જીતની મઝા
જીતની મઝા


અભિલાષા એક દિવસ સવારે ન્યુઝ પેપર વાંચી રહી હતી, તેમાં તેણે એક જાહેરાત જોઈ, જેમાં લખેલ હતું કે, “શું તમારામાં ટેલેન્ટ છે…? શું તમે સુંદર સ્વરૂપ ધરાવો છો, તો આજે જ તમારું નામ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મિસ. ગુજરાત સ્પર્ધા માટે રજીસ્ટર કરવો….!” - આ વાંચી જાણે અભિલાષાને પોતાના જોયેલા સપના પુરા કરવા માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, આથી અભિલાષાએ આ સ્પર્ધા માટે પોતાનું નામ રજીસ્ટર કર્યુ, જેની ઘરે કોઈને જાણ કરી નહીં, ત્યારબાદ અભિલાષાએ પોતાનું અભિનેત્રી બનવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવાનું શરૂ કરી દીધું, પરંતુ આ બાબતની તેના પરિવારને જાણ થતાં તેને ખુબજ ઠપકો સાંભળવાનો વારો આવ્યો, આથી અભિલાષાએ વિચાર્યુ કે મારા પરિવારજનો મારૂ સપનું પૂરું કરવામાં અડચણ રૂપ થાય છે,આથી અભિલાષા એક દિવસ કોઈને કંઈપણ કહ્યાં વગર ઘર છોડીને જતી રહી અને પોતાના મૂળ વતન વાપીથી દૂર અમદાવાદમાં જઈને રહેવા લાગી.
તે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતી પગભર યુવતી હતી. આથી એને એવું લાગ્યું કે તે સ્વતંત્ર રહીનેજ પોતાનું સપનું પૂરું કરી શકશે અને એકલી રહેશે તો તૈયારીમાં પણ વધુ ધ્યાન આપી શકશે. પોતાની બદલી એણે આથી અમદાવાદ કરાવી લીધી જેથી પરિવારથી દૂર રહી શકે. શરૂઆતમાં તો એને કોઈ તકલીફ ના પડી કારણ કે કંપનીના એપાર્ટમેંટમાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ હતી. અને કંપનીના કર્મચારીઓની અવારનવાર બદલી થતી હોય દરેક ફ્લેટમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ જ હતી, કર્મચારીઓ બસ પોતાના બે જોડી કપડાં લઈને રહેવા આવી જાય તો પણ ચાલી જાય એટલી સુવિધાઓ હતી ત્યાં.
પછી તો શું ? અભિલાષાને તો જાણે ભાવતું હતું અને વૈદે કહ્યું તેવો જાણે કે ઘાટ થયો. સવારે 10 થી 6 કંપનીનો એનો કામકાજનો સમય હતો. નોકરી તો કરવાની જ હતી પણ ચાર મહિના પછી એણે ફિનાલે રાઉન્ડ માટે જવાનું હતું. આ સ્પર્ધામાં હવે ફિટનેસ ને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે, આથી એણે સવારે જિમ જવાનું શરૂ કર્યું એક કલાક માટે અને ટેલેન્ટ રાઉન્ડ માટે સાંજે ડાન્સ ક્લાસમાં જવાનું શરૂ કર્યું. કડક ડાયેટિંગ પ્લાન ફોલો કરતી હોવાથી જમવામાં પણ અમુક મર્યાદિત વસ્તુઓ જ બનાવતી અને આમ એને પોતાની લાઈફ વૈભવશાળી લાગવા લાગી. ઘરે એણે વાત કરીને પોતાના ઘરના સભ્યોને એમ જણાવ્યું હતું કે રાતોરાત બધાની બદલી કરવામાં આવી હતી કારણ કે કંપનીને કોઈ ટેક ઓવર કરવાનું હોવાથી કંપનીની કામ કરવાની પોલિસીમાં થોડા બદલાવ કરવામાં આવ્યા છે. ઘરના સભ્યોએ પણ પોતાની એકની એક દીકરી હોવાથી એને કઈ પણ ના કહેવાનું હિતાવહ રહેશે એમ વિચાર્યું હતું.
અભિલાષાના ઘરમાં માતપિતા અને એના ભાઈ ભાભી હતા, ભાભી એનાથી માત્ર ચાર પાંચ વરસજ મોટા હોઈ એની ભાવનાઓ અને સપનાઓને સમજતા હતા. આથી જ તો એમણે સમજાવ્યા અભિલાષાના માતપિતાને કે દીકરી જુવાન છે અને કોઈ ભૂલ ના કરી બેસે યુવાનીના જોશમાં ! આમ ને આમ અભિલાષાના અમદાવાદમાં ત્રણ અઠવાડિયા પૂરા થયા. અભિલાષા પોતાને હવે સુપર મોડેલ માનવા લાગી હતી કારણ કે એનું ફિનાલેમાં સિલેક્શન થઈ ચૂક્યું હતું. જીમ હોય કે ઓફિસ કે ડાન્સ ક્લાસ, અભિલાષા ખૂબ જ સ્ટાઈલપૂર્વક તૈયાર થઈને જતી અને દેખાવડી પણ એવી જ. એટ્લે એના ચાહકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી હતી. એવામાં એની મુલાકાત જિમમાં આવતા અનિકેત સાથે થઈ. જિમનો જાણે કે સુપરસ્ટાર હતો અનિકેત. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો અને વાતોનો એ સિલસિલો મુલાકાતોમાં બદલાવા લાગ્યો.
અભિલાષા જાણે કે આકાશમાં ઉડવા લાગી હતી, જિમનો સૌથી હેન્ડસમ યુવાન એનો બોયફ્રેંડ બની જવાથી. અનિકેતને તો શોખ હતો દર ત્રીજે મહિને નવી છોકરી પટાવવાનો પણ અભિલાષા આ બધાથી બિલકુલ અજાણ હતી. એક દિવસે જ્યારે અભિલાષા એ અનિકેતને કહ્યું હતું કે 'આજે એની તબિયત થોડી સારી નથી એટલે એ જિમ આવી શકે એમ નથી.' અને ત્યાર બાદ એ અનિકેતને સરપ્રાઇઝ આપવા ઓચિંતી જિમમાં પહોંચી ગઈ હતી. અને ત્યાં જઈને એણે જોયું કે અનિકેત એક બીજી યુવતીની ખૂબ જ નજીક ઊભો હતો અને એની જ બોટલમાંથી એનર્જી ડ્રિંક પી રહ્યો હતો. ગુસ્સો તો એવો આવ્યો કે જઈને બે ચાર તમાચા મારી આપવાની ઈચ્છા થઈ ગઈ એને. પણ પોતાને કાબૂમાં રાખીને એણે પોતાનું વર્ક આઉટ કરવાનું ચાલુ રાખ્યું. અને એક જ દિવસમાં અભિલાષાને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે કોઈ અજાણ્યા ઉપર આમ આસાનીથી વિશ્વાસ કરવાનું એનું પરિણામ શું આવ્યું !
ઘરે ગઈ ત્યારે એને એની ભાભીની ખૂબ જ યાદ આવી રહી હતી, જ્યારે પરિવાર સાથે રહેતી તો નાનામાં નાની વાત પણ પોતાની ભાભીને કહેતી. આજે કદાચ ભાભી સાથે હોત તો આવું પગલું એ ઉઠાવતે જ નહીં અને પોતાનું લક્ષ્ય શું છે એ પણ યાદ રાખત. એણે આજે પહેલી વાર સામેથી ઘરે ફોન કર્યો અને બધા જોડે વાતો કરી. વાતો કરતાં કરતાં એની આંખોમાં ઝળહળીયા આવી ગયા, પણ ઘરના સભ્યોને માત્ર એટલું જ જણાવ્યું કે બધાની યાદ આવતી હોવાથી એ રડી રહી છે બીજું કશું નહીં.
હવે સ્પર્ધા શરૂ થવામાં માત્ર બે જ મહિના બાકી હતાં, આ અનિકેતના ચક્કરમાં એ ઘણો સમય બગાડી ચૂકી હતી હવે એ સમય બગાડવા માંગતી ના હતી. આ બાજુ ઘરના સભ્યોએ પણ હવે અનુમતિ આપી દીધી હતી, આથી એણે માત્ર તૈયારીઓ જ કરવાની હતી. એના મમ્મીએ ભાભીને પણ સ્પર્ધામાં મદદ કરવાના હેતુથી છેલ્લા દોઢ મહિના માટે ત્યાં મોકલી આપી હતી. બસ પછી તો જોવાનું જ શું ! તડામાર તૈયારીઓ, પરિવારનો સાથ સહકાર અને મિત્રોની મદદથી એ સ્પર્ધા જીતી ગઈ અને વર્ષ ૨૦૧૯ ની મિસ. ગુજરાતનો ક્રાઉન જીતી ગઈ. એક બાજુ અનિકેત એ એને માનસિક રીતે તોડવાના વ્યર્થ પ્રયત્નો કર્યા હતાં પણ ભાભીની હિમ્મતથી એને અવગણવામાં એ સફળ રહી હતી. જિમમાં અનિકેતએ એને કહ્યું હતું તારી હાર નક્કી છે આ સ્પર્ધામાં. પણ એના ભાભીએ અભિલાષા ને બસ એક જ વાક્ય કહ્યું હતું અને એ વાક્ય અભિલાષા ની જિંદગી બદલી ગયું.
"જીતવાની મઝા ત્યારે ઓછી આવે જ્યારે તમારી જીત નક્કી હોય,
જીતવાની મઝા ત્યારે વધુ આવે જ્યારે બધાની નજર તમારી હાર ઉપર હોય."