આખરી નિર્ણય મારો
આખરી નિર્ણય મારો
એચ.એસ.સી. માં માંડ ૬૫% આવ્યા. હવે શું કરવું ? એડમિશન શેમાં લેવું ? નિરાલીના માતા પિતા ખૂબ ચિંતિત હતા. આટલી હોશિયાર દીકરી હતી અને આખું વરસ કંઈ મેહનત ના કરી. અને અંતે આ પરિણામ આવ્યું. પ્રશાંતભાઈ યાદ કરી રહ્યા, જ્યારે હું વાંચવા માટે કહેતો તો પુસ્તકો ફેંકી દેતી નિરાલી. ખબર નહીં આ બાળકોને ટીનેજમાં શું થઈ જતું હોય છે ? હું ડોક્ટરના બની શક્યો પણ મારી દીકરીને ડોક્ટર બનાવવી છે મારે. એવા નિરાલીના નાનપણ થી સપના સેવ્યા હતા પ્રશાંતભાઈએ. ૨૦૦૪નું એ વર્ષ, વાલીઓમાં પણ જાણે કે કારકિર્દી એટલે માત્ર બસ "ડોક્ટર" મારી ઈચ્છાઓનું શું ? આ બાજુ નિરાલીના મનમાં કંઈ બીજી જ ઈચ્છાઓ હતી. પણ તે પૂરી ના થઈ તે નાજ થઈ.
મારે નથી લેવું સાયન્સમાં એડમીશન. મારે કોમર્સ લાઈનમાં જવું છે. મમ્મી પ્લીઝ તમે સમજાવોને પપ્પાને. દસમા ધોરણ પછી કોમર્સમાં જવું હતું નિરાલીએ સી.એ.બનવું હતું. નિરાલીને ૮૫% આવ્યા હતા એના ધોરણ ૧૦માં. કમને નિરાલી ૧૧ સાયન્સમાં ગઈ. ઈચ્છા વિરુદ્ધનું ભણવામાં જરાયે મન લાગતું નહીં. નિરાલીને અંકો ગમતા, ગણિત વિષય એનો પ્રિય વિષય હતો. આ બાયોલોજી, ફિઝિક્સ, જરાયે ગમતું નહીં. એની ખાસ બહેનપણી ભૂમિકા અને એ છૂટા પડી ગયા. ધોરણ ૧૧માં બંનેને અલગ ક્લાસમાં પ્રવેશ મળ્યો હતો.
નવા ક્લાસમાં એની કોઈ ખાસ બહેનપણી હતી નહીં. સ્કૂલ જવું જ એને કાંટાળા જનક લાગતું. એક બાજુ બીજી સ્કૂલમાંથી આવેલી હેતલ, એની પણ એવી જ હાલત હતી. હેતલ અને નિરાલી સાથે એક બેન્ચ પર મળ્યા પહેલા દિવસે. અને થોડા દિવસ પછી નેહા આવી બીજી સ્કૂલમાંથી. ત્રણેયની દોસ્તી થઈ ગઈ. હેતલ અને નેહા ખૂબ જ પરિપક્વ અને પ્રેમાળ સ્વભાવની હતી. છેલ્લે નિરાલી એ સાયન્સ સ્ટ્રીમ સ્વીકારી લીધું. પણ સિલેબસ એટલો કંટાળાજનક કે નિરાલીને વારેવારે કંટાળો આવી જતો. બસ હું નાપાસ જ થઈશ એ જ એના જીવનનું લક્ષ્ય હતું. પણ એમના ટ્યુશન શિક્ષક "નરેશ સિંધી" એમનાથી ખૂબ પ્રભાવિત થઈ હતી નિરાલી. અને ધોરણ ૧૨માં પરીક્ષા પેહલા માત્ર ૧૫ દિવસ બાકી હતા ત્યારે એની આંખ ઊઘડી. અને પરીક્ષાની તૈયારીમાં જોતરાઈ ગઈ. છેલ્લી ઘડીની તૈયારી અને વધુ માં કેમિસ્ટ્રીનું પેપર તો એટલું ખરાબ ગયું કે એમાં તો હું ચોખ્ખી નાપાસ એમ માની લીધું નિરાલીએ.
પણ આ શું ? પાસ થઈ ગઈ નિરાલી. માતા પિતા એ પણ આશ્વાસન આપ્યું ત્યાર બાદ ચાલો પાસ તો થઇ ગઇ. વરસના બગડ્યું બહુ થયું. હવે બસ પી. ટી. સી.માં મૂકી દઈએ અને ૨ વરસમાં દીકરી શિક્ષિકા બની જાય એટલે આપડી જવાબદારી પૂરી. એવું આયોજન હતું મમ્મી પપ્પાના મનમાં. નિરાલીની ઈચ્છા હતી કે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો અને એમાં આગળ વધવું. ઘણા ધમ પછાડા કર્યા પણ સફળ ના થઈ એમાં. અને અંતે રડીરડીને પી.ટી.સી.માં ગઈ. ત્યાં પણ ૨ વરસ બધાને ખૂબ હેરાન કર્યા. અધ્યાપકને પણ ખૂબ હેરાન કરતી નિરાલી. પણ મનોવિજ્ઞાનના અધ્યાપિકા પ્રતિમાબહેન માટે નિરાલી એક પડકાર હતી. એમને બરાબર ખબર હતી કે આ છોકરી ખૂબજ તેજસ્વી છે. એ એમને વારંવાર પ્રોત્સાહન આપતા એને આગળ વધવામાં મદદ કરતા. બધી જવાબદારીઓ પણ આપતા. પહેલું અઠવાડિયું હતું હોસ્ટેલમાં. રૂમમાં જે છોકરીઓ હતી બધાને પોત પોતાના કંઈ ને કંઈ પ્રોબ્લેમ હતા, પણ એ બધા જ પોતાની મેળે એડજેસ્ટ કરી રહ્યા હતા.
પ્રશાંતભાઈ અને વાસંતીબેન દર અઠવાડિયે જતા નિરાલીને મળવા. નિરાલીની શરત હતી દર અઠવાડિયે આવવું જ પડશે તો જ હું અહીં રહીશ. ઘર અને હોસ્ટેલ વચ્ચેનું અંતર ૨૫ કિમી હતું એટલે માતાપિતા મળવા આવી જતા હતા. કોઈ પણ હિસાબે દીકરીની કારકિર્દી બગડે નહીં એ માટે પૂરતા મક્કમ હતા બંને. જોત જોતામાં પરીક્ષા આવી ગઈ પેહલા વરસની અને નિરાલીને ટાઇફોઇડ થઈ ગયો. દાખલ કરવામાં આવી હોસ્પિટલમાં એને હાથમાં ઇંજેક્શન ની સોય લઈને નિરાલી એ પરીક્ષા આપી. અને ૩૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે એનો દ્વિતિય ક્રમાંક આવ્યો. પ્રતિમાબહેને નિરાલીની હિંમતની દાદ આપી. અને આ રીતે બીજુ વરસ પણ પૂર્ણ થયું
. બીજા વરસમાં પણ નિરાલી સારા એવા ૮૫% સાથે ઉત્તીર્ણ થઈ અને બીજા નંબરે આવી.
હવે પી.ટી.સી.નો છેલ્લો દિવસ હતો. નિરાલીને પોતાનું ભવિષ્ય એક શિક્ષિકા તરીકે કેમેય કરીને દેખાતું નહીં. મનમાં ગાંઠ વાળી કે થાય એ આ અઢી હજાર વાળી વિદ્યાસહાયકની નોકરી તો હું નાજ કરું. હવે ઘરે આવી ગઈ. નિરાલી ૨ વરસ પછી. થોડા દિવસ તો નાની બહેન સ્વીટી સાથે વાતો કરવામાં જ ગયા. ૨ વરસ ઘરથી દૂર રહેવાનું ખૂબ દુઃખ હતું નિરાલીને. હવે બધા બી.એસ.સી.માં પ્રવેશ લેવાની સલાહ આપી રહ્યા હતા. પણ પ્રશાંતભાઈ એ એમ માને શેના. કૉલેજ માં પ્રવેશ લો તો બધા પ્રમાણપત્ર ત્યાં જમા કરાવવા માટે તૈયાર ના હતા પ્રશાંતભાઈ. ગમે ત્યારે જાહેરાત પડી જાય અને પ્રમાણપત્ર લેવામાં દોડધામ કરવા માટે તૈયાર ના હતા પ્રશાંતભાઈ. અહીં પણ નિરાલી એ જતું કરવું પડ્યું અને છેલ્લે એમને મનાવ્યા બી.એ.માં પ્રવેશ લેશે એક્સટેરનલ વિદ્યાર્થી તરીકે, જેથી માત્ર પરીક્ષા આપવા જ જવું પડે. આ સાથે કમ્પ્યુટર ક્લાસ પણ કરી આવી નિરાલી. અને કારકિર્દીના બીજા વિકલ્પો શું છે એ વિચારતી રહી અને એના પર પ્લાન બનાવી રહી. જોયું એણે કે બેંકની પરીક્ષા ત્યારે ધોરણ ૧૨ પાસ હોય એવા ઉમેદવાર આપી શકે છે. સાથે સાથે એમાં પણ એ ઉમેદવારી કરતી રહી. ૨૦૦૭નું એ વરસ નિરાલીના માતા પિતા માટે એ એક શિક્ષિત બેરોજગાર હતી. અને નિરાલીના મતે એ કંઈ હજી ભણી જ શકી હતી. વિદ્યાસહાયકની જાહેરાત પડી ૨૦૦૭ જૂન મહિનામાં. વલસાડ જે નીરાલીનું શહેર હતું, જ્યાં એ નાનપણથી મોટી થઈ હતી. તે જ જિલ્લામાં હું આવેદન કરીશ એ માટે મક્કમ હતી એ. જ્યારે પ્રશાંતભાઈ કહેતા ભરૂચ જિલ્લામાં આવેદન કરવું નિરાલી એ. નિરાલીના બારમા ધોરણમાં ઓછા ટકા હોવાથી પ્રશાંતભાઈ ભરૂચ જિલ્લાનો આગ્રહ રાખી રહ્યા હતા કારણ કે મેરીટમાં બારમા ધોરણ ની ટકાવારી પણ ગણાતી હતી.
પણ આ વખતે નિરાલી એકની બે ના થઈ તે ના જ થઈ. હું ૨૫૦૦ માટે ભરૂચ સુધી ના જાઉં તે ના જ જાઉં. જીદ પકડી હતી એણે. કયાર સુધી હું તમારી જ વાત માનીશ ? કહી દીધું હતું એને માતા પિતાને. અને પરિણામ શું આવ્યું ? નોકરી ના મળી નિરાલીને તે વરસે. ૨ અઠવાડિયા સુધી વાત ના કરી પ્રશાંતભાઈ એ. છેલ્લે જ્યારે એક બેન્કની પરીક્ષા આપી હતી નિરાલીએ તેના ઈન્ટરવ્યુ માટે લેટર આવ્યો ત્યારે કંઈ એના માતા પિતાને હાશકારો થયો. પ્રથમ વખત બેન્કની પરીક્ષા આપી હતી નિરાલીએ. પોતાની જાતેજ બધી તૈયારીઓ કરી હતી. માતા પિતા જોઈએ એ સગવડ આપતા હતા. અમદાવાદ પરીક્ષા આપવા જવું પડતું હતું ૨૦૦૭ના એ સમયમાં. ત્યારે નજીક નજીક સેન્ટરના હતા પરીક્ષા માટે. પછી તો પ્રશાંતભાઈ એ પણ નિરાલીને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને વાસંતીબેન પણ ચાલો ભગવાન કંઇક તો કરશે મારી દીકરી માટે એમ વિચારતા. મારી જેમ શિક્ષિકા તો ના બની પણ એના પપ્પાની જેમ એક બેન્કર બનસે એવી આશા હતી એમના મનમાં. પછી તો શું ? ૮ બેન્કની પરીક્ષા આપી હતી નિરાલીએ. અને એ બધી બેંકમાંથી ઈન્ટરવ્યુના લેટર આવ્યા હતા. પણ જે પહેલી નોકરી મળે એ સ્વીકારી લેવી એ એનું પ્રાધાન્ય હતું. એથી ફેબ્રુઆરી ૨૦૦૮માં મળેલી કોર્પોરેશન બેન્કની નોકરી સ્વીકારી લીધી હતી નિરાલીએ.
પણ નિરાલીની તો વાતજ નિરાલી હતી. શરૂઆતમાં સુરત પોસ્ટિંગ મળ્યું કલાર્ક તરીકે અને પછી એની બદલી ૬ મહિનામાં ગાંધીધામ થઇ ગઇ. અને ફરી એકવાર નિરાલી એના માટે તૈયાર જ હતી. જ્યારે એનો ગાંધીધામની ઓર્ડર આવ્યો એ અરસામાં એણે સ્ટેટબેંકનું પરીક્ષાનું ફોર્મ ભરી દીધું હતું. ત્યારે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક નોકરી તો મળી ગઈ છે એ જ સાચવવાના આગ્રહી હતા મા-બાપ. પણ અંતે નિરાલી ૨૦૦૯ માં સ્ટેટ બેંકમાં ભરતી થઈ અને એના વલસાડ જિલ્લામાં પોસ્ટીંગ મળી ગયું. અને આજે ૨૦૧૯માં પણ એ વલસાડ જિલ્લામાં જ શાંતિ પૂર્વક એનું જીવન જીવી રહી છે. આજે એને એના આખરી નિર્ણય પર ગર્વ છે. અને એના માતા પિતા પર જે મને કમને એના નિર્ણયમાં એની સાથે તો રહ્યા જ હતા. .