Mittal Purohit

Romance

3.9  

Mittal Purohit

Romance

પ્રેમ

પ્રેમ

4 mins
525


 પ્રેમ આ શબ્દ આમ તો સાવ નાનો છે પણ કેટલું ઊંડાણ ધરાવે છે નહીં ? એને જો સમજો તો આ અઢી અક્ષરમાં એ સમાય અને ના સમજો તો આખાને આખા ગ્રંથો પણ ઓછા પડે..

    તો ચલો આ પ્રેમની મોસમમાં એટલે કે પ્રેમના મહિનામાં આ લાગણીને સમજવાની કોશિશ કરીએ. આ લાગણીનો અનુભવ લગભગ દરેક વ્યક્તિ એ કર્યો હશે. પણ એ લાગણીને સમજ્યા કેટલા ?

   તો આ પ્રેમ એટલે શું ?

  શિયાળાની કડકડતી ઠંડીમાં થીજી ગયેલી એવી -લાગણી જે કોઈની યાદ માત્રથી હૃદયમાં સળવળાટ કરીને રોમાંચિત કરી દે, અને એ જ લાગણી ઉનાળાની ધોમધખતી ગરમીમાં અકળાયેલી જિંદગી ને મીઠી યાદની ક્ષણ માત્રથી ઠંડક આપે. તો વળી, ચોમાસામાં મનના મોરલા ને ટહુકો કરવા મજબૂર કરી દે એવી લાગણી.

    પણ, વાસ્તવ માં ૧૦૦ માંથી ૧૦ ને જ આ સાચી લાગણીઓ મળે છે. બાકી મોટાભાગના લોકો આકર્ષણ ને પ્રેમ અને લાગણીઓને નામે માંગણીઓથી જ સંબંધ ચલાવે છે.. પ્રેમ અને આકર્ષણ માં બહુ જ સૂક્ષ્મ ભેદ છે અને એ સૂક્ષ્મ હોવાથી લોકો એને સમજી ન શકવાથી આકર્ષણ ને પ્રેમ માની લે છે પરિણામે આ આકર્ષણ નષ્ટ થતાં જ સંબંધ પણ નષ્ટ પામે છે.. કેમ કે આકર્ષણ એટલે જ્યાં સુધી એનાથી સારું કોઈ ન મળે ત્યાં સુધી ની એની જરૂર. જેવું તમને એ વ્યક્તિથી સારું, તમારી અનુકૂળતા મુજબનું બીજું પાત્ર મળે એટલે પેલી વ્યક્તિ સાથેનાં પ્રેમ, આકર્ષણ કે સંબંધનો અંત આવી જાય અને લોકો એને બેવફાઈનું નામ આપી દે.

   હું તો કહું છું કે, પ્રેમમાં આ "બેવફાઈ" જેવો કોઈ શબ્દ હોતો જ નથી.. પ્રેમ એ તો એવી પવિત્ર લાગણી કે તત્વ છે જે મનુષ્ય જ નહીં પશુ-પક્ષીઓ માટે પણ આશીર્વાદ છે.. કેમ કે પ્રેમમાં તો હોય છે સમજણ, સમર્પણ અને અનંત સુધી એકબીજાને ચાહવાની (પહેલાં દિવસથી લઈને અંત સુધીની એકસરખી) પિપાસા..તરસ.

    જે એકબીજા ને મેળવવા કરતાં એકબીજા ને ખુશ જોવાથી પૂરી થાય..જે એકબીજાથી દૂર રહેવા છતાં એકબીજાની ક્ષણોમાં ધબકાય. જે એકબીજા ને સ્પર્શ્યા વિના પણ ફક્ત એકબીજા ના બને..જે એકબીજા ની દરેક લાગણીઓ ને માન આપે.જે એકબીજાની કહ્યા વિનાની વાતો પણ સમજે..અને સૌથી મહત્વની વાત કે આ તરસ યુવાની પુરતી નથી હોતી. જે પાત્રને ચાહ્યું એ ભલે ગમે તેવી પરિસ્થિતિમાં હોય એનો સાથ હ્દય થી તો હંમેશા આપવાનો. તમને થશે જ કે જો ચાહત હોય તો એકબીજાને પામી જ લેવાં. શા માટે એની જુદાઈ કરવી ?..પણ હું કહું છું કે, જો પ્રેમ સાચો હોય તો એને પામો કે ન પામો કોઈ જ ફેર પડતો નથી..એ પાસે હોય કે ન હોય એના પ્રત્યે ના પ્રેમ માં કોઈ ઓછપ આવતી જ નથી..અને આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ " રાધે-શયામ".. આપણા ગ્રંથ પણ આ વાતનો ખુલાસો કરે જ છે..

  મને "રાધાકૃષ્ણ લીલા"ની એક બહુ જ સુંદર વાત યાદ આવી ગઈ જ્યારે રાધાને છોડીને કૃષ્ણ હંમેશા માટે દૂર થાય છે અને બંનેની આંખોમાં આંસુ આવી જાય છે ત્યારે આ જોઈ બલરામે કૃષ્ણ ને કહ્યું કે, "કાન્હા, તમારા બંને વચ્ચે એકબીજા માટે આટલો બધો સ્નેહ છે અને નિયતિ પણ તેં જ લખી છે તો કેમ આ વિયોગ ? તારી નિયતી તું બદલી શકે છે"

    ત્યારે કૃષ્ણ એ હસી ને જવાબ આપ્યો કે "દાઉ, અમારી વચ્ચે વિયોગ છે જ ક્યાં ? કોઈ પોતાની જાત સાથે વિયોગ કેવી રીતે સાધી શકે ? હું અને રાધા એક જ છે અને એટલે જ અમારે એક થવાની જરૂર નથી. પ્રેમ એ કોઈના શરીરને મેળવવા પુરતો નથી પણ એ તો આ સ્થૂળ દેહ થી મુક્ત અને આત્મા કે મન ની પરમ અનુભૂતિ છે.. હું જ્યાં પણ હોઈશ મારી ખુશી માં પહેલાં રાધા ખુશ થશે અને મારા દુઃખમાં આંસુ પણ પહેલું રાધા નું જ હશે.જો શરીરથી દૂર રહેવા છતાં અમારી વચ્ચે આવો પવિત્ર અને નિર્મળ પ્રેમ હોય તો અમે દૂર ક્યાં છે ? ?"

     અને એટલે એ કૃષ્ણ ને પીડા થાય અને આંસુ રાધા ના નીકળે..રાધા ને તકલીફ થાય તો કૃષ્ણ ની વિહવળતા વધે એ જ તો સાચો પ્રેમ. ક્યાં બન્ને એ એકબીજાને મેળવ્યા હતા ? કે ક્યાં એકબીજા ને બેવફા નું નામ આપ્યું ? અને છતાં આજ યુગો પછી પણ આપણે "રાધે- શ્યામ" કહીએ છીએ.." "રુક્મિણી- શ્યામ" નહીં.

      સાવ સાચું જ ને ? પ્રેમ એ શરીર પુરતો હોય તો એ વાસના કહેવાય અને જો મન - આત્મા પુરતો હોય તો એ પવિત્ર અહેસાસ બની જાય છે. આજના સમયમાં પ્રેમ ની વ્યાખ્યા એટલી બધી બદલાતી રહે છે કે લોકો એનો સાચો મતલબ જ ભૂલી ગયા..આ અહેસાસ એટલો બધો પવિત્ર છે કે એ કરવો નથી પડતો પણ થઈ જાય છે.જો કરવામાં આવે તો તે અહેસાસ નહીં પણ આકર્ષણ જ છે.

    દુનિયા ના ૯૯% લોકો ને પોતાની જાત પ્રત્યે પ્રેમ હોય જ. પોતાની ખામીઓને જાણવા છતાં..અને રોજ-રોજ એ વધતો જ જાય છે. તો બસ પ્રેમ પણ આવો જ છે એ એની સાથે જ થાય જે તમારા જેવું જ વ્યક્તિત્વ ધરાવે. કેમ કે જે આપણા જેવું કે આપણું હોય એને જ આપણે નિઃસ્વાર્થ પ્રેમ કરી શકીએ જે આપણા જેવું નથી એનું ફક્ત આકર્ષણ જ હોય..એટલે જ પ્રેમ માં સામે પાત્ર ની ખામીઓ સહિત એકસરખો જ પ્રેમ થવો જોઈએ..વધે પણ ઘટે નહીં ત્યારે એની પવિત્રતા જળવાય છે.. પ્રેમમાં એકબીજાની આદતો અપનાવાય. એકબીજાની ખામીઓ સ્વીકારાય..અને એકબીજા થી દૂર રહીને પણ એકબીજા ના સુખ ની જ ઈચ્છા કરાય..

   " वो मेरे जेसा है तभी तो मुझे उससे प्यार है,

   वो मुझसे अलग होता तो पसंद केसे आता"

      ‌બસ,સાચા પ્રેમને સમજી લેવાથી જ આ પ્રેમ ની અનંત યાત્રા શરૂ થાય છે..એ અધૂરો રહેતો નથી પણ એને ચાહવાની તરસ પૂરી નથી થતી બસ એટલે જ જીવનમાં એકવાર તો આ સાચી લાગણીઓનો અહેસાસ થવો જ જોઈએ.. સર્વ ને આ વેલેન્ટાઈન પર્વ ની શુભેચ્છાઓ.. તમે તમારા સાચા પ્રેમની શોધ પુરી કરો એવી પ્રાર્થના.


Rate this content
Log in

Similar gujarati story from Romance