અચાનક ફરી થઈ ગયો પ્રેમ
અચાનક ફરી થઈ ગયો પ્રેમ
આજે ૮ વરસે શાલિનીએ ચિંતનને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતન ના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવાની તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતન ને જ્યારે કહ્યું કે મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્ય ને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ? અને શાલિની વિચારી રહી, એવું તો નથી.. એવું તો નથી શાલિની એ કહ્યું. હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલી ને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. . તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે. અને શાલિની એ બધી વાત ચિંતન ને જણાવી. ચિંતન એ માત્ર એટલું જ કહ્યું શાલિની ને " એમ અચાનક થાય નહીં પ્રેમ ! અચાનક કોઈને પહેલી નજરે જોયેલો પ્રેમ માત્ર આકર્ષણ હોય છે અને જો એ આજીવનનો સથવારો બને તો જ એ સાચો પ્રેમ કહેવાય. આ ટોપિક ઉપર આપણે આવતી કાલે ચર્ચા કરીશું, હમણાં સૂઈ જા પ્લીઝ." શાલિની ખૂબ સારી રીતે જાણતી હતી કે ચિંતન ત્વરિત નિર્ણય લેવામાં નથી માનતો આથી જ એણે એની વાતને એટલું મહત્વ ના આપતા વાતને નજર અંદાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વધારે વિચાર ના કરતાં શાલિનીએ સૂઈ જવાનું જ હિતાવહ સમજયું, બીજે દિવસે નીલની સ્કૂલ પણ ચાલુ હોઈ રાત્રિના ખોટા ઉજાગરા પરવડે એમ ના હતું. શાલિની તો સૂઈ ગઈ પણ ચિંતનની જાણે કે આજે ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. ચિંતન શાલિનીની ભૂતકાળની વાત સાંભળીને કોણ જાણે કેમ હલી ગયો હતો. શાલિનીએ તો પોતાનો ભૂતકાળ ચિંતન સામે ખુલ્લો મૂકી દીધો પણ ચિંતને તો ભૂતકાળથી લઈને વર્તમાન સુધી શાલિનીને છેતરી હતી.
ચિંતન દસ વરસ પહેલા જ્યારે કોલેજમાં હતો ત્યારથી એ નીલિમાના પ્રેમમાં છે. નીલિમા એટલે કે જાણે ચિંતનનું જીવવાનું કારણ. હર રોજ એને યાદ કરતો રહેતો અને એની યાદમાં નિસાસો નાખતો રહેતો. શાલિનીને પણ જાણ્યે અજાણ્યે નીલિમાના લીધે એના હ્રદયમાં એ સ્થાન આપી શક્યો ન હતો. આથી જ તો આજે એ એના જીવનમાં ખાલીપો અનુભવી રહી છે અને એને લાગે છે કે એનું કારણ એનો અતિત છે. પણ ચિંતન ના તો નીલિમાને એનાથી દૂર કરવામાં સફળ રહ્યો અને ના શાલિનીને પોતાની નજીક લાવી શક્યો. આણંદમાં રહેતાં ચિંતન અને શાલિની બંને ડોક્ટર છે, જોકે શાલિનીએ નીલના જન્મ બાદ ડોક્ટર તરીકેની સેવામાથી અંગત કારણોસર સ્વેચ્છાએ રાજીનામું મૂકી દીધું હતું. ચિંતને ત્યારે ઘણી ના પાડી હતી શાલિનીને પણ એ એકની બે ના થઈ તે ના જ થઈ. અને આ જ કદાચ કારણ હશે આજે આઠ વરસે એને એનો વીતી ચૂકેલો કાળ યાદ આવી ગયો. જો એવું હોય તો હું તો આખો દિવસ વ્યસ્ત રહું છું તો પણ
નીલિમાને ભૂલી નથી શક્યો, ચિંતન વિચારી રહ્યો. ચિંતન વિચારી રહ્યો કે એવું તે શું કારણ કે તેઓ બંને એક જ નાવમાં સવાર છતાં એમનું ધ્યાન બીજાની નાવ ઉપર જઈ રહ્યું છે. અને ઘણી મનમાં ઊથલ પાથલ મચાવ્યા બાદ એને એના બધા સવાલના જવાબ મળી ગયા અને શાલિનીના પણ !
બીજે દિવસે નીલ ને સ્કૂલમાં મોકલી દીધા પછી ચિંતન પણ ક્લિનિક પર જવા માટે નીકળી ગયો. ચિંતન તો જાણે કે કઈ બન્યું જ ના હોય એ રીતે વર્તન કરી રહ્યો હતો. પણ એક વાત આજે અલગ થઈ ચિંતનની વર્તણૂકમાં અને એ વાત એ હતી કે એ શાલિનીને ગળે મળીને ક્લિનિક ગયો આજે. શાલિનીને હળવેકથી કાનમાં કહી ગયો, "ધ્યાન રાખજે તારું તારા ચહેરાની મુસ્કાન એ જ હવે જીવન મારું". શાલિની તો ચિંતનમાં આવેલું આવું પરિવર્તન જોઈને તો ચોંકી જ ગઈ અને હસતા મોઢે એને જવાની પરવાનગી આપી. શાલિનીને એના બધા સવાલના જવાબ મળી ગયા હતા એને થયું કે ચિંતન ખૂબ જ સમજદાર છે અને એ નથી ઈચ્છતો કે એનો ભૂતકાળ એમના આવનારા ભવિષ્યને હાનિ પહોંચાડે ! જ્યારે કોઈના પ્રેમમાં પડ્યા પછી એની બધી જ વાતો આપણને ગમવા લાગે છે એ જ રીતે કોઇની સાથે રહીને પણ એની સાથે પ્રેમ થવા લાગે છે. બસ એનો અહેસાસ થવાનો બાકી રહી જાય છે કારણ કે એ આપણી સાથે ને સાથે જ હોય છે. આજે શાલિની અને ચિંતન સાથે કઈક આવું જ થયું હતું. લગ્નના આઠ વરસ એકબીજાની સાથે રહેવાના કારણે એક બીજાની જરૂરિયાત છે બંને એ તો જાણતા હતા પણ આ જ પ્રેમ છે એવું એ બંને ક્યાં માનતા હતા !.
બેઉની કહાની સરખી જ હતી, બેઉને કોઇકે ભૂતકાળમાં દગો આપ્યો હતો અને એ બંને એમનો પહેલો પ્રેમ ના ભૂલી શક્યા કારણ કે બંને પ્રેમમાં મળેલો એ વિશ્વાસઘાત ના જીરવી શક્યા. બંનેને યુવાનીમાં અચાનક પ્રેમ થઈ ગયો હતો અને એ પ્રેમ ના સચવાયો તો જાણે કે પ્રેમનું મહત્વ જ બંને જીવનમાં ભૂલવા જઈ રહ્યા હતા. ચિંતન આજે સાંજે જલ્દી ઘરે આવી ગયો અને શાલિની માટે એક ગિફ્ટ લઈ આવ્યો. શાલિનીને કાનમાં અવનવા ઈયરિંગ પહેરવાનો ખૂબ જ શોખ હતો. શાલિનીએ જોયું કે તે ખૂબ જ સરસ હતા અને હાર્ટ શેપના હતા એ, પણ હાર્ટ એમાં તૂટેલું હતું બંનેમાં. શાલિનીએ પૂછ્યું ચિંતનને, "કેમ તમે આ જ લાવ્યા ? કઇંક કહેવા માંગો છો મને ?" ચિંતન બસ જોઈ રહ્યો એને. વગર કહ્યે સમજી જતી એની પત્ની શાલિનીને. એણે બસ એને ઈયરીંગ પહેરાવતા એટલું જ કહ્યું, "ભૂતકાળ તારો પણ છે અને મારો પણ છે. તારું પણ દિલ કોઈએ તોડ્યું છે અને મારું પણ. હવે આપણે આ તૂટેલા હદયને જોડીને એક પ્રેમરૂપી ભવિષ્યનું નવું સંપૂર્ણ હદય બનાવવાનું છે. એમ હું કહેવા માંગુ છું." શાલિની તો ચિંતનની વાતો સાંભળીને બસ ભેટી જ પડી અને આજે એને અચાનક ફરી થઈ ગયો પ્રેમ.!"