Sharad Trivedi

Drama Romance

3  

Sharad Trivedi

Drama Romance

પ્રેમ રિકવેસ્ટ

પ્રેમ રિકવેસ્ટ

4 mins
440


        આજે શહેરની આર્ટ ગેલેરીમાં તમારા અને તમારા પતિ દીપકના ચિત્રોનું પ્રદર્શન છે. એક જ કૉલેજમાં ભણેલાં તમે આ તમારું ચોથું પ્રદર્શન યોજી રહ્યાં છો. હજુ તો લાંબી મઝલ કાપવાની છે. પણ તમારા બંનેનું દામ્પત્યજીવન સારસ બેલડીના ચિત્ર જેવું છે.

            પ્રદર્શન દરમિયાન કૉલેજના વિદ્યાર્થીઓ પણ પ્રદર્શન જોવા આવેલા. એમાંથી એક વિદ્યાર્થીની એ પ્રશ્ન પૂછ્યો 'મે'મ,તમે અને સર બંને એક જ કૉલેજમાં સાથે ભણતા?' તમે એના પ્રશ્નના જવાબમાં સ્મિત સાથે દીપક સામું જોયેલું અને તમારી સુંદર ગરદને એને હકારમાં જવાબ આપેલો.

              પણ દીપકને તમે આપેલું સ્મિત સૂચક હતું. કૉલેજના એ દિવસોમાં તમે ફાઈન આર્ટસમાં પ્રવેશ મેળવેલો. તમારી સાથે દીપક પણ એ જ કૉલેજમાં અભ્યાસ કરતો. ગામડામાંથી એ આવેલો એટલે શહેરની રીતભાત શીખતો હતો. બીજાથી થોડો અલગ પડતો એટલે તમારુંય ધ્યાન એના પર ગયેલું. તમે દેખાવે કોઈ કલાકારના સુંદર ચિત્ર જેવા હતા. કૉલેજના આકર્ષણનું કેન્દ્ર પણ ખરાં.

                       એ વખતે ફેસબુકની શરુઆત થયેલી એટલે બહુ ઓછા લોકો એનો ઉપયોગ કરતાં. એ સમય દરમિયાન તમે પણ તમારુ ફેસબુક એકાઉન્ટ બનાવેલું. ફેસબુક પર તમે તમારો તમે જ બનાવેલો સ્કેચ રાખેલો. સુંદરતા પ્રત્યેનું ભારતીય પુરુષોનું વલણ જાણીતું છે એટલે તમને પુરુષોની ખાસી ફ્રેન્ડ રિકવેસ્ટ મળતી એમાં દીપકે પણ તમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલી. પરંતુ છોકરાઓની રિકવેસ્ટ નહી સ્વીકારવી એવું તમે નકકી કરેલું. દીપકને પણ તમે એ બાબતે જણાવેલું, આરતી.

છોકરીઓની ફ્રેન્ડ રિકવેસ્ટ તમે સ્વીકારતાં. એમાંની કેટલીક તમારી એફ. બી. પર બેસ્ટ ફ્રેન્ડ પણ બની ગયેલી. એમાંની એક હતી દિયા, બીજા શહેરમાં રહેતી એ ફેશન ડીઝાઈનીંગનો અભ્યાસ કરતી. તમારી એની સાથે સારી મિત્રતા થયેલી. તમે એને એનો પ્રોફાઇલ ફોટો એફ. બી. પર મૂકવા જણાવતાં પણ એ ના પાડતી અને એણે તમને પણ એમ ન કરવાની સલાહ આપેલી. તમે એની સલાહ માનેલી. એનાથી તમને છોકરાઓ દ્વારા મળતી ફ્રેન્ડ રિકવેસ્ટ ઓછી થયેલી. તમને એની સલાહ વ્યાજબી લાગેલી.

            સારી અને પાકી બહેનપણી દીયાનું વર્તન કયારેક તમને એબનોર્મલ લાગતું. કયારેક એ તમને 'આઇ લવ યુ' લખી દેતી, કયારેક સાથ જીના, સાથ મરના તો વળી કયારેક 'હમ બને તુમ બને એક દુજે કે લિયે' કહી દેતી. તમે પણ એને નોર્મલ ગણી જવાબ આપતા ને એને કહેતાં એ માટે આપણે બંનેએ લગ્ન કરવા પડે તો 'જીના તેરે સંગ' થાય. એ કહેતી ચોકકસ આપણે લગ્ન કરીશું. તમે બંને એકબીજાની અંગત વાતો પણ એકબીજાને કહેતાં.

                         આ બાજુ દીપક તેના ચિત્રો દ્વારા ફાઈન આર્ટસ કૉલેજનો માનીતો અને જાણીતો બની ગયેલો. તમને પણ એનામાં રસ પડવા લાગેલો,આરતી. આ અંગેની વાત તમે દીયાને એક બે વખત કરલી. દીયાએ તમને 'દીપક તને ગમવા લાગ્યો છે કે શું?' એવુ પૂછેલું ત્યારે તમે કહેલું 'હા,એની સાદગી, કલા પ્રત્યેની નિષ્ઠા, શરીર સૌષ્ઠવ બધુ મને ગમે છે'. દીયાએ તમને એને એફ બી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા કહેલું અને કહ્યું કે તમે જે તે વખતે દીપકની રિકવેસ્ટ નથી સ્વીકારી એટલે કદાચ દીપક તમારી ફ્રેન્ડ રિકવેસ્ટ ન પણ સ્વીકારે, જો સ્વીકારે તો માનજે તું પણ એને ગમે છે. તમે દીયાની વાતનો તરત જ અમલ કરેલો, તમે દીપકને પ્રેમ રિકવેસ્ટ સૉરી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલી. દીપકે પણ તરત જ એનો સ્વીકાર કરેલો.

                 તમે આ વાત દીયાને જણાવેલી પણ દીયાનો જવાબ નહી આવેલો. બે દિવસ પછી દીપકે તમને એક બુક આપેલી અને કહેલું કે એમાં એક કાગળ છે વાંચી લેજે. તમે દીપકના ગયા પછી એ કાગળ ઉત્સુકતાથી વાંચેલો.

આરતી,

મેં તને જ્યારથી પહેલી વખત જોઈ ત્યારથી જ તું મને ગમતી હતી. પણ હું તને લાયક નથી એવું મને લાગતું. એટલે તને લાયક બનવા મેં મહેનત કરી અને આજે એ મહેનતના ફળ સ્વરુપે તે મને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે. પણ હું તો દીયા તરીકે તારી બેસ્ટ એફ. બી. ફ્રેન્ડ છું જ. દીયા નામનું ફેક એફ બી એકાઉન્ટ બનાવીને મેં તને ફ્રેન્ડ બનાવીને છેતરી છે એવું લાગતું હોય તો મને માફ કરજે પણ હું તને બહું ચાહતો હતો એટલે તારા દિલની નજીક આવવા માટે આ રીત અપનાવી અને લાયક બનવા માટે મહેનત કરી. આઈ લવ યુ આરતી. તે દીયા તરીકે મારી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી હવે દીપક તરીકે મારી પ્રેમ રિકવેસ્ટ સ્વીકાર.

                                 લી. તારીદીયા, તારો દીપક

તમને હસવું કે ગુસ્સે થવું એ સમજાયું નહી, આરતી, પણ એટલું સમજાયું કે આ ખોટનો ધંધો નથી. દીયા નામે બહેનપણી અને દીપક નામે ગમતો જીવનસાથી બંને મળે છે. તમે તરત જ એફ. બી. ઓપન કરી દીપક અને દીયાને 'આઈ લવ યુ' લખી સેન્ડ કરેલું.

                                    આજે તમે અને દીપક 'દીયા ઔર બાતી'છો,આરતી. પૂજા અને પ્રાર્થનાના માતા-પિતા.



Rate this content
Log in

Similar gujarati story from Drama