પીઝાનો સાતમો ટૂકડો
પીઝાનો સાતમો ટૂકડો


"યાર, સાચે આ કેબલ સ્ટેન્ડ પૂલ ખૂબ જ સુંદર છે,ક્યાં બે કલાક વીતી ગયા ખબર જ નહીં પડી. એમ પણ આપણે બે દોસ્તો લાંબા સમય બાદ મળીએ તો આવું જ થાય છે, 10:30 વાગ્યા છે હોટેલો પણ બંધ થતી જ હશે, પણ ભૂખ બહુ વધારે લાગી છે."મયંકે જયંતને કહ્યું.
મયંક અને જયંત જીગરી દોસ્તો, સાથે જ સ્કેટમાંથી એન્જીનરીંગ કર્યું , હવે એક રહે પુણે અને એક રહે અમદાવાદ, ક્યારેક જ મળે.
" વાત તો સાચી, મયંક ચાલ કઈ નહીં ડોમિનોઝના પીઝા મંગાવી લઈએ પછી સ્ટેશન પર જઈને ખેતલાઆપાની ચા પી લઇશું" જયંતે આ સાથે જ ડોમિનોઝનો ચીઝ પીઝા મંગાવી લીધો.
માત્ર પંદર જ મિનિટમાં એ પીઝા આવી ગયો અને બને મિત્રો એ ઝાપટવા લાગ્યા, સરખે ભાગે ત્રણ - ત્રણ પીઝાના ટૂકડા વહેચી દીધા.
"જયંત હું ક્યારનો જોઈ રહ્યો છું સામે બેઠેલો પેલો છોકરો સતત આપણે પીઝા ખાતા જોઈ રહ્યો છે."
"કદાચ એને કંઈ ખાધું નહીં હોય." - મયંકે વળતો સૂર ઉમેર્યો,ત્યાં સુધી તો એ ભિખારી જેવો લાગતો છોકરો મયંકે અને જયંતે જ્યાં બાઈક ઊભી રાખી હતી ત્યાં આવી ગયો.
"સોરી દોસ્ત, પીઝાના છ ટૂકડા હતા અમે બંને એ ખાઈ ગયા, લાગે છે તે કંઈ ખાધું નથી આ લે પૈસા કંઈક ખાઈ લે કશે જઈને " - મયંકે તે છોકરાને પૈસા આપતા કહ્યું.
"ના ભાઈ, હું ભિખારી નથી અને મેં ખાઈ પણ લીધું છે. હું તો એ રાહ જોઈ રહ્યો છું પૂલ પર હવે અગિયાર વાગ્યા પછી ખાવા - પીવાવાળું કોઈ નહિ હોય, આમ પણ આજે ભીડ ઓછી હતી. તમે લોકો આ પૂંઠાનું ખોખું નાખો એટલે હું એ લઇને મારા ઘરે જતો રહીશ ."
"માત્ર પૂંઠાનું ખોખું લેવા માટે તું અહીં બેઠો હતો ?" મયંક અને જયંત એકસાથે બોલી ઉઠયા.
"હા, લોકો પૂલ પર બર્થડે ઉજવે કે આમ જ અવારનવાર આવા પુંઠાના અનેક ખાલી ખોખાં એમ જ ફેંકી દે છે. હું એ લઇ લઉં છું ને અમે એને પસ્તીમાં આપી દઈએ છીએ મારા માતા -પિતા સફાઈ કામદાર છે. અને આ ખોખું જ મારો પીઝાનો સાતમો ટૂકડો અને અમારી રોજગારી છે."
"સરસ , સોરી યાર તું અને તારા માતા-પિતા સાચે જ ખૂબ જ મહેનતનું કામ કરો છો. તમારા જેવા લોકોને પ્રતાપે જ અવારનવાર સૂરત શહેરનું નામ, સ્વચ્છ શહેર તરીકે આવતું રહે છે. આ લે તારું પૂઠાનું ખોખું." મયંકે કહ્યું અને એ સાથે જ તે છોકરો તો એ પૂંઠાનું ખોખું અને એનો ઝોલો જેમાં આવા અનેક ખોખાં હતા તે લઇ ને ચાલતો થયો. સાચે જ તેના મુખ પર પીઝાના સાતમાં ટૂકડા ખાધા જેવી ખુશી હતી.
સાચે જ શહેરની સ્વચ્છતા દરેક શહેરીની જવાદારી છે સાથે જ આપણા માટે તદ્દન ક્ષુલ્લક લાગતી વસ્તુ બીજા માટે રોજી - રોટીનું સાધન પણ હોય શકે છે.