પોતાની સાવ નજીક
પોતાની સાવ નજીક
પોલીસ સ્ટેશનમાં લેડી કોન્સ્ટેબલ સાવિત્રી સામે બેઠેલી રડી રહેલી, શરીર પર લીલાં ચકામાવાળી સ્ત્રીનું બયાન લખી રહી હતી.
“જરાય ગભરાયા વગર લખાવ બેન. કાયદો કોઈને બક્ષશે નહીં. તને ન્યાય જરુર મળશે જ.”
“મેડમ ઘરનાં બધાં બહુ હેરાન કરે છે.”અને સાવિત્રી લખતી ગઈ. એને શારિરીક માનસિક ત્રાસ આપતા પરિવારજન, બધી જ કમાણી માર મારીને લઈ લેતો નપાવટ પતિ વગેરે વગેરે..
લખતાં લખતાં સાવિત્રીનો આક્રોશ ચોખ્ખો જણાઈ આવતો હતો. ફરિયાદ લખાઈ ગઈ. “મેડમ મારી વાત પોલિસ માનશે તો ખરી ને?”
“હા હા બિલકુલ માનશે જ. જ્યારે પીડાતા હોઈએ ત્યારે આપણે સૌથી વધુ વાસ્તવિક હોઈએ છીએ.” અને સાવિત્રીએ કમર પર મરી ગયેલા લોહીના ડાઘ પર હાથ ફેરવતાં ધારદાર નજરે લોકઅપ તરફ જોયું.“જેમ કે હું..”
એ સ્ત્રી રવાના થઈ.
પણ સાવિત્રીની બરાબર સ
ામે લોકઅપમાં સળિયા પકડીને ઉભેલા નરેશને ધ્રૂજારી છૂટી ગઈ.
હવે નશામાં સહેજ ધોલધપાટ કરું કે કોઈ કોઈ વાર દેવું થાય ત્યારે બાપ પાસેથી રુપિયા લાવવા બે-ચાર દિવસ ધમકાવીને કાઢી મુકું. હવે ગઈ કાલે એમ જ તો કીધું કે પેલા દાગીના વેચવા આપ. દારુના પૈસા ચૂકવનાના છે નહીંતર હવે પીઠાવાળો દારુ નહીં આપે. ન જોઈ હોય તો મોટી પોલિસવાળી! પતિને આવા બુટલેગરો સાથે લોકઅપમાં પુરી દીધો! મારી તો કોઈ ઈજ્જત જ જાણે નથી.
અનાયસે સાવિત્રીની સામે નજર મળતાં નરેશને પરસેવો વળ્યો.
ગામઆખામાં ડોન થઈને ફરું પણ આ ચાર કલાકમાં તો ધોળે દિવસે તારા દેખાય છે. સાવિત્રીએ સાલી વાત તો સાચી કરી હોં! મનમાં તો પોલિસના ડંડાની એવી બીક લાગે છે કે, જ્યારે પંડને પીડા પહોંચે છે ત્યારે પોતાની સાવ નજીક તો પહોંચી જ જવાય છે.