પ્રેમ
પ્રેમ
આજે રવિ ખૂબ જ ખુશ હતો. કેમ ન હોય? આજે એ એને ગમતી છોકરી કવિતા આગળ પોતાના પ્રેમનો એકરાર કરવાનો હતો. રવિએ કવિતા ને દાંડીના દરિયા કિનારે સાંજે છ વાગ્યે મળવા બોલાવી હતી. પોતે તો છ વાગ્યા પહેલાં પહોંચી ને કવિતાની રાહ જોતો હતો. ત્યાં જ બરાબર છ વાગ્યે ગુલાબી કલરના ડ્રેસમાં સજ્જ કવિતા આવી પહોંચી. એને જોતાં જ રવિ એકદમ દોડીને કવિતા નો હાથ પકડી રેતીમાં બેસી ગયો. જયારે કવિતાએ, શા માટે બોલાવી, ક્યારનો હાથ પકડને બેઠો છે, ત્યારે જાણે ભાનમાં આવ્યો હોય તેમ ચમકી ને કહ્યું, હું તને ખાસ વાત કરવા માગું છું. સાભળ ,જો આકાશમાં એક બાજુ સૂર્યાસ્ત થઈ ગયો અને બીજી બાજુ પૂનમનો ચંદ્ર ઉગી રહ્યો છે ત્યારે મારે તને કંઈક કહેવું છે.
સાંભળ,
પૂનમ કેરાં ચાંદની હાજરીમાં, વાદળોની સંગ, હાથોમાં તારો હાથ લઈ, અડોઅડ બેસી મારે તને કહેવું છે, હું તને પ્રેમ કરું છું.
આટલું સાંભળતાં જ કવિતા ખડખડાટ હસવા લાગી. રવિ તો આભો બની જોઈ રહ્યો. માંડ હિંમત કરી પૂછ્યું કવિતા તારો જવાબ એને અધવચ્ચે અટકાવતા કવિતા બોલી, મને પણ તારા પર પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે.
અને કવિતા રવિના આલિંગનમાં સમાઈ ગઈ.