STORYMIRROR

KAJAL Shah

Romance

4  

KAJAL Shah

Romance

પ્રેમ

પ્રેમ

5 mins
280

વ્યક્તિ વ્યક્તિએ બદલાતી વ્યાખ્યા પ્રેમની,

સમયે સમયે બદલાતી વ્યાખ્યા પ્રેમની 


દરેક વ્યક્તિ પોતાની આંતરિક જરૂરિયાત પ્રમાણે પ્રેમને મુલવશે.

 કોઈક માટે પ્રેમ જુદાઈ,

 તો કોઈક માટે પ્રેમ મિલન,

 ને કોઈકના માટે દગો,

 તો કોઈકના માટે જીવન !

સાચા પ્રેમની અનુભૂતિ જો કરવી હોય તો આત્મિક પ્રેમ જેની સાથે થાય એજ સાચો પ્રેમાનુભવ. બાકી શારીરિક આકર્ષણ ફક્ત ને ફક્ત ભરતી ને ઓટ જેવા હોય છે..માટે કોઈને સાચો પ્રેમ કરી શકો તો આત્મિક પ્રેમ કરજો.

અને જો એવી વ્યક્તિ ના મળે કે જેની સાથે સાચા દિલથી ના જોડાઈ શકો તો એને પ્રેમનું નામ ના આપી શકાય.

એ ફક્ત શારીરિક જરૂરિયાત કહેવાય,અને શારીરિક જરૂરિયાત તો કોઈ પણ સંતોષી શકે.

એના માટે પ્રેમ અને દોસ્તીની ઓથ હેઠળ કોઈ એવાનો ઉપયોગ ના કરવો જે તમારી સાથે દિલથી જોડાવાં ઈચ્છતાં હોય,નહી કે શરીરથી.

દોસ્તી પણ એક પ્રકારનો પ્રેમ જ તો છે,

કોઈ એવું જેને બધું કહી શકાય,

કોઈ એવું જેની સાથે વાત કરી દિલ ખુશ થઈ જાય, જેના આપણા જીવનમાં હોવા માત્રથી એકલતા દૂર ભાગી જાય,અને એકલા પડીએ તો એની જ યાદ આવી જાય,અને એ વ્યક્તિ પણ આપણાં માટે એ સમયે હાજર પણ થઈ જાય.

એનાથી વધારે માણસને જીવવા શું જોઈએ.

કોઈ આપણાં માટે વિચારે, આપણને સહારો આપે, એના જીવનમાં આપણું આગવું મહત્વ હોય.

મારાં માટે એ જ પ્રેમ છે.

આવો પ્રેમ કોઈની સાથે પણ થાય.

જેમકે કોઈ વિજતીય પાત્ર હોય,કે પછી,

માતા, પિતા, સ્વજનો કે મિત્રો. 

આત્મિક લાગણી એજ સાચો પ્રેમ....

અને એમાં પણ જો સામસામે સરખી લાગણીઓ ધરાવતી બે વ્યક્તિઓ મળી જાય તો જીવન પ્રેમની સુગંધથી મહેકી ઊઠે.

આવીજ એક દોસ્તીની વાત છે કિંજલ અને ભવનેશની ...

કિંજલ અને ભવનેશ બંને એકજ શાળામાં સહવિદ્યાર્થી. બંને ભણવામાં હોંશિયાર અને સંગીતનાં શોખીન.બંને એકબીજાને ઓળખતા પણ મિત્રતા એટલી ગાઢ ન હતી.

ભવનેશને લગભગ આઠમાં ધોરણમાં આવ્યાં પછી કિંજલ માટે કૂણી લાગણી થઈ, તેને કિંજલ બસ ગમવા લાગી, પરંતુ નાની વય હોવાથી કેમ એવું થાય છે એ સમજી શક્તો નહતો,ને કિંજલને તો એ બાબતનું ભાન જ ન હતું.

સમય વીત્યો...બંને પોતપોતાની રીતે ડિગ્રી મેળવી જીવનમાં આગળ વધ્યાં, લગ્ન, બાળકો, કરીઅર વગેરેમાં એવા ઉલજયાં કે શાળાનાં સંસ્મરણો, વિસ્મરણ થઈ ગયાં.

બંને ચાલીસી વટાવી ચુક્યાં હતાં, અને એક દિવસ અચાનક એક મિત્રનાં માધ્યમથી ભવનેશે કિંજલ વિશે જાણ્યું.

એને બાળપણનો એનો એ જીવનનો સૌથી પહેલો ક્રશ યાદ આવ્યો. એવુ નહતું કે એને કિંજલ સિવાય કોઈ ગમ્યું નહી. એના જીવનમાં કાલાંતરે બીજી પણ છોકરીઓ આવી અને એમાંથી એક ને પરણી પણ ગયો હતો.

પણ કહેવાય છે ને કે, આપણો પ્રથમ પ્રેમ કહો, કે પ્રેમ જેવી લાગણી પ્રથમ વાર જે વ્યક્તિ પર થઈ હોય એ ક્યાંરેય ભૂલાતી નથી. માટે કિંજલને જાણવાની ઉત્કંઠા વધી ને ભવનેશે કિંજલને ફેસબુકનાં માધ્યમથી પ્રથમ વાર મેસેજ કર્યો. કિંજલને તો ભવનેશ યાદ જ ન હતો.

પતિ, બાળકો, ઘરની જવાબદારી હેઠળ એને બીજી કોઈ વાતનું ધ્યાન જ ન રહ્યું. પણ કહેવાય છે ને કે ઘરમાં જે વ્યક્તિ સહુની ચિંતા કરતી હોય છે તેની ચિંતા કોઈ નથી કરતું,અને એ વ્યક્તિ સ્વયં પણ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. બસ એવી જ હાલત કિંજલની હતી. પતિ તો હતો પણ.... એ પતિનીજ ભૂમિકા ભજવતો રહ્યો, ક્યારેય મિત્ર કે પ્રેમી બની કિંજલના અંતરને એ સ્પર્શી નહોતો શક્યો.

છતાંયે કિંજલ એને સંપૂર્ણ વફાદાર હતી. કોઈ પરપુરૂષનો વિચાર સુધ્ધા એને સપનામાંય નહતો કર્યો.

પણ અહીં કંઈક અલગ બન્યું.કોણ જાણે કેમ ભવનેશ એને યાદ નહતો છતાંયે કિંજલે ભવનેશની રિકવેસ્ટ સ્વીકારી. અને બંને મેસેજ દ્વારા વાતો કરવાં લાગ્યાં.

બહું સમય પછી એણે પોતાના માટે કંઈક અલગ કર્યું, અને એ બાબતે એ અત્યંત ખુશ હતી.

બંનેએ બચપનની યાદો તાજાં કરી અને વાતોનો સિલસિલો આમજ ચાલ્યો.કિંજલ ખૂબ ખુશ રહેવાં લાગી હતી.

બંનેને એકબીજા માટે અત્યંત લાગણી થઈ ગઈ, પણ એક વાત અહીં સ્પષ્ટ હતી કે બંનેનો સંબંધ પૂર્ણ પવિત્ર હતો.

બસ એકબીજાની ઓથ મળવાથી બંનેનાં જીવનમાં, ખુશીઓની વેલ પાંગરી હતી.

ભાવનેશનાં પ્રોત્સાહનથી કિંજલનું ટેલેન્ટ બહાર આવ્યું અને તેણે સંગીત શીખવાનું ચાલુ કર્યું.

આમ કિંજલ હવે પોતાના માટે જીવતી થઈ અને ખૂબ ખુશ રહેવાં લાગી.

પણ એક દિવસ ભવનેશે કિંજલ સાથે સંબંધ તોડવાની વાત કરી. કિંજલ ભાંગી પાડી. ભવનેશને ડર હતો કે આ સંબંધ આગળ જઈ કોઈ બીજું સ્વરૂપ ના લઈ લે. કિંજલે સ્પષ્ટ કહ્યું કે, "ભવનેશ,મારે તારી સાથે ફક્ત એક મિત્ર તરીકે જ સંબંધ રાખવો છે. તારી સાથે દસ મિનીટ પણ વાત કરું તો જાણે જીવનમાં આનંદનો સંચાર થાય છે, હું જાણે મહેંકી ઉઠું છું. જીવન જીવવાનું મન થાય છે.કંઈક નવું કરવાનું પ્રોત્સાહન મળે છે. અને એક એવી વ્યક્તિ જે નિ:સ્વાર્થ ભાવે આપણી સાથે હોય ને આપણને લાગણી સહીત પ્રોત્સાહન આપતી હોય તો એનાથી વધારે મને શું જોઈએ."

પણ ભવનેશ ના સમજ્યો ને અહીં બંને જુદા થયાં.

કિંજલનાં જીવનમાં ફરી પાનખર બેઠી.

વગર ચોમાસે એની આંખો વરસતી રહી. ફરી જાણે એને જીવન જીવવાનો ઉત્સાહ જ ખોઈ દીધો.

દિવસો, મહિનાઓ વીત્યાં ને હવે તો લગભગ દોઢ વર્ષ થયું.

કિંજલે એને ખૂબ સમજાવવાની કોશિશ કરી હતી,પણ ભવનેશ કોઈ ગેરસમજણનાં કારણે ના જ માન્યો.

પણ અચાનક એક દિવસ ભવનેશનો મેસેજ આવ્યો. એણે કિંજલની માફી માંગી અને કહ્યું કે "કિંજલ મને માફ કર, હું મારી સંકુચિત વિચારધારાને લીધે તને સમજી ના શક્યો. હું મારી પત્નીને અત્યંત પ્રેમ કરું છું, અને એની સાથે કોઈ વિશ્વાસ ઘાત ન કરી બેસું એ માટે મેં આ પગલું લીધું, પણ ભૂલી ગયો કે તું પણ ખાનદાન ઘરની સ્ત્રી છો, માટે એ બાબતે મારે ચિંતા નહતી કરવી જોઈતી.

નાનપણમાં જરૂર મને તારું આકર્ષણ થયું હતું પણ એ આજે સમજાય છે કે એ આકર્ષણ આત્મિક હતું. આપણાં સ્વભાવ, સમજણ લગભગ સરખા હોઈ, એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ. તારા જીવનમાં મારું જે સ્થાન છે બસ એજ સ્થાન તારું પણ મારાં જીવનમાં છે."

આ સાંભળી કિંજલની ખુશીનો પાર ના રહ્યો.

બંને લાગણી ને મિત્રતાની ઓથ હેઠળ જીવનમાં ખૂબ આગળ વધ્યાં.

 કિંજલ એક ગાયક બની અને ભવનેશને પણ ગાવાનો શોખ હોઈ કિંજલની ઓળખાણથી એ નવરાત્રીમાં ગરબા ગાવા જવા લાગ્યો. તે ઉપરાંત ભવનેશ પોતાનાં બિઝનેસ માં પણ ખૂબ આગળ વધ્યો.બંને એ એકબીજાના જીવનમાં પ્રવેશી,સંબંધની પવિત્રતા તો જાળવીજ સાથે સાથે એકબીજાનાં વિકાસનું કારણ પણ બન્યા.

આજે બંને સાઠ વર્ષનો ઉંમર ગાળો વટાવી ચુક્યાં છે, અને એ સાથે એમનો એકબીજા પ્રત્યેનો આત્મિક પ્રેમ અને લાગણી પણ એટલાજ વૃદ્ધિ પામ્યા છે.

કિંજલ આજે દાદી બની એ ખુશીમાં કિંજલ અને ભવનેશ એમ બંનેનાં પરિવાર મળીને ખુશીઓ માનવી રહ્યાં છે. કિંજલનાં પતિ અને ભવનેશની પત્નીએ પણ આ બંનેનો પવિત્ર,આત્મિક મિત્રતાનો સંબંધ સહર્ષ સ્વીકાર્યો.

જીવનમાં કોઈક એવી વ્યક્તિ જો મળી જાય જેના લીધે આપણું અને એનું, એમ બેવનું જીવન જો મધુબન બનતું હોય તો, ખોટાં વિચારો કરી એવી વ્યક્તિનો ત્યાગ ન કરવો,બલ્કિ ખુલ્લા મને આવકારવો જોઈએ.

જીવનમાં સાચો પ્રેમ કોઈ પણ સ્વરૂપે આવી શકે, બસ એ જે સ્વરૂપે આવે એને એજ સ્વરૂપે સ્વીકારી, એનો આદર કરવો જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Romance