ફરી મળવું છે સારિકાને
ફરી મળવું છે સારિકાને


મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતું હતું. પણ સોહનને ક્યાં ખબર હતી કે એ કોઈ સાધારણ યુવતી ના હતી. અને થોડી વાર પછી એણે જોયું કે એ એની ગાડીની નજીક આવી રહી છે. સોહન આજે મરઘમાળ ગામે જઈ રહ્યો હતો, ત્યાં એના બાપ દાદાઓનું ઘર હતું અને આથી સોહનને ત્યાંનો વતની કહી શકાય. સોહન આજે લગભગ ચાર પાંચ વર્ષ પછી ત્યાં જઈ રહ્યો હતો. સોહનના પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે હાજરી આપવા એ જઈ રહ્યો હતો. એની મમ્મીએ એને કહ્યું હતું કે રાત્રે મોડું થાય એમ હોય તો સવારે આવજે પણ રાત્રિની મુસાફરી એકલા ના કરીશ. મરઘમાળ એ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું એક ગામ છે. પણ સોહન ક્યાં કોઈનું માને એમ હતો ! અમદાવાદમાં એમડી તરીકે કાર્યરત સોહન નીડર અને ખૂબ જ પ્રામાણિક હતો. હમેશાં જરૂરતમંદને મદદ કરવા એ તત્પર રહેતો. આથી જ એ આ અજાણી યુવતીને મદદ કરવાનું વિચારી રહ્યો હતો.
એ યુવતી સોહનની ગાડીની નજીક આવી અને સોહને ગાડીના કાચ નીચે ઉતાર્યા.
"હાય, માય નેમ ઇસ સારિકા.. કેન યુ પ્લીઝ હેલ્પ મી ?" એણે કહ્યું.
"સ્યોર, બટ હૂ વર ધે ? એન્ડ વોટ વોઝ ઓલ ધિસ ?" સોહને સ્વાભાવિકપણે પૂછ્યું
એ બોલી રહી, "હું તમને બધું સમજાવું છું રસ્તામાં, તમે મને પ્લીઝ મારા ઘરે છોડી દો."
સોહને કહ્યું, "ઠીક છે, બેસી જાઓ."
સારિકાએ સોહનનો આભાર માન્યો અને ગાડીમાં બેસી ગઈ. સોહને પૂછ્યું સારિકાને કે તે ક્યાં જઈ રહી છે ? અને આટલી રાતે તે એકલી શું કરી રહી છે ? સારિકાએ ખૂબ જ સહજતાથી કહ્યું કે એની કાર રસ્તામાં ખરાબ થઈ ગઈ અને એ ત્યાં ગામમાં મદદ માંગવા ગઈ. ત્યાં ગામલોકો કોઈક પ્રેત આત્માને આજે વશમાં કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા અને એ લોકો મને પ્રેત આત્મા સમજી બેઠા. કોઈક ભગતે એમને કહ્યું હતું કે આજે એ સફેદ વસ્ત્રમાં આવશે તમારા ગામમાં અને આજે મેં આ સફેદ મીડી પહેર્યું છે, તો...... આ સાંભળીને સોહન ખડખડાટ હસી પડ્યો. ખરા છે આ લોકો, આજે પણ ખબર નથી કઈ દુનિયામાં જીવી રહ્યા છે ? રસ્તામાં સારિકાએ સોહન સાથે ખૂબ વાતો કરી અને સોહનને કહ્યું ત્રણ દિવસ પછી એની બહેનના લગ્ન છે અને જરૂર આવજો. સોહને કહ્યું, "સોરી મારાથી આવી શકાય એમ નથી." મારે બીજા એક પ્રસંગમાં જવાનું છે. એટલામાં સારિકાનું ઘર આવી ગયું. સોહને જોયું કે મંડપ બંધાઈ ગયો હતો લગ્નનો અને સારિકાને ત્યાં છોડી દઈ એ પોતાના ગામમાં આવી ગયો. ત્યાં ગયાની સાથે જ એની મમ્મીએ પહેલાં તો એના કાન પકડ્યા, "તને ના પાડી હતી રાત્રે આવવાની, તો પણ કેમ આવ્યો?" આ જો તો રાત્રિના એક વાગ્યા છે, વલસાડ ઘરે આજનો દિવસ રોકાઈને કાલે ના અવાયું તારાથી ! સોહને પણ લાડ લડાવીને મમ્મીને મનાવી લીધી. એની મમ્મીએ પણ એને પૂછી જ લીધું કે એણે રસ્તામાં ગાડી ઉભી તો ના રાખી હતી ને ? કોઇની મદદ કરવા માટે ? સોહને ઘસીને ના પાડી દીધી કે એ તો સીધો અહી આવીને જ ઊભો રહ્યો છે. એની મમ્મી ખબર નહિ કેમ પણ સોહનની વાત ને ગળે ના ઉતારી શકી. પણ પછી ઘણું મોડું થઈ ગયું હોવાથી બધા સૂઈ ગયા.
પીઠી, મંડપ મુહુરત, ગ્રહ શાંતક, રાસ ગરબા બધી રસમમાં ક્યાં બે દિવસ પૂરા થઈ ગયા કોઈને ખબર જ ના પડી. સોહનની મમ્મી પણ ખૂબ જ ખુશ હતી. સોહન મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતો હોવાથી ઘણા વરસ પછી કોઈ સામાજિક પ્રસંગમાં આવ્યો હતો અને બધા સગા સંબંધીઓ સાથે હળી મળી ગયો હતો. હવે લગ્નનો દિવસ પણ આવી ગયો હતો અને સોહનના ભાઈએ એના જૂતાં પર નજર રાખવાની જવાબદારી એને આપી હતી. સોહન જ્યારે જાનૈયાઓ સાથે લગ્ન સ્થળ પર પહોંચ્યો તો જોયું કે આ તો સારિકાનું જ ઘર છે. એણે પોતાના નાના ભાઈને કહ્યું કે તે અહી આવી ચૂક્યો છે અને સારિકાને ઓળખે છે. એના ભાઈએ કહ્યું એને કે તું ઓળખતો હતો એને ? સોહને કહ્યું ઓળખતો નથી બસ થોડી જાન પહેચાન થઈ હતી. અને વાત બંને ભાઇઓની કઈ વધારે ના થઈ એ ટોપીક ઉપર. સોહને જોયું કે ભાઈની સાળીઓ ભાભી જેવી જ સુંદર હતી. પણ સારિકા ક્યાય દેખાઈ નહિ સોહનને !! બધી સાળીઓ ભાઈના જૂતાં લઈને ઘરમાં ગઈ અને સોહન પણ એમની પાછળ ગયો. જેવો એ ઘરમાં પ્રવેશ્યો કે એણે જોયું કે સારિકા. . . અને આગળ જોઈને એ બેભાન જ થઈ ગયો.
બધા સોહનના આમ બેભાન થઈ જવાથી એને ભાનમાં લાવવા માટેનાં પ્રયત્નો કરી રહ્યા હતા. મહા મહેનતે એ ભાનમાં આવ્યો અને થોડો ડરી ગયો હતો એ. સોહન અને એના માતા પિતા ઘરે આવી ગયાં અને થોડી વાર પછી ઘરનાં સભ્યો પણ નવી વહુ સાથે ઘરે આવી ગયાં. નવી વહુનું સ્વાગત કરીને બધા સહ પરિવાર વાતો કરવા બેઠાં. સોહન જ્યારે ઊંઘ આવે છે કહીને ત્યાથી જવા લાગ્યો ત્યારે એનો ભાઈ અને નવા ભાભી એની સાથે ગયાં. ભાભીનાં ઘરના સભ્યોએ એને જણાવ્યું હતું કે સોહન સારિકાને જોઈને બેભાન થયો હતો. સારિકાને નહીં પણ સારિકાના ફોટાને જોઈને !! જેની નીચે લખ્યું હતું સ્વ.કુ.સારિકા, તા.૧૧.૦૪.૨૦૧૭ !! આજથી ત્રણ વરસ પહેલાની તારીખ જોઈને હું બેભાન થઈ ગયો હતો, એમ સોહને ભારે હૃદયે જણાવ્યું. એણે ત્રણ દિવસ પહેલા બનેલી સઘળી હકીકત જણાવી. સાંભળીને એના ભાભી એક નિસાસો રાખીને રડવા લાગ્યાં. અને એમણે જણાવ્યું કે આજથી ત્રણ વરસ પહેલા સારિકા તમારી જેમ જ રાત્રે એકલી ઘરે આવવા માટે નીકળી હતી અને એનું કાર અકસ્માતમાં મોત થયું હતું. કેવી રીતે એ તો અમને નથી ખબર! પણ ત્યારથી કોઈ એ માર્ગ ઉપર રાત્રે મુસાફરી નથી કરતું.
આ સાંભળીને સોહન ફરીથી એક વાર એની કારની ચાવી લઈને આજે ફરીથી એકલો નીકળી ગયો. એ માર્ગ ઉપર મુસાફરી કરવા, સારિકાને આજે ફરી એકવાર મળવાના સંકલ્પ સાથે.