ફટાફટ કોમેન્ટ કર
ફટાફટ કોમેન્ટ કર
આજે રવિવાર હતો. રજાનો દિવસ હોવાથી વ્યોમેશ સવારથી જ તેની સોશ્યલ મિડિયાની પોસ્ટને ચેક કરવામાં વ્યસ્ત હતો. એટલામાં તેની પત્ની રોમાએ આવી વહાલથી કહ્યું, “સાંભળો છો? આજે મારો જન્મદિવસ છે.”
કોમ્પ્યુટરમાં વ્યસ્ત વ્યોમેશ બોલ્યો, “તો?”
રોમાએ નિરાશાથી કહ્યું, “કંઈ નહીં.”
વ્યોમેશે હસતાંહસતાં કહ્યું, “ડાર્લિંગ, મજાક કરૂ છું, તને શું લાગ્યું હતું તારો જન્મદિવસ ભૂલી ગયો? અરે!
કાલે રાતે બરાબર બારના ટકોરે મેં તારી ફેસબુક વોલ પર “હેપ્પી બર્થ ડે ટુ યુ”ની પોસ્ટ મૂકી છે. કમાલ છે! તેં એ હજુસુધી એ ચેક નથી કરી?”
વર્ષગાંઠ નિમિત્તે સાથે હરવા ફરવા જતા તથા હોટેલમાં જમવા જતા એવી ભૂતકાળની મીઠી યાદો રોમાની આંખમાંથી અશ્રુ બની વહેવા માંડી. આંખમાં આવેલા અશ્રુને પાલવના છેડાથી તેણે લૂછતાં લૂછતાં કહ્યું, “પોસ્ટ મૂકવા બદ્દલ આભાર.”
વ્યોમેશે કોમ્પ્યુટરની સ્ક્રીન પર નજર જમાવી રાખતા કહ્યું, “એમ નહીં ડાર્લિંગ, ફેસબુકની મારી એ પોસ્ટ નીચે તું ફટાફટ તારા આભારની કોમેન્ટ કર…”