પરાણે યોગી
પરાણે યોગી


પ્રાણી માત્રની ફિતરત છે કે જ્યાં ભય જેવું જણાય ત્યાંથી ભાગી છૂટવું. એથી ય આગળ વધી માણસ તો અણગમતી પરિસ્થિતિમાં આવી પડે તો ત્યાંથી પહેલાં તો ભાગવાનો જ વિચાર કરે. કમ સે કમ અમુક સંજોગોમાં તો મારી પણ એ જ આદત છે. કોઇ જાતની ચિંતા છે? ચડાવો જૂતા ને નીકળી પડો ચાલવા...બહારના કોઇ સાથે થયેલી ચણભણથી અશાંતિ લાગે છે? ચલો લોંગ વોક પર ... સૌથી વધારે ઘરની જ વ્યક્તિઓ ના વહેવાર- વર્તન- વાણીથી મન વ્યગ્ર છે? થોડીવાર માટે ઘરથી બહાર નીકળી પડો ...પાછી આવું ત્યાં સ્થાન અને વાતાવરણ ફેરથી અડધું દુ:ખ ગાયબ!! ને મન પાછું સજ્જ જીંદગીના નવા દાવ માટે. મને ખાતરી છે મારી જેમ ઘણાને આવો જ અનુભવ હશે.
અત્યારે આ મહામારીથી બચવા ક્યાંય ભગાય એવું તો છે નહીં. એટલે એનાથી બચવાના બધા નિયમ અપનાવો, પોતાને સ્વસ્થ રાખો એવું સાંભળી સાંભળી મેં તો ચાલવા જવાને બદલે નવો યોગ મંત્ર અપનાવ્યો. જીવનમાં ક્યારેય નહીં કરેલા યોગાસનો કરવાનો. આ આપત્તિથી ચિંતા તો રહે જ, વળી ઘરનાં સભ્યો ચોવીસે કલાક સાથે. પાછાં બધાં અકળાયેલાં પણ ખરાં. આવામાં એકબીજાને ગેરસમજ, મનદુ:ખ તો થાય જ છે મન વ્યગ્ર પણ થાય છે. રોજ નો વોકનો રસ્તો દેખાય પણ પછી લાચારીથી આંખ બંધ કરી એનું ધ્યાન ધરતાં મેડીટેશનમાં સરી જાઉં.
આ સમયે સૌનો ભગવાન- ઇશ્વર કે કોઇ પરમશક્તિ પર વિશ્વાસ વધી જ ગયો હશે. અત્યારે પોતાને સુપર પાવર માનનાર મનુષ્ય લાચાર છે. ઇશ્વર નિર્મિત આ આપત્તિથી બચવા એની પ્રાર્થના સિવાય કોઇ ઉપાય નથી. રોજ યોગાસન, ધ્યાન ને પ્રાર્થના કરતાં હું તો પરાણે યોગી બની ગઇ છું....તમે ?