ફરજ કે કરજ - 5
ફરજ કે કરજ - 5


હોસ્પિટલમાંથી રજા લઈ ને અમે ઘરે આવ્યા. હવે તો એમ લાગતું હતું કે હું પાંગળી થઈ ગઈ છું. પતિના જવાથી અપંગ તો થઈ જ ગઈ હતી. વિનયની આ અચાનક અવસ્થા એ મને પાંગળી બનાવી દીધી. પણ હવે શું થાય. જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરે જ છૂટકો.
મારી દિનચર્યા હવે બદલાઈ. નોકરી તો બહુ પહેલાં જ પતી ગઈ હતી પરંતુ હવે જે નોકરી છે એતો આનાથી પણ અઘરી છે. મારી દિનચર્યામાં હવે વિનય પણ હતો. એને સવારે બ્રશથી લઈ ને રાતની દવા આપવા સુધીની જવાબદારી મારી હતી. શું સપનાં જોયા હતાં ને હકીકત શું હોય છે ? એ આજે સમજાયું. મનોમન રોજ ભગવાનને કહેતી કે વધારે કંઈ નથી જોઈતું બસ મારા વિનય પર રહેમ કરે અને એને સારું જીવન આપે.
અચાનક ચઢેલી વિચારોમાંથી બહાર આવી ને વિનય પાસે બેઠી. અને એનો હાથ મારા હાથમાં લઈને કહ્યું, ચલ હવે જલ્દી સાજો થઈ જા એટલે તારી બાઈક પર લોંગ ડ્રાઈવ પર જઈએ. કહેતો હતો ને માં હું તારા સિવાય કોઈને આ બાઈક પર નહિ બેસવા દઉં. .બોલી તો એ શકતો નહોતો પણ આંખમાંથી ખુશીનાં આંસુ ને આશાઓનો સમન્વય હતો. .હું જરા ગેસ બંધ કરી ને આવું..કહીને ત્યાંથી ઊભી થઈ ને રસોડામાં જઈ ને રડવા લાગી. સમજાતું નહોતું કે આગળ શું થશે ? ના કરે નારાયણ ને મને કંઈ થઈ ગયું તો વિનયનું કોણ ? પણ બસ મને એક ભગવાન પર એટલો ભરોસો હતો. કે જો એ દુ
ઃખ આપનાર છે તો એનું નિરાકરણ પર એ જ કરશે. ને દિવસો વીતાવતી ગઈ.
બેટા, આ છે મારી કહાની. પરિવારમાં હું ને મારો દીકરો. આ રહ્યો એનો ફોટો. જે ક્યારેય ઊભો નહિ થઈ શકે. કોઈ ચમત્કાર નહિ થાય અને તારા સવાલનો જવાબ હું આવા શરીરે કેમ આવી ?
જોઈને હું રડી પડી ને કહ્યું, ના માજી, ચમત્કાર તો થશે જ કેમ કે તમે જ મને કહ્યું હતું ને કે તારા સાથે વાત કરવાથી એક પોતીકાપણું લાગ્યું, તો આજે હું કંઈક કહેવા માંગુ છું. હું પણ એક છોકરાને પ્રેમ કરતી હતી અને એ મને. પણ અમે છૂટા પડી ગયા હતાં. એણે મને કહ્યું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ લગન નહિ કરું. હું મારા માતા પિતાનું એક જ સંતાન છું ને પ્રેમ લગ્ન કરીને હું એમનાથી અલગ થવા માંગતો નથી. કે ના હું તને આગળ કંઈ કહેવા માંગુ છું..આ વાર્તાલાપ સાથે અમે છૂટાં પડેલા. એ પછી અમે મળ્યા નથી એ વાત ને વરસો થઈ ગયાં. .પણ આજે લાગે છે મને મારો વિનય મળશે. .ને મેં માજીનો હાથ પકડ્યો. માજી ચોધાર આંસુ એ રડી પડ્યાં ને મને ગળે લગાવી ને બોલ્યા કે બેટા સાચે જ તું જે વિનય ને પ્રેમ કરે છે એ મારો વિનય જ છે ? મેં કીધું હા માજી, એ આપણો વિનય જ છે.
તમે તમારા દૂધનું કરજ ચૂકવ્યું ને હું મારા પ્રેમની ફરજ પૂરી કરીશ.
હું મારા વિનય સાથે પરણવા માંગુ છું.
પૂર્ણ