યાદગાર યાદેં
યાદગાર યાદેં


"ગુડ મોર્નિંગ, નમ્રતા" વહેલી સવારના મેથ્સ અને સાયન્સના ટ્યુશનમાં ખ્યાતિએ નમ્રતાને રોજની જેમ વિશ કર્યું. ટ્યુશન ક્લાસ શરૂ થવાને હજી ૧૦ મિનિટની વાર હતી. હજી નેહલ કેમ નથી આવી આજે ? ખ્યાતિ એ નમ્રતાને સવાલ હજી કર્યો જ અને નેહલ આવી ગઈ.
"શું વાત છે ?" આજે હું લેટ થઈ ગઈ ! નેહલે પોતાની સ્કુટી પાર્ક કરતા કહ્યું.
ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ત્રણ બહેનપણી ખ્યાતિ, નમ્રતા અને નેહલની ત્રિપુટીની છાપ જ કંઈ અલગ હતી. ત્રણેય દેખાવડી, ગોરી અને એટલી જ હોશિયાર ભણવામાં. . સાથે મસ્તીખોર પણ એટલી જ. સ્કૂલમાં તો યુનિફોર્મ પહેરવા સિવાય છૂટકોજ નહિ, એટલે તેઓ ટ્યુશનમાં ફેશનેબલ કપડાં પહેરવાનો શોખ પૂરો કરી લેતી હતી. "ભણવા આવે કે ફેશન શૉમાં તે જ ખબર ના પડે" એવી કમેન્ટ કરવાવાળા ચશ્મીશ મયુરને તો બરાબર સીધો કર્યો હતો. આજ પછી જો તારા કામ સાથે કામ ના રાખે તો ડબલ ચશ્મા લગાવવા પડશે તારે એવી વોરનિંગ આપી હતી ત્રિપુટી એ.
એક દિવસે ત્રણેય વાતો કરી રહી હતી, કે યાર "તીન તિગડા તો કામ બિગડા" એવી આપણી લોકવાયકા છે. આપણી દોસ્તી હમેશા આવીજ અકબંધ રહેશે ને ? પણ હમેશા અપડેટ રહેતી નેહલ એ કહ્યું, નવી વાયકા પ્રમાણે "તીન તિગડા તો કામ તગડા" આથી આપણે કોઈ પણ જરૂરી એવું કામ સાથે જ કરીશું, એવી કોઈ ખોટી વાયકામાં નથી દોરાવું આપણે, ઓકે ? ઓકે. કરતી ત્રણેય સખી એ હમેશાં સાથે રહેવાનું વચન આપ્યું એક બીજાને.
દસ મિનિટની વાર હતી ટ્યુશન શરૂ થવાને. ખ્યાતિ એ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા કે કાલે ૨૭, જૂન, ૨૦૦૧ છે અને "યાદે" ફિલ્મ રિલીઝ થાય છે. ઋત્વિક રોશન મારો ફેવરીટ છે અને મારે કોઈ પણ હિસાબે એ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવી છે. ટ્યુશન પતે એટલે નક્કી કરીશું બધું.
ટ્યુશન પછી ભેગા થયા ત્રણેય, નેહલ થોડી ખચકાઈ રહી હતી. ઘરેથી કદાચ ફિલ્મ જોવાની પરવાનગી ના મળશે. તે પણ સ્કૂલમાં રજા પાડીને તો નાજ મળે. અને ઘરે તો એસ.એસ.સી. બોર્ડની તૈયારી કરવાની હોય ટી.વી. પણ બંધ હતું. નેહલ કોઈ પણ હિસાબે સ્કૂલમાં રજા પાડવા તૈયાર ના હતી. આપણે રવિવારે ફિલ્મ જોવા જઈએ તો ? પ્રસ્તાવ મૂકી જોયો એણે, પણ ખ્યાતિની જીદ હતી કાલે એટલે બસ કાલે જ જવું. બધા એ પોત પોતાની ઘરે કેવી રીતે પરવાનગી લેવી એ વિચારી લેવું. ખ્યાતિનો ઋત્વિક ફેવરીટ હતો તો નેહલની કરીના કપૂર. ત્રણેય એ ઘરે કાલાવાલા કર્યા કે બસ એક દિવસ અમને પરવાનગી આપો પછી અમે આખું વરસ સખત મહેનત કરીશું અને બધું ધ્યાન ભણવામાં જ આપીશું. માતા પિતા એ પણ ટ્યુશનના કારણે વેકેશન પણ નથી લીધું દીકરીઓએ એમ વિચારી પરવાનગી આપી ફિલ્મ જોવાની.
વલસાડમાં ત્યારે એક માત્ર સારું થ
િયેટર હતું "ડ્રીમલેન્ડ થિયેટર" બધા એ નમ્રતાની ઘરે ભેગા થઈ પછી એની મોપેડ પર જવાનું નક્કી કર્યું હતું. એમ તો વેહલી સવારે ટ્રાફિક પોલીસ ના હોય એટલે ટ્યુશન પૂરતી મોપેડ વાપરતી હતી નમ્રતા અને નેહલ. પણ આ ૧૨થી ૩ ના શૉમાં જવાનું હતું અને તે પણ ટ્રાફિક સિગ્નલવાળા મુખ્ય ચાર રસ્તા પસાર કરીને. નક્કી કરવામાં આવ્યું કે ક્રોસિંગ પાસે એક જણે ઉતરી જવું જેથી પોલીસની નજરમાં ના અવાય. પણ ફૂટી કિસ્મત. . ટ્રાફિક પોલીસે પકડી પાડયા એમને. મોપેડ સાઈડ પર કરાવી ચાવી લઈ લીધી. નેહલ તો હાર માની ગઈ હતી, મોપેડ એ ચલાવતી હતી અને પોલીસે કહી દીધું, "તારા કરતાં તો આ મોપેડનું વજન વધારે છે એક તો, વાલીને લઇ આવી તમારું મોપેડ લઈ જજો." પણ નમ્રતાનો સ્વીટ સ્વભાવ કામ આવી ગયો. એણે પોલીસને ખૂબ મસ્કા માર્યા, અંકલ પ્લીઝ પ્લીઝ જવા દો. હવે ક્યારેય નઈ ચલાવીશું સ્કૂટર. નમ્રતાની અરજમાં એવું તો ભોળપણ અને સચ્ચાઈ હતી કે પોલીસ પીગળી ગયા અને એમને જવા દીધા.
પછી સખીઓ ફિલ્મ જોવા ગઈ. પહેલી વખત દોસ્તો સાથે ફિલ્મ જોવાનો કંઇક અનેરો જ આનંદ હતો. અને એમાંય સુભાષ ઘાઈના સુમધુર ગીતો. ફિલ્મ ખૂબ જ માણી એમણે. "બાતેં ભૂલ જાતી હૈ, યાદે યાદ આતી હૈ" આ ગીત પાછળ તો ગાંડી થઈ ગઈ ત્રણેય પાગલ. ફિલ્મ જોઈ પછી તિથલ દરિયા કિનારે ફરવા ગઈ ઇના, મીના, ડિકા. . કુદરતને માણી રહી અને બસ નિરાંત થઈ ગઈ હતી મનમાં એક પ્રકારની. આજનો દિવસ ખૂબ યાદગાર હતો એમના માટે.
બીજા દિવસે સ્કૂલમાં શિક્ષકગણને ખબર પડી ગઈ હતી કે વિદ્યાર્થીઓ શાળામાં રજા પાડીને ફિલ્મ જોવા જાય છે. કારણ કે એક બીજી શાળાના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરીનેજ ફિલ્મ જોવા ગયા હતા. જેથી એમના ક્લાસ ટીચરને પણ એવું લાગ્યું કે આ ખ્યાતિ, નેહલ અને નમ્રતા પણ ઘરે જણાવ્યા વગર ફિલ્મ જોવા ગઈ છે. મંજુલા ટીચર કે જે એમના ક્લાસ ટીચર હતા એમણે ખૂબ ખખડાવી નાખ્યા ત્રણેયને. અને કહ્યું કે તમારા વાલીઓને ફરિયાદ કરીશ હું. નેહલ એ હિંમત કરીને ટીચરને જવાબ આપ્યો કે ટીચર અમે ઘરેથી પરવાનગી લઇને ગયા હતા. અને આજ પછી અમે ક્યારેય સ્કૂલમાં રજા નહિ પાડીશું. પ્લીઝ અમને માફ કરી દો. ટીચર ને પણ હાશકારો થયો કે છોકરીઓ સમજદાર તો છે જે પણ કાર્ય કરે તે ઘરે જણાવીને કરે છે. બીજી વખત એવું ના થાય એની તકેદારી રાખવાનું જણાવી સમાજવિદ્યાનું પ્રકરણ શરૂ થયું ક્લાસમાં.
આ બાજુ ખ્યાતિ, નમ્રતા અને નેહલ પણ બધું ધ્યાન અભ્યાસ પર જ આપી રહી હતી હવે. અને દસમા ધોરણની પરીક્ષામાં સારા એવા ગુણ સાથે પાસ થઈ. અને આગળ પણ ભણી ગણીને ખ્યાતિ ઇન્ટર્ન સી.એ. બની, નમ્રતા કેશિયર અને નેહલ એક બેંકમાં ક્લાર્ક. ત્રણેયને આજે પણ એ દિવસ ખૂબ જ યાદગાર છે..