પપ્પા
પપ્પા


ડીયર ડાયરી,
ડાયરીમાં લખાતા દરેક શબ્દ દિલથી બહુ નજીક હોય તોજ કલમ દ્વારા કાગળ પર અંકિત થઈને અવિસ્મરણીય બનાવવાનું મન થયું હોય.
હા, પ્રસંગ સામાન્ય હોય તો યાદગાર હોય જ નહીં. એટલે અહીં જે પિરસીશ તે બહુ સ્વાભાવિક રીતે મારા જીવનની અસામાન્ય સત્ય ઘટનાઓ જ હશે. એમાં ક્યાંય વધારાનાં વર્ણન કે પરીકથાને અવકાશ નથી. કદાચ પ્રથમ વાર કાલ્પનિક પાત્રોને બદલે વાસ્તવિકતાને કલમને ટાંકણે કોતરવાનો વારો આવ્યો છે.
“દિન જો પખેરુ હોતે, પિંજરેમેં મૈં રખ લેતા..” આ માત્ર પરિકલ્પના કહેવાય. પરંતુ મનના પિંજરામાં ખરેખર કંઈ કેટલીય ઘટનાઓ અવિસ્મરણિય યાદ બનીને બેઠી હોય છે.
એમાંની એક એટલે પાપાની જિંદગી અને મૃત્યુ સાથે રોજની હાથોહાથની લડાઈ. હ્રદયની બિમારીની સારવાર પછી તાજમહાલની મુલાકાત અને એ વખતે પાપાના ચહેરા પર સાજા થઇને ફરવા નીકળવાનો આનંદ હતો.
પણ..
મમ્મીના ચહેરા પર શાહજહાં-મુમતાઝના વિયોગની વ્યથા સ્પષ્ટ વાંચી શકાતી હતી. આજે પણ તાજમહાલના ફોટાઓમાં મમ્મીના ચહેરા પર બહુ મિશ્રિત ભાવ જોવા મળે છે.