Meghal upadhyay

Tragedy

4.8  

Meghal upadhyay

Tragedy

પિતાનો ત્યાગ

પિતાનો ત્યાગ

2 mins
296


સવિતાબેન અને વિનોદભાઈની સતર વર્ષની દીકરી સોના જે કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે જ્યારે કોલેજથી ઘરે આવી ત્યારે તેનાં મમ્મી-પપ્પા કોઈ ચર્ચા કરતાં બેઠા હતાં. મમ્મી-પપ્પાને ઓરડામાં સાથે બેસેલા જોઈ સોના પરસાળમાંથી ઓરડામાં આવતાં આવતાં બોલી, "અરે વાહ ! સારું થયું મમ્મી-પપ્પા તમે બંને સાથે જ અત્યારે અહીં બેઠા છો. મારે જે વાત કહેવાની છે તે બંનેને સાથે જ કહેવાય જશે‌. મમ્મી-પપ્પા મારી કોલેજમાં બે દિવસ પછી રાસ ગરબાનો કાર્યક્રમ છે‌. મારે તે કાર્યક્રમમાં ભાગ લેવો છે. એ કાર્યક્રમમાં ભાગ લેવા મારે જે ચણિયાચોળી ભાડે લેવા છે તેનું ભાડું પાંચસો રૂપિયા છે. તો મને પાંચસો રૂપિયા આપશો ને ?"

દીકરીની પાંચસો રૂપિયાની વાત સાંભળી સવિતાબેન થોડાં ઝંખવાણા પડી ગયા. એમને થયું આવી મોંઘવારી અને મર્યાદિત આવકમાં દીકરીને પાંચસો રૂપિયા ક્યાંથી આપીશ ? તેમણે પતિની સામે જોયું. એ બંને થોડી વારે પહેલાં એ જ વાત કરી રહ્યા હતાં. વિનોદભાઈ સવિતાબેનને કહી રહ્યા હતાં, " સવિતા મારે ઓફિસ પહેરવાનાં શર્ટ સાવ ઝળી ગયા છે. તેમાં પણ કોણી પાસેથી તો ગમે ત્યારે ફાટી જાય તેમ છે‌‌. ભલે ઓફિસમાં હું પટાવાળાની ફરજ બજાવતો હોવ તો પણ કપડાં તો વ્યવસ્થિત પહેરવા પડે ને ? એટલાં માટે મેં આજે ઓફિસમાંથી પાંચસો રૂપિયાનો ઉપાડ કર્યો છે. તેમાંથી બહુ મોંઘા નહીં પણ એકાદ વર્ષ ચાલે તેવા શર્ટ તો આવી જશે. " દીકરીની વાત સાંભળી સવિતાબેને જ્યારે ઝંખવાણી નજરે પતિ સામે જોયું કે તરત પોતાનાં શર્ટનાં ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢી વિનોદભાઈએ કહ્યું, " અરે સોના દીકરી તું કહે ને અમે ના આપીએ એવું ક્યારેય બને ? આ લે પાંચસો રૂપિયા હમણાં જ જઈને તું ચણિયાચોળી માટે એડવાન્સ આપી આવ જેથી તે દુકાનવાળા બીજા કોઈને ભાડે ના આપી દે. "

સોના તો પપ્પાએ આપેલાં રૂપિયા લઈ ખુશી ખુશી ચણિયાચોળીનું એડવાન્સ આપવા ચાલી‌. વિનોદભાઈ પણ થેલીમાં પોતાના ઓફિસ પહેરવાના બંને શર્ટ નાખી અને દરજીની દુકાને ગયા. ત્યાં જઈ દરજીને કહ્યું," ભાઈ મારા આ બંને શર્ટની બાંય કોણીએથી ફાટી ગઈ છે. તો એ ત્યાંથી કાપીને ટૂંકી કરી સિલાઈ કરી આપો ને. જેથી હજુ છ મહિના મારે આ બંને શર્ટ પહેરી શકાય. " સંતાનોની ખુશી માટે સૌથી વધુ ત્યાગ પિતા જ કરતાં હોય છે. મા પરિવારનો પિલ્લર છે તો પિતા ઘરની છત છે. બંનેમાંથી જો એક ના હોય તો મકાન નથી બનતું. તે રીતે માત પિતા બંનેનું સ્થાન પરિવારમાં સરખું જ છે. બંને પોતાના બાળકો માટે જ જીવન જીવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy