અહેસાસની આ એક ક્ષણમાં જ આપણે આખી જીંદગી જીવી લઈએ છીએ. એક આત્મીય અહેસાસ સાથે સ્વરા દર્શનને સાંભળી રહી.
"મને આંધળાને કોણ પ્રેમ ક રે? અને એ પણ એક સુંદર યુવતી... પ્રેમ માણસને અંદરથી હચમચાવી નાખે છે. અને પ્રેમમાં એ ચમત્કાર છે કે માણસના જીવનને દિવ્ય બનાવે. પ્રેમને કારણે હું મને ખુદને ઓળખતો થયો. હું ખુદને ચાહતો થયો. મારી અંદરની શક્તિઓનો મને પરિચય થયો. આ પ્રેમ જ છે કે જેણે મારા સૂના જીવનને ગુલાબી ગુલાબી બનાવી દીધું. "
હળવેકથી સ્વરાની કમરેથી હાથ છોડીને દર્શન થોડાક ડગલાં દૂર જાય છે. જરાક વાર માટે અટકે છે.
"સ્વરા.. સ્વરા..મારે તને કેમ સમજાવવું કે આખો દિવસ બોલ્યા કરતી મારી જીભ માત્ર ત્રણ શબ્દો નથી કહી શકતી. આપણે પ્રેમ કરતા હોઈએ તે વ્યક્તિ સમક્ષ આપણા પ્રેમનો એકરાર કરવો ખૂબ જ અઘરું છે. પણ આજે તો મારે હિંમત કરીને..આજે મારે કહી જ દેવું છે... "
દર્શન પાછો ફરીને જોરથી સ્વરાને આલિંગન આપતા આપતા કહે છે,
આઈ લવ યુ.... આઈ લવ યુ.... આઈ લવ યુ.. કાવ્યા... સ્વરા તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મારી લાગણીઓને તારી સમક્ષ સહજતાથી કહી દઉં છું. પણ... પણ હું કાવ્યાને નથી કહી શકતો. હું કાવ્યાને અનહદ ચાહું છું. કાવ્યા પણ મને ખુબ પ્રેમ કરે છે. પણ હું કાવ્યાને નથી કહી શકતો કે... આઈ લવ યુ.. કાવ્યા. "
(વધુ આવતા અંકે)

