Nehal Patel

Inspirational

4.5  

Nehal Patel

Inspirational

સોશિયલ ફેમ

સોશિયલ ફેમ

6 mins
203


હવે તો મિતાલી અને મોબાઈલ એકમેકના પર્યાય બની ગયા. સામાન્ય પરિવારમાં જન્મેલી મિતાલીને સોશિયલ મીડિયાએ પાંખો આપી. શહેરની હોસ્ટેલની હવાએ એની પાંખોને ઉડાન આપી. રજાના દિવસોમાં એ જ્યારે ઘરે આવે ત્યારે એ અને એનો મોબાઈલ. એની મોટી બહેન ક્યારેક ટોકે પણ ખરા કે, "શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે ? થોડાક દિવસ આવી છે તો મોબાઈલ મૂકી અમારી સાથે સમય વિતાવ." મિતાલીને આ ના ગમે. એ તરતજ જવાબ આપે, "તને ના ખબર પડે, અમારે તો બધું મોબાઈલમાં જ ભણવાનું હોય અને સર્ચ કરવાનું હોય. હું મારું જ કામ કરું છું" એની મમ્મી એની મોટી બહેનને કહેતી, "અઠવાડિયા માટે આવી છે તો શું કરવા ટોકે છે ?" મમ્મીના આ શબ્દો એને બળ પૂરું પાડતા અને એ બમણા વેગથી એના મોબાઈલને આલિંગન આપી પોતાના કામમાં વ્યસ્ત થતી. શેમાં વ્યસ્ત થતી એ રામ જાણે.


એક દિવસ એવું બન્યું કે મિતાલી ઘરેથી હોસ્ટેલ જવા રવાના થઈ. સાંજે એની હોસ્ટેલમાંથી એના ઘરે ફોન આવ્યો કે મિતાલી કેમ આજે હોસ્ટેલ પરત નથી આવી ?

મનાલીએ ફોન ઉપાડ્યો હતો, મનાલી એટલે કે મિતાલીની મોટી બહેન. ફોન મૂકતાંની સાથે જ એને થયું કે નક્કી કોઈ છોકરા સાથે કશે ફરવા નીકળી ગઈ હશે. આખો દિવસ કોઈ મોબાઈલમાં એમજ તો ના લાગી રહે ! મિતાલીના માતા પિતા તો ખૂબ ગભરાઈ ગયા. સાંજ થઈ ગઈ અને મિતાલી હોસ્ટેલ કેમ નહીં પોહચી હશે ! મનમાં જાતજાતની શંકા કુશંકાની લહેરો ઉઠવા લાગી હતી. એના પપ્પાએ મિતાલીના મોબાઈલ પર ફોન લગાવ્યો. સામે છેડે મિતાલીએ ફોન ઉપાડ્યો ! એણે વાત કરી કે એની બહેનપણીને ઘેર આજે રોકાઈ ગઈ છે. કાલે સવારે ગુજરાત ક્વીન ટ્રેનમાં બંને સાથે વડોદરાથી અમદાવાદ જવા માટે નીકળી જશે. હું ફોન કરવાની જ હતી પણ એટલામાં તમારો જ ફોન આવી ગયો ! અને કાલીઘેલી ભાષામાં એ માફી માંગવા લાગી. બીજી વાર આવું ના થાય એનું ધ્યાન રાખવાની કડક સૂચના આપી ફોન મિતાલીના મમ્મીને પકડાવી દેવામાં આવ્યો. મિતાલીની મમ્મી તો અત્યંત ગળ ગળી થઈ ગઈ હતી કે દીકરી સુરક્ષિત તો છે, શું શું વિચારીને પાગલ થઇ ગયા હતાં બધા સભ્યો ! જેમ તેમ બધું થાળે પડ્યું..

મમ્મી પપ્પા તો ભગવાનનો આભાર માનીને નિશ્ચિંત થઈ ગયા. પણ મનાલીને આ લાપરવાહી પસંદ ના આવી. એણે કહ્યું એ ખરું એના મમ્મીને, પણ હંમેશની જેમ એના મમ્મી એ કહી દીધું, "અમદાવાદ સુધી એકલી ગઈ છે મારી દીકરી, ભણવા માટે. મારે એના પર કોઈ દબાણ નથી આપવું. ત્યાં શું ખાવાનું ખાતી હશે એ ? કોઈ ધ્યાન રાખવા વાળું પણ નથી ત્યાં !" મનાલી એ કહ્યું, "નાની કિકલી નથી તારી દીકરી. ૨૨ વર્ષની થઈ ગઈ છે. અને મગ ને પગ ઊગવા લાગ્યા છે હવે ! આ મિતાલી જોજે તને કોઈ મુસીબતમાં ના મૂકી દે." એના મમ્મીએ મનાલીને ખૂબ ઠપકો આપ્યો પોતાની બહેન માટે આમ કહેવા બદલ. પણ મનાલી આમ માની જાય એમ ના હતી. રાત્રે એ પણ લેપટોપ લઈને બેઠી. મનાલી મિતાલી કરતાં ૨ વર્ષ મોટી હતી અને એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરી રહી હતી. નાનપણથી બંને બહેનો સુરતમાં જ મોટી થઈ હતી. મનાલી ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી એને સુરતની કૉલેજમાંજ પ્રવેશ મળી ગયો હતો. આથી એણે ઘરથી દૂર જવાનો વારો ના આવ્યો હતો. અને આ મિતાલી એમ. એ. પછી બી.એડ. કરવા માટે અમદાવાદ ગઈ હતી. 

મનાલી પણ આજે ઘણાં સમય પછી પોતાના સોશીયલ એકાઉન્ટ ચેક કરવા બેઠી. કોણ જાણે કેટલી ફ્રેંડ રિકવેસ્ટ પેન્ડિંગ હતી. અને કેટલાયે મેસેજ પડ્યા હતા. એ બધા ઉપર ધ્યાન ના આપતાં એ મિતાલીનું એકાઉન્ટ ચેક કરવા બેઠી. અને આ શું ! ૩૦૦૦ ઉપર મિત્રો છે એના. પછી જોયું તો શું ! દર બીજે દિવસે ફોટાઓ મૂકતી અને બધા એના ફોટા ઉપર જાત જાતની કોમેંટ્સ મોકલતા અને લાઇકસ પણ એટલી જ ! બસ આ જ મિતાલીનું જાણે કે રૂટિન બની ગયું હતું. ફોટા મૂકો, વિડિયો મૂકો અને લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવો. મનાલીએ એનું ફ્રેન્ડ લીસ્ટ ચેક કર્યું તો એમાં લગભગ ૮૫ % તો છોકરાઓ જ હતા ! બીજે દિવસે સવારે મિતાલીને ફોન કરીને ખખડાવી નાંખીશ એવું મનમાં નક્કી કરી એ પણ સૂઈ ગઇ. 

બીજે દિવસે સાંજે નિરાંતે મનાલીએ ફોન કર્યો મિતાલીને અને સમજાવાની પૂરી કોશિશ કરી. પણ મિતાલીએ તો એની વાતોને જાણે કે ઉડાવી જ દીધી. તું સોફ્ટવેર એન્જિનિયર છે પણ આ સોશીયલ નેટવર્કિંગ તારા માટે નથી એટલે તને સમજ ના પડે ! અને વળી મમ્મીને ફરિયાદ કરી દીધી મિતાલીએ કે દીદી મને વાંચવા નથી દેતી અને ખોટી હેરાન કરે છે. પાછો આજે મનાલીને ઠપકો સાંભળવા મળ્યો ! મનાલી સમજી ગઈ કે આ એમ આસાનીથી સમજે એમ નથી, કોઈ દિવસ કોઈ હેરાન કરશે ત્યારે ખબર પડશે. પછી એ પણ પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગઈ.

આ બાજુ મિતાલી પોતાની સોશીયલ સાઈટ ઉપર ફેમસ થવા માટે જાત જાતના ગતકડા કરતી રહી. એણે જોયું કે કોઈ રાહુલના એની ઉપર રોજ મેસેજ આવે છે અને એની કોમેન્ટ પણ સૌથી પેહલા આવે છે. ધીમે ધીમે મિતાલી પણ એની સાથે વાતો કરવા લાગી. રાતે મોડે સુધી વાતો કરતી રહેતી એ રાહુલ સાથે ! લગભગ બે એક અઠવાડિયા સુધી વાતો કર્યા પછી રાહુલ મિતાલીને મળવાની જીદ કરવા લાગ્યો. મિતાલી એ જોયું કે રાહુલ એકદમ સાધારણ દેખાવ ધરાવે છે અને એણે માત્ર એનો પ્રોફાઈલ પિક જ સારો મૂક્યો હતો. બાકી બધા ફોટામાં એ ખૂબ જ સામાન્ય લાગ્યો એને. મિતાલીએ એને મળવાની ના પાડી દીધી. પણ રાહુલ ખૂબ જ જીદ ઉપર ચઢ્યો હતો કે એણે મળવું જ છે મિતાલીને અને એ એક નો બે ના થયો. મિતાલી એ એને બ્લોક કરી દીધો એને એમ કે એની સમસ્યાનું નિવારણ થઈ ગયું. અને હવે એ પરીક્ષાઓની તૈયારી કરવા લાગી.

પણ આ શું ! ૩ દિવસ બાદ રાહુલનો મિતાલીના વોટ્સ એપ પર મેસેજ આવ્યો ! મિતાલી તો ચોંકી જ ગઈ એને નંબર કોણે આપ્યો હશે. પછી જોયું કે એણે સિકયુરિટીના રાખી હતી અને પોતાનો મોબાઈલ નંબર પણ ત્યાં મૂક્યો હતો અને રાહુલે ત્યાંથી નંબર લઈને મેસેજ કર્યો હતો મિતાલીને. હવે એ મિતાલીને બ્લેક મેઈલ કરવા લાગ્યો હતો કે જો એ મિત્રતા તોડવાનું નામ લેશે તો એ એમના વચ્ચે થયેલી વાતો લીક કરી દેશે. મિતાલી તો આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ. એને તો સમજ ના પડી શું કરવું તે ! ઘણું વિચાર્યા બાદ એણે એની મોટી બહેન મનાલીને ફોન કર્યો. મનાલીએ બધી વાત શાંતિથી સાંભળ્યા બાદ રાહુલનો નંબર માંગ્યો અને મિતાલીને કહ્યું એ વાત કરી લેશે રાહુલ સાથે. તું પરીક્ષાની તૈયારી ચાલુ રાખજે. હવે પરીક્ષામાં માત્ર બે મહિના જ છે અને તું આ સોશીયલ સાઈટ હમણાં બંધ રાખજે. મિતાલીને તો જાણે કે જીવમાં જીવ આવ્યો. જે બહેનને એ હંમેશા અવગણતી એ બહેન જ આજે એનો સહારો બની.

બે મહિના પછી મિતાલી પોતાનો અભ્યાસ પૂરો કરીને ઘરે આવી. અને મનાલીને ભેટી પડી અને હવે એ મોબાઈલનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરતી હતી. એક દિવસે મિતાલી એ પૂછ્યું મનાલીને, કે એણે રાહુલને એવું તો શું કહ્યું કે એ સીધો થઈ ગયો ! મનાલીએ એને સઘળી વાત જણાવી કે એ રાહુલ એનો સહ કર્મચારી છે અને એણે એની મદદ કરી હતી તને આ સોશીયલ સાઇટમાં જે રિસ્ક રહેલા હોય છે એના વિશે જણાવવાની ! મનાલી એ માફી માંગી કે એણે આવું પગલું ભર્યું પોતાની બહેનને સમજાવવા માટે. પણ મિતાલી તો ખૂબ જ ખુશ થઈ ગઈ કે એની સાથે કંઈ પણ થઈ શક્યું હોત જો એ સમય ઉપર સાવચેત ના થાત તો. મનાલીને આજ વાત ઉપર એક રમૂજ સુઝ પડી અને પછી બંને બહેનો એક બીજાને ભેટી પડી, "ઘી કોઈ વાર સીધી આંગળીથી ના નીકળે તો આંગળી વાંકી ના કરવી, પણ ઘીનો ડબ્બો થોડો ગરમ કરી લેવો !"


Rate this content
Log in