પ્રેમના સંભારણા
પ્રેમના સંભારણા
એક સાંજે અમે બધા ગઢના કિલ્લાની રમત રમતા હતા. અમે છોકરા છોકરી ભેગા થઈ સાંકળ રચી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેનો અને હેતનો હાથ એકબીજાને પકડીને સાંકળની કડી બની ગયો. હેત તેની આ લાગણીના ભાવને હજુ સમજી શકે તેમ નહોતો કે શું?! ખબર નહિ. પણ ઢળેલી સાંજ ઉપર પથરાયેલા દૂધિયા ચાંદની પ્રકાશમાં હેતની નાનકડી આંગળીઓનો એ સ્પર્શ આજે પણ તેની આંગળીના ટેરવે સળવળી રહ્યો છે!
આ ગામમાં હવે તેને નવું લાગતું નહોતું. હેત અને તેના ઘર વચ્ચે પણ એક ઘરોબો બંધાઈ ગયો હતો. તે હેતના પ્રેમમાં પડી ગઈ હતી કે શું?! કોણ જાણે કેમ પણ હેત તેના આવા વર્તનથી જાણે સાવ અજાણ હતો. એવું તેને લાગતું અને એટલે જ તે ઘણીવાર તેની જાત પર એકલી એકલી હસી પડતી!
પરણીને સાસરે ચાલી ગઈ. શરૂઆતના દિવસો બંને માટે વસમાં થઈ પડ્યા. એક એક પળ જાણે વર્ષો જેવી લાગતી. તેનો પતિ વિહાર સરસ માણસ હતો. એક મોટી કંપનીમાં એન્જીનીયર હતો. સ્વભાવે ખૂબ માયાળુ અને ઠરેલ પણ એટલો જ. તે વિહારની પત્ની બની પણ તેને હેત યાદ આવી જતો. હેત સાથેના સંસ્મરણો તેનો કેડો મુકતા નહોતા. તે હેતને ભુલવા મથતી પણ ભૂલી શક્તી નહોતી. એકલી પડતી અને રડી પડતી. ભીતરમાં કશુક ખૂટતા વેદના થઈ આવતી અને ઉદાસ બની જતી. આમ જુઓ તો સાસરે કોઈ વાતે દુઃખ નહોતું. સુખ-સુવિધાઓ હતી તેમ છતાં તેને હેત ની યાદ સતાવ્યા કરતી. એટલે તેનું મન જાણે તેને ડંખી રહ્યું હતું તે વિહારને છેતરી રહી હતી તેવો મનોમન અપરાધભાવ અનુભવ્યા કરતી. અને એકાંતમાં છૂપાછૂપા રડીને ભાર હળવો કરવા મથતી!
સમય સાથે ચાલતા તે વિહારના બે સંતાનોની માતા બની ગઈ. હેત તેમના આ સંબંધોને પાછળ મૂકી દૂર નીકળી ગયો હતો. તેના લગ્ન પછી તો તે બંને ક્યારે મળી શક્યા નહોતા.
તે હવે તેના નાના એવા પરિવારમાં પરોવાઈ ગઈ હતી એટલે હેતને તેણે તેના હૃદયમાં એક ખૂણે અકબંધ જાળવી રાખ્યો હતો. અને આમ તે જીવી રહી હતી...
પણ…!
સંજોગે તેને કારમો ઘા દીધો. હજુ તે તેના મનની વાત વિહાર ને કહી શકી નહોતી. તે તેના મનની વાત વિહારને જણાવશે તેમ વિચારી રહી હતી પણ શરૂઆત કેવી રીતે કરશે અને હવે આટલા વર્ષે વિહાર તેના વિશે શુ વિચારે એવું વિચારમાંને વિચારમાં સમય સરકતો રહ્યો એની બંને દીકરીઓ સાપના ભારા ની જેમ ઊછરી રહી હતી.
ત્યાં એક દિવસે વિહારને કંપનીના કામે બેંગ્લોર જવાનું બન્યું વિહાર બેંગ્લોર ગયો. અઠવાડિયાનો પ્રવાસ પ
ૂરો કરી પાછો ફર્યો ત્યાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા! આ અણધાર્યા આઘાતથી તે સાવ ભાંગી પડી. વિહાર તેની જિંદગીથી દૂર ચાલ્યો ગયો… મમ્મી-પપ્પા આશ્વાસન આપી ગયા.
હવે તેને વિહાર વિના બે દીકરીઓ સાથે જીવન પસાર કરવાનું હતું. વિહારના અવસાન સમયે મોટી મિતાલીએ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો. નાની હાયર સેકન્ડરી માં હતી. વિહારના અવસાન બાદ શોકમય દિવસો પસાર થઈ રહ્યા હતા. તેને બંને દિકરીની જવાબદારી હવે એકલા હાથે અદા કરવાની હતી. બે જુવાન દીકરીને જોઈ ઘણીવાર તેનું હૃદય કંપી ઊઠતું.
હેત અને વિહાર બંને પુરુષો માટે તેને માન હતું. આદર હતો. હેતનો પ્રેમ અને વિહાર સાથે ગાળેલા દિવસો તેની બાકી જિંદગીનું ભાથુ બની ગયું હતું. તેના મનની વાત તે વિહાર ને કહી શકી નહોતી તેનો વસવસો તેને કાયમ માટે રહી ગયો હતો.
મિતાલી અને નાની પૂર્વી બહાર ગઈ હતી. તે દિવસે તે ઘરમાં એકલી હતી ત્યાં બારણે ટકોરા પડી. બારણા વચ્ચે ટપાલ પડી હતી. કવર ખોલતા મિતાલીનો ઇન્ટરવ્યૂ કોલ હતો. સાંજે મિતાલી એ માંડીને વાત કરી અને ઉમેર્યું મમ્મી ઘેર બેઠા રહું તે કરતા જોઈએ નસીબમાં હશે તો…?!
મિતાલીને જે યોગ્ય લાગે તે ખરું તેણે સંમતિ આપી. નિયત તારીખે મિતાલી ઇન્ટરવ્યૂ આપવા નીકળી તેણે તેને સાવચેત કરી. ઇન્ટરવ્યૂ આપી મિતાલીએ રાત્રે ઘેર આવી કહ્યું; 'મમ્મી ઇન્ટરવ્યૂ ખુબ જ સરસ રહ્યું.' મિતાલીના ચહેરા ઉપર આનંદની લહેર દોડી રહી હતી.
'એમ શું પૂછ્યું?!'
'મમ્મી, પહેલા તો બધા ઔપચારિક પ્રશ્નો પૂછ્યા. પેનલમાં બેઠા હતા તે બધા સાહેબો એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા પણ આ પેનલમાં એક સાહેબ મૌન બની કેટલાય સમયથી મારી સામે તાકી રહ્યા હતા! મારા જવાબ આપવાની સ્ટાઈલ તેમજ મારા ચહેરાને જાણે ઓળખવા મથી રહ્યા હોય તેમ જોઈ રહ્યા હતા. પેનલમાં પળવાર માટે શાંતિ બનતા પેલા સાહેબે પ્રશ્ન કર્યો; 'તમને કયું ફૂલ સૌથી વધારે ગમે?!'
મેં કહ્યું; 'કેસુડાનું ફુલ'
મારો ઉત્તર સાંભળતા એ આશ્ચર્યથી મારી સામે જોઈ જ રહ્યા.
મિતાલી મૌન બની.
ત્યાં તેણે આતુરતા બતાવી; 'પછી..? પછી શું થયું?!'