BINAL PATEL

Romance

3  

BINAL PATEL

Romance

"પ્રેમાલાપ_૧"

"પ્રેમાલાપ_૧"

7 mins
1.1K


“પ્રેમની વાતો કરવી કોને ના ગમે સાહેબ?? પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, કરુણા, લાગણી બધાને સાથે એક તાંતણે વણી લેવાનો એક નાનો પ્રયાસ કરી "પ્રેમાલાપ"- સ્નેહની વાતો લઈને આપણી સમક્ષ રજુ થઇ છું. વિષય લાગણીઓનો જ છે, વાત પ્રેમની જ છે બસ લાગણીઓ સાથે શબ્દોને થોડા વધારે વણી લીધા છે તો ચાલો "સફર મારો સાથ તમારો" ની એક નવી સફરમાં જે "પ્રેમ"ની દુનિયામાં તમને પલાળી દેશે.

પ્રેમનો અનુભવ એ એવો અનુભવ છે જેને શબ્દોમાં વ્યક્ત કરવો બસ એક નાની અમથી કોશિશ કહી શકાય પરંતુ એ જ પ્રેમ જયારે અંતરમનથી કોઈ આપણા પર ઉતારે અથવા આપણે કોઈને એ જ લાગણીની અનુભૂતિ કરાવીએ ને ત્યારે જ આ "પ્રેમ" શબ્દનો સાચો મતલબ સમજાય. પ્રેમની વાત કરતા શબ્દ ના ખૂટે એવા પ્રેમ શબ્દને કેટલાય ઉપનામ આપવામાં આવ્યા છે. જીવતું જાગતું પ્રાણી, પક્ષી કે કોઈ પણ માનવી કે વનસ્પતિ જે સજીવ કહી શકાય એ બધા જ તત્વોને જરૂર હોય તો એ છે "પ્રેમ"ની, લાગણીની, સ્નેહની...

પ્રેમ એટલે સ્નેહ, અનુભવ, લાગણી, મન-સમ્માન અને એક મજબૂત ડોર જે અદ્રશ્ય રહીને પણ મજબૂત એવા સંબંધોનું સિંચન કરે. પ્રેમ એટલે નિઃસ્વાર્થ મનથી કરવામાં આવતું વ્હાલ. પ્રેમ એટલે ખાલી પતિ-પત્ની કે જીએફ -બીએફ નો જ પ્રેમ નહિ, આપણે ખાલી એમના જ પ્રેમની વાત નથી કરતા. પ્રેમની વાત એટલે દરેક સંબંધ જોડે જોડાયેલા સ્નેહની વાત. "પ્રેમાલાપ" કરવા જ બેઠા છે તો આજે પ્રેમ,સ્નેહની શરૂઆત કાંઈક નવી જ રીતે કરીએ ને!

પ્રેમની પરિભાષાને વર્ણવવી હોય તો એક કવિઓની ભાષામાં આ રીતે કહી શકાય જે ખરેખર "પ્રેમ" શું છે એ સમજવી જાય છે, પ્રેમની અનુભૂતિ કરવા માટે આ શબ્દો જ કાફી થઇ રહે છે. કવિ કહે છે કે,

"ઉગતા સુરજ સાથે યાદની સવાર હોય,

સમી સાંજ સાથે મિલનની રાહ હોય,

શિયાળે ગરમ ચાહ હોય ને હાથોમાં હાથ હોય,

ઉનાળે લીમડાની છાંવ હોય ને સાથે થોડી વાત હોય,

ચોમાસે ઝીણો વરસાદ હોય ને પ્રેમની શરૂઆત હોય,

આંખોથી વાત હોય ને વણબોલ્યો વ્યવહાર હોય,

નદી કિનારે રાત હોય ને તારલાઓનો સાથ હોય,

શાંત ઝરણું ને શાંતિ અપાર હોય,

ઉછાળા મારતો સાગર ને મનમાં ઊર્મિઓ અપાર હોય,

નિઃસ્વાર્થ સ્નેહ હોય ને માન-સમ્માન અપાર હોય,

મીઠી મધુર લાગે એ દરેક પળ જ્યાં પ્રીતમનો પ્યાર હોય,

ફૂલ બની મહેકે જિંદગી જો મનગમતો સાથ હોય."

હવે આ તો પ્રેમની ખાલી ઝલક થઇ સાહેબ, કવિઓએ પ્રેમની ચરમસીમાએ જઈને એટલી જ ખૂબીથી પ્રેમની વાતને કુદરત સાથે વણીને "પ્રેમ" શબ્દને ઊંચા જ સિંહાસન પર બિછાવ્યું છે. પ્રેમ શબ્દનું ઉચ્ચારણ કરતા જે અનુભવ થાય છે એ "કવિઓ" ની દ્રષ્ટિએ કોઈ પૂજાથી ઓછું નથી. પ્રેમ એક કુદરતી રીતે મનમાં ઉઠતા ઉમળકા છે જેની અનુભૂતિ માત્ર જ જીવનમાં આનંદ ભરી દે છે. સાહેબ આ કવિની કલ્પના જેમાં પ્રેમનું અદભુત વર્ણન કર્યું છે એ શબ્દો જ રોમાંચિત કરી દે છે તો એની અનુભૂતિની તો શું વાત જ કરીએ!

"પ્રેમ"માં પ્રેમને પામવાની લાલસા કરતા એને જીવનભર નિભાવવાની નાજુકતા હોય તો એ પ્રેમ સાર્થક છે ભલે એ ૨૧મી સદીનો પ્રેમ હોય છતાં એમાં રાધા-ક્રિષ્નની છબી તરી આવે છે."

પ્રેમને આપણે આજના જમાનામાં બદલાતો જોયો છે સાહેબ. બધાને ખબર છે કે ૨૧મી સદી છે સાથે કળિયુગનું કામણ છે એટલે પ્રેમની પરિભાષા કેટલી હદે બદલાઈ ગઈ છે આપણે નજર કરીએ તો આજના કવિની ભાષામાં આ રીતે વર્ણવી શકાય. કવિ કહે છે કે,

"પ્રેમ પહેલી નજરનો હોય, એક નહિ અનેક સાથે હોય,

પહેલી ગિફ્ટમાં આઈ ફોન હોય ને સાથે "કેન્ડલ લાઈટ ડિનર " હોય,

પ્રેમની ગાડી ફૂલ સ્પીડમાં હોય ને વિધાઉટ ગિયર હોય,

પહેલી નજરમાં પ્રેમ ને વીસ દિવસમાં વહેમ હોય,

સોશ્યિલ મીડિયા પર પ્રેમ અપાર ને અંદરખાને વહેમ અપાર,

બકા-બકીમા રમવાનું હોય ને સાથે રોજ ઝગડવાનું હોય,

શરૂમાં તો દુનિયા જાણે જન્નત હોય પછી છુટા થવાની મન્નત હોય,

"તારા માટે આમ ને તારા માટે તેમ.." કહેવા પૂરતું જ રહે,

તું-તારી પર આવે ત્યારે કોઈની ના રાખે શેહ,

સમય આવે બદલાઈ જાય ને શોખ સાથે ચિતરાઈ જાય,

પ્રેમ એવો થઇ ગયો જે ગમે ત્યાં બિખરાઇ જાય."

સમય બદલાયો છે, જમાનો મોર્ડન થયો છે સાથે-સાથે આપણી લાગણીઓને પણ લેતો ગયો છે. પ્રેમમાં પડવું પછી ડેમમાં પડવું એને પ્રેમ ના કહેવાય સાહેબ. પ્રેમની પરિભાષા બધા માટે અલગ હોય એ વાતને કોઈ શંકાને સ્થાન નથી. દુનિયામાં કોઈ પણ માણસને એવું પૂછવામાં આવે કે,

"તમારા મતે પ્રેમ શું છે???" એટલે બધાના અલગ-અલગ મંતવ્ય જાણવા મળશે એ વાત ચોક્કસપણે કહી શકાય. આપણે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. બધાના પોતાના મંતવ્ય હોય છે અને આપણે એ મંત્વને માન આપીએ છે. દરેકની વિચારસરણી અને વસ્તુને જોવાનો નઝરીયો અલગ જ હોય અને એમાં આપણે સહમત છીએ.

"પ્રેમ બદલાય ખરો???" પહેલા આપણે પ્રશ્ન સમજીયે. મનમાં એક સવાલ ઉઠે છે કે પ્રેમ તો એક અંતરમનની લાગણી છે, એક સ્નેહ છે, એક કુદરતી ઉર્જા છે એક પ્રકારનો લાગણી વાળો મીઠો સંબંધ છે તો પછી એ સ્નેહ,પ્રેમ,ઉર્જા,લાગણી બદલાય કેવી રીતે? રાધા-કૃષ્ણના પ્રેમની લીલા કોને નથી ખબર! પેલું હિન્દીમાં કહેવાય ને કે, "શિદ્દત વાલા પ્યાર.". ક્ષિતિજ સુધીનો અનંત પ્રેમ. એ પ્રેમ બદલાઈ જાય ખરો? એટલે સમય સાથે એ બદલાય? સવાલ સમજજો બરાબર....(બધા પ્રેમીઓની વાત નથી, જે કેસમાં થાય છે એને લઈને આપણે વાત કરી રહ્યા છીએ)

ઉ.ત. પ્રેમમાં બંધાયેલા જોડા વચ્ચેનો પ્રેમ શરુ થાય ત્યારે અને જીવનના થોડા વર્ષો સાથે વિતાવ્યા પછી એ બદલાઈ જાય ખરો? એમાં ફેરફાર આવે? પ્રેમ વધે એમાં વાંધો નથી પરંતુ ઘટે ત્યારે તકલીફ તો થાય જ ને? કેમ ઘટી જાય?? કેમ બદલાઈ જાય?? કેમ બધા જ કસમો,વાદાઓ બધું વિસરાઈ જાય? જન્મ-જન્મનો સાથ "ડિવોર્સ"માં પલટાઈ જાય?? કેમ? કેમ? કેમ??

સવાલ ઘણો જ સીધો અને સરળ લાગે છે સાહેબ! પરંતુ જયારે જવાબ તમે લખશોને કાગળ પર અથવા કોઈ તમને પૂછે ત્યારે એની સામે જવાબ આપતા ૧૦૦૦ વિચાર આવે એ સ્વાભાવિક છે. આજના ટેકનોલોજીના મોર્ડન યુગમાં આ પ્રશ્ન ગાઢ બનતો જાય છે અને એ જ પ્રશ્નના જવાબ ના મળી શકવાથી બીજા ૧૦૦૦ પ્રશ્નો ઉદભવે છે..

જવાબમાં મારા મંતવ્ય આપની સમક્ષ રજુ કરું છું. શરૂમાં મહત્વની વાત કે,

"પ્રેમમાં બદલાવ આવતો નથી.. પ્રેમની સાથે જોડાયેલા પરિબળોમાં બદલાવ આવે છે અને એ પરિબળોમાં બદલાવ એ પ્રેમના બદલાવનું મૂળભૂત કારણ બને છે."

હવે આ જ વાક્યને ઊંડાણથી સમજીએ તો મઝા આવશે એ પહેલા થોડા સવાલોના જવાબ લઇ લઈએ.

૧) પ્રેમ કયારે થાય?

* વ્યક્તિ ગમે, એનું વર્તન ગમે, સ્વાભવ અનુકૂળ આવે, રંગ-રૂપ ગમે, આપની અંદરની લાગણીઓ સમજે ત્યારે પ્રેમ થાય. બરાબર ને?

૨) પ્રેમમાં શું હોવું જોઈએ?

* પ્રેમમાં વિશ્વાસ, એકબીજા પ્રત્યેનું માન-સમ્માન, પારદર્શિતા, સાચી સમજણ અને સ્વીકૃતિ અને એકબીજાને અનંત સુધી ચાહવાની

ઈચ્છા (મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ).. બસ પછી પ્રેમ ૭ જન્મ સુધી પણ નહિ બદલાય એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

૩) પ્રેમમાં આવતી તકલીફ કઈ?

* ગુસ્સો, એકબીજાની ના ગમતી વાતો, હરકતો, જુઠ્ઠાપણું, છેતરપિંડી, પારદર્શિતાનો અભાવ, શક, નાસમજ, વધારે પડતી આશાઓ, બીજા લોકો કે કપલ સાથેની સરખામણી, સમયની માયાજાળ, સાચો નિર્ણય સાચા સમયે નિર્ણય લેવાનો અભાવ અને બીજું ઘણું બધું..

૪) પ્રેમને કર્યા પછી અંત સુધી ગમે તે પરિસ્થિથીમાં નિભાવવાની તાકાત બધા પાસે હોય છે??(આ વાક્યમાં જ બધા જ સવાલના જવાબ છે દોસ્ત..)આ વાક્યને સાર્થક કરી લઈએ તો પ્રેમ અને પ્રેમમાં બંધાયેલા એ દરેક સંબંધ ક્ષિતિજ સુધી પ્રેમભર્યા જ રહશે..

હવે આપણે જવાબ તરફ જઈએ. પ્રેમ કયારેય બદલાતો નથી. પ્રેમ સાથે રહેલા આ બધા પરિબળોનું કામણ ચાલે છે અને એ જ કામણની માયામાં લપેટાઈને પ્રેમની પરિભાષા બદલાઈ જાય છે. પહેલા ના જમાનામાં થતા પ્રેમમાં સ્નેહ, અનુભવ, લાગણી, મન-સમ્માન હતા જેથી એક મલાજો રહેતો સંબંધમાં જયારે અત્યારે રૂપ, પૈસો, સ્ટેટ્સ જોવાય છે. પ્રેમ કરતા પહેલા આ બધા જ પાસાં જોવામાં આવે અને જો એ પાસાં સાર્થક ગણાય તો જ આગળ વધવામાં આવે.

હવે બોલો, પ્રેમ રૂપ, પૈસો, સ્ટેટ્સ પર કયારેય ટકે ખરો??? આ બધી વસ્તુઓ સમય સાથે બદલાવવાની જ છે અને નાશવંત છે. હવે આવી વસ્તુઓને ધ્યાનમાં લઈને દુનિયા વ્યક્તિ સાથે પ્રેમ કરે છે અને પછી આપણે કહીએ કે પ્રેમ બદલાઈ ગયો!

અરે ભાયા! પ્રેમ નથી બદલાયો, તારો સ્વભાવ બદલાયો છે, વિચારસરણી બદલાઈ છે, નઝરીયો બદલાયો છે. પ્રેમ કયારેય બદલાતો નથી આ બહુ સનાતન સત્ય છે. પ્રેમ કરતા પહેલા આપણે એ પ્રેમ શું જોઈને કર્યો, એ મહત્વનું છે. પ્રેમમાં રૂપ, પૈસો, સ્ટેટ્સ જોયા છે કે પછી સ્વચ્છ મન, માણસનો સ્વભાવ ને માણસાઈ, એના સિદ્ધાંતો જોયા છે એ ખુબ મહત્વનું છે અને પ્રેમ રૂપ, પૈસો, સ્ટેટ્સ જોઈને થાય છે પછી સમય સાથે આ બધું બદલાય એટલે આપણે કહીએ કે,

" આપણા વચ્ચે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો, પ્રેમ બદલાઈ ગયો છે."

દોસ્ત પ્રેમ નથી બદલાયો એ વાત તો ચોક્કસ છે બસ આપણી પ્રેમને સમજવાની, પામવાની અને નિભાવવાની પરિભાષા બદલાઈ છે.

રાધા-કૃષ્ણના પ્રેમની લીલા બધા જ જાણે છે. પ્રેમમાં સમર્પણની ભાવના હોય ને તો પ્રેમ ચરમસીમાએ પહોંચે. ૨૧મી સદી એટલે "સમર્પણ" શબ્દ જ નાબૂદ થઇ ગયો લાગે છે. બધાને બધું પામી જ લેવું છે, સમર્પણ નથી કરવી પોતાની જાતને.. જીવનમાં પ્રેમને પામવા માટે જેટલા તલપાપડ હોઈએ છે આપણે સહુ. એટલા પ્રેમમાં સમર્પણ કરવા માટે તૈયાર નથી હોતા અને એ જ કારણ છે પ્રેમ પહેલા મધ જેવો મીઠો લાગે છે અને પછી કરેલા જેવો કડવો.

પ્રેમની વાત તો એવી છે કે સાહેબ શ્યાહી અને કાગળ ખૂટી જાય પરંતુ આ વિષય પરની ચર્ચા ના ખૂટે છતાં આ વિષયને અલ્પવિરામ આપું છું. હવે આપણે ભેગા થઈને આ વિષયની ચર્ચા કરીએ તો મઝા રહેશે. તમે પ્રેમને કઈ દ્રષ્ટિએ જોવો છો?તમારા વિચારો શું કહે છે? તમને પણ એવું લાગે છે કે પ્રેમ સમય સાથે બદલાય જાય? તમે પ્રેમ કરતા પહેલા વિચારો છો કે પછી પહેલી નજરનો પ્રેમ? અરે! આમ તો પ્રેમ કરવાનો ક્યાં હોય છે?? એ તો બસ થઇ જાય છે. હે ને? શું કહેશો?? ચાલો ત્યારે થોડી ગોષ્ઠિ કરી લઈએ આ વિષય પર. મોજ રહેશે. પ્રેમ વિશેની વધારે સારી વાતો લઈને બીજા ભાગમાં આવીશું ત્યાં સુધી તમારા અભિપ્રાયની રાહમાં.”


Rate this content
Log in

Similar gujarati story from Romance