પ્રેમ એટલે પ્રેમ
પ્રેમ એટલે પ્રેમ


આજે ૮ વરસે શાલિની એ ચિંતન ને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતન ના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતન ને જ્યારે કહ્યું કે મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્ય ને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ? અને શાલિની વિચારી રહી, એવું તો નથી.. એવું તો નથી શાલિની એ કહ્યું. હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલી ને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે.. તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે.. અને શાલિની એ બધી વાત ચિંતન ને જણાવી.. ચિંતન એ માત્ર એટલું જ કહ્યું શાલિની ને " એમ અચાનક થાય નહીં પ્રેમ…
શાલિનીની સરળ-તરલ આંખો માં પ્રશ્નાર્થ વાંચી ચિંતન બોલ્યો" હા શાલુ..આપણી જીંદગી ના છેલ્લા થોડા દિવસો માં ઝાંખી જો. ...તને મારા શબ્દો નો અર્થ સમજાઇ જશે...
હા,તે દિવસે ચિંતનને ઓફિસ માં મોડું થવાનું હતું. આ ફુરસતના સમયને એ સુવાંગ પોતાનો કરવા માંગતી હતી એટલે પહોંચી ગઇ થોડે દૂર આવેલા ગાર્ડન માં..અહીં એક નાનું તળાવ હતું. એની પાળી શાલિની ની આ શહેરની પ્રિય ને ખાનગી જગ્યા હતી.અહીં બેસી તળાવમાં ઉઠતાં વલયોમાં એ શોધતી રહેતી એ વીતેલો સમય..પેલી ખોવાયેલ શાલિની,અને હા!! એના અસ્તિત્વ સાથે વણાય ગયેલ એ ચહેરાને....ઉતરતા અંધકારથી બેખબર. ..ઓહ! બહુ મોડું થયું...રસોઇ પણ બાકી છે..એ ધર તરફ દોડી.ચિંતન ઘરે પહોંચી એની રાહ જોઇ બેઠેલો.રઘવાઇ શાલિની ને જોતાં જ બોલ્યો" રીલેક્સ સ્વીટી! આ જે બંદાને બહારનું ખાવા નો મૂડ છે.શું ઓર્ડર કરશું?આમ તો ધડી ધડી ખોવાઇ જતી શાલિની થી ઉભરાઇ જતા દૂધ કે દાઝતી દાળ ની વાસને હળવાશથી એ હવામાં ઉડાડી દેવામાં એક્કો હતો.પણ આજની એની સમજદારી થી શાલિની ને પોતાના પર, પોતાને બાંધી રાખતા એ આઠ વરસ પહેલાં ના સમય પર -ગુસ્સો જ આવ્યો.." ના ,હવે તો ચિંતન ને બધી વાત કરી આનાથી મુક્ત થઇ જવું છે" એ વિચારતી....પણ આવું તો અનેક વાર થતું ને એ પાછી દિલથી મજબૂર અતીતમાં ક્યાંક ખોવાઇ જતી.એવામાં ચિંતન ને ઓફિસના કામે બહાર ગામ જવાનું થયું. એને ગયા ને બે દિવસ થયા ને ત્રીજે દિવસે એનો ફોન આવ્યો " શાલુ મારું અહિંનું કામ તો પતી ગયું છે પણ અહીં થી નજીક ના એક સુંદર ગામમાં અમારી કંપનીનું હોલી ડે હોમ છે,મને બે દિવસ માટે બુકીંગ મળી ગયું છે અને ત્યાં જ આવેલા અમારા પ્લાન્ટ માં પણ મારે થોડું કામ છે.મેં તારી ફ્લાઇટ બૂક કરી દીધી છે-ના ન પાડતી પ્લીઝ.... ટીકીટ મેઇલ કરું છું...કાલે મળીએ...બાય..."
ગામનું નામ સાંભળતાં જ એનું હૈયું ઉછળી પડ્યું..પછી થયું ના, ના મારે હવે ત્યાં નથી જ જવું. એના અસ્તિત્વમાં છૂપાયેલ પેલો ચહેરો જાણે સપાટી પર ઉભરાયો ને ધીરેથી જાણે પૂછયું " સાચ્ચે???!!'' બીજી જ ક્ષણે એ બેગમાં કપડાં ભરતી હતી.
એરપોર્ટ પર ચિંતન હાજર હતો. "વેલકમ શાલુ" કહેતાં ભેટી જ પડ્યો. એને ક્યાં ખબર હતી કે શાલિનીનું મન તો ક્યારનું એ ગામે પહોંચી કંઈક શોધવા અધીરું હતું. તે દિવસે તો બંને એ આરામ કર્યો. બીજે દિવસે ચિંતન પ્લાન્ટ માં જવા નીકળ્યો ને શાલિની નું મન રાહ જોતું હતું એ ઘડી આવી.એ નીકળી એના એક સમય ની પ્રિય ને હજુ પણ મનમાં સચવાયેલ ઘડીઓ ને પાછી જીવવા...
કોલેજ નાં ચાર વરસ માં માણેલી અસંખ્ય પળ અને એનો અંશ બની ગયેલ પેલો ચહેરો જાણે એને ખેંચતા હતાં. 'એ' હજુ પણ અહીં જ હશે? એણે વિચાર્યું.... અવશ પણે એ તળાવની તરફ ચાલવા લાગી.અહીં જ તો 'એ 'મળતો... ધૂળિયા કાંઠાવાળા તે તળાવની ધૂળમાં બંનેના પગલાઓની છાપ શોધવા એની આંખો આતુર થઈ ગઇ.લગભગ દોડી જ....ઓહ! આ શું? તળાવ તો આસપાસ પાકી પગદંડી અને ફૂડ કોર્ટ અને અનેક સુશોભન થી ધેરાઈ ગયું છે....એની બહાવરી આંખો હવે શોધતી હતી પેલા બોરસલ્લીના વૃક્ષ ને ,જેની નીચે બંને બેસતા....પણ એ તો ત્યાં હતું જ નહીં!! જાણે એક ધક્કો લાગ્યો ને એ ત્યાં જ બેસી પડી.કળ વળતાં એણે વિચાર્યું એની ઓફિસ પણ અહીંથી દૂર નહોતી..બધું જ બદલાઈ ગયું છે....રસ્તો મળશે? એંધાણી શોધી એણે પગલું ઉપાડ્યું ત્યાં ફોન ની રીંગ વાગી...સામેથી ચિંતન કહી રહ્યો હતો" અરે! કયાં ખોવાઇ ગઇ? જલદી આવ..તને ખબર છે?.........."
એના એ શબ્દોના તારનો આધાર લઈ શાલિની આજમાં પાછી આવી..ચિંતન કહી રહ્યો હતો" હા શાલિની....મને મારી શાલુ માં વિશ્વાસ હતો..છે...તું તારા અતીત ને 'આદત' બનાવી એમાં અટવાઈ રહી છે એની મને ખબર હતી. પણ મને તો આપણું કોઇ ભાર વગરનું ભવિષ્ય જોઇતું હતું. તારા મનમાં બાઝેલાં એ જૂના જાળાં ને સાફ કરવા ને તારા અતીતના અનુસંધાનને એક ઝાટકે કાપવા જ હું તને પેલા ગામે લઇ ગયો...પ્રેમ માટે તો પરિવર્તન ને સમજતું.. સમય સાથે બદલાતું....રંજ રહિત..પ્રેમાળ મન જોઇએ. પ્રેમથી તો તું છલકાતી હતી... માત્ર પાત્ર બદલાઇ ગયું હતું. તારા મન નો પ્રેમ તો એમ નેમ જ હતો! તું મને પ્રેમ કરતી જ હતી કારણ પ્રેમ એટલે પ્રેમ.....બાકી એમ અચાનક થાય નહીં પ્રેમ!