વસંત પહેલા શરદ
વસંત પહેલા શરદ
૨૦૧૭ની એ ડિસેમ્બર, રાત્રે સૂતી વખતે નિશા પોતાની ઉટી ટ્રિપ ના ફોટા પોતાના મોબાઈલના સ્ક્રીન પર સરકાવી રહી હતી. પોતાના પરિવાર સાથેની એ ટ્રિપ ખૂબ જ યાદગાર હતી નિશા, મયંક અને એમના દીકરા શાશ્વત માટે. ૪ વર્ષના શાશ્વત એ મહિના પેહલાથી ટ્રિપનું પ્લાનિંગ, પ્લોટિંગ કરી લીધું હતું. હવાઈ જહાજની પહેલ વહેલી મુસાફરી માટે ખૂબ જ ઉત્તેજિત હતું એ નાનું બાળક. . એરપોર્ટ પર ના એના ફોટા જોઇને એનો ઉત્સાહ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો એના માસૂમ ચેહરા પર. શાશ્વતના ફોટા જોઇને મનમાં ખૂબ ખૂબ હરખાઈ રહી હતી નિશા. . પણ પોતાના ફોટા જોઇને એને મન માં એક વસવસો રહી ગયો. . પોતાની ઉંમર કરતાં લગભગ ૧૨ વરસ મોટી લાગી રહી હતી એ. માંડ ૩૦ વરસ ની ઉંમર હજી તો થઈ હતી, પણ વધી ગયેલું વજન એના ચેહરા ની ઉંમર ને બિનજરૂરી વધારી રહ્યું હતું. . સ્કૂલ, કોલેજ માં ખેલ કૂદ માં આગળ રહેતી નિશા ટ્રિપ દરમિયાન જોઈએ એટલી સ્ફૂર્તિ જાળવી શકી નહીં. આ તો સારું કે એના નણંદ અને નંદોઈ એ શાશ્વત ને સંભાળી લીધો ઉટી માં. આમ તો વજન કંઈ ખાસ વધારે ના હતું, પણ શરીર ખૂબ જ ફૂલી ગયું હતું નિશા નું, પ્રસૂતિ પછીના ૩ મહિના પછી નિશા નું શરીર વધવા લાગ્યું હતું. નાના બાળક ની જવાબદારી અને પ્રસૂતિ પછી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઘટી ગઈ હતી.
કહેવા માટે તો નોર્મલ ડિલિવરી હતી એ, પણ નિશા ને ગર્ભાવસ્થા દરમિયાન દવાઓ લેવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. આથી એ દવા લેવામાં આળસ કરતી રહી. અને પ્રસૂતિ પછી એની તકલીફ વધતી રહી. સહેજ પણ વાતાવરણ માં ફેરફાર થાય કે બીમાર થઈ જતી. શરદી, તાવ, ખાંસી, અવાર નવાર ચાલુ જ રહ્યું લગભગ ૨ વરસ. પછી શાશ્વત થોડો મોટો થયો તો તબિયત માં સહેજ સુધારો થયો. પોતાના માટે મોજાં ખરીદવાની જરૂર જ નહીં અને મોજાં પહેરવાના પરવડે જ નહીં એવી નિશાને હવે રાત્રે મોજાં વગર ઉંઘ નહીં આવે. પગ દુખવા તો એના જીવન નો એક હિસ્સો જ બની ગયું. વિટામિન ની ગોળીઓ, ઇંજેક્શન લેવાથી પણ કંઈ ઝાઝો ફરક જણાયો નહીં. થોડા દિવસ સારું લાગતું અને વળી પાછું હાથ, પગ, માથાનો દુખાવો શરૂ થઈ જતો. શાશ્વત ને લઈને વધારે ચિંતિત રહેતી નિશા માઇગ્રેન નો શિકાર બની હતી. ટુંકી મુસાફરી પણ કરી શકવા માટે એ અસમર્થ બની ગઈ હતી. અને તાણ માં ને તાણ માં રહેવા ને કારણે નિશાનો સ્વભાવ ખૂબ જ ચીડિયો થઇ ગયો હતો. મયંક એનો પતિધર્મ અને પિતાધર્મ ખૂબ જ ઠાવકાઇ થી નિભાવી રહ્યો હતો.
નિશા જાણે કે બીમારી નું એક નાનું પોટલું બની ગઈ હતી. એને લાગી રહ્યું હતું કે એ ૫૫ ૬૦ વરસ ની થઈ ગઈ છે. અને રોજિંદા કાર્યો પણ એ માંડ કરી શકતી હતી. GEB માં નોકરી કરતી નિશા એક માળ દાદર ચઢી ને પણ જઈ શકતી ના હતી, હાંફી જતી. . અને વધારે શ્રમ પડે એવા કાર્યો કરવાની એની આદત એને ઓર કમજોર કરતી રહી. ફરી એક વાર મોબાઈલ ની સ્ક્રીન પર ઇન્ટરનેટ પર કંઇક સર્ફિંગ કરતા, એની નજર વલસાડ રેસર્સ ગ્રુપ પર પડી. એણે જોયું કે આ ગ્રુપ મેરેથોન નું આયોજન કરે છે. જેમાં ૫, ૧૦, ૨૧ કિમી ની અલગ અલગ કેટેગરી હોય છે. નિશા ને પોતાના સ્કૂલના દિવસો ફરી એક વખત યાદ આવી ગયા. પોતે ખેલ કૂદ માં રેસ માં હમેશા આગળ રહેતી હતી. અને થોડી ઉત્સાહ માં તો આવી ગઈ કે હું પણ કરી શકું. કેમ નહીં ! બીજા દિવસે સવારે ઉઠી એક કિમી ચાલવા ગઈ નિશા, માંડ અડધો કિમી ચાલી અને આજે જઈશ, કાલે જઈશ કરતી પાછી પોતાના રૂટિન માં ગોઠવાઈ ગઈ. પણ રોજ કંઇક કરવાની ઈચ્છા ને એ રોકી શકતી નહીં. એક દિવસ રસ્તા માં પસાર થતા જોયું કે પોતાના ઘર ની નજીક માંજ એક જીમ ચાલે છે. મયંક ને પોતાની જીમ માં જવાની ઈચ્છા જણાવી નિશા એ જીમ જવાનું ચાલુ કર્યું. શરૂઆત માં તો ફાવ્યું નહીં. પણ ટ્રેઈનર ખૂબ જ મોટીવેશન આપતા હતા જીમ માં દરેક સભ્યો ને.
અને ૨૦૧૮ નું એ વરસ સારું એવું પુરવાર થયું નિશા માટે. શાશ્વત ને કિડ્સ મેરેથોન માં ભાગ લેવડાવ્યો નિશા એ. અને પોતે પણ ભાગ લઈ શકે એ માટે તૈયારીઓ કરવા લાગી. એવામાં માર્ચ મહિનામાં વિમેન્સ ડે નિમિતે એને એક ટ્રેનિંગ માં અમદાવાદ જવાનું થયું. એ ટ્રેનિંગ એ નિશાની પૂરી વિચારસર્ણી બદલી નાખી. ત્યાં ટ્રેનિંગમાં બધી સ્ત્રીઓને પૂછવામાં આવ્યું. શું તમે તમારા માટે સમય ફાળવી રહ્યા છો ? એવું કોઈ કાર્ય છે તમારા જીવન માં જે એક પડકાર છે ? નિશાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા કે જીમ માં જઇ એક્ષરસ
ાઇઝ કરવું, સમય કાઢવો એ એક પડકાર છે એના માટે. હજી તો એક મહિનો થયો હતો જીમ જોઈન કર્યા ને. સ્વભાવે જિદ્દી નિશા જીમ ચાલુ જ રાખવાના પોતાના નિર્ણય સાથે ઘરે વળી. ટેકનો સેવી હતી નિશા, ગૂગલ નો ભરપૂર ઉપયોગ કરતી નિશા વજન ઉતારી મેરેથોન માં જવાના પ્લાનિંગ માં વ્યસ્ત રહી. ૨૦૧૮ ના અંત સુધી માં ૮ કિગ્રા વજન ઉતારી ૫૮ કિગ્રા વજન કર્યું નિશા એ. અને નિરુત્સાહ રહેતી નિશા સ્ફૂર્તિવાન રહેવા લાગી. વલસાડની નજીક ના વિસ્તાર વાપી, ચીખલી માં ૫, ૬, ૧૦ કિમી ની એવી ૪ મેરેથોન માં ભાગ લઈ વલસાડ રેસર્સ ની હાફ મેરેથોન એટલે કે ૨૧ કિમી ની મેરેથોન માં રજિસ્ટ્રેશન કરાવી દીધું અને મેરેથોન ટ્રેઇનિંગ માં ટ્રેનિંગ પણ ચાલુ કરી દીધી. ફિટ બની ગઈ હતી નિશા શારીરિક અને માનસિક બંને રીતે.
પણ આ શું, ૧૫ દિવસ માં તો એના ઘૂંટણ માં એવો દુખાવો ઉપડયો કે ડોક્ટર ને બતાવવા વગર છૂટકો જ નહીં. દાદર ચઢતી વખતે, જમીન પર બેસતી વખતે નિશાને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. હજી તો નિશા પોતાના જીવન માં આવનારી વસંત ના આગમનની તૈયારી કરી રહી હતી ત્યાં અણધારી આ પાનખર એને નિરાશ કરી ગઈ. હાડકા ના ડોક્ટર એ કહ્યું, સતત દોડવાથી જે ઘૂંટણ માં કુદરતી જેલી રહેવી જોઈએ એ સુકાય છે, આથી દોડવાનુ બંધ કરવું હિતાવહ છે. ડોક્ટર એ સાદી ભાષા માં સમજાવ્યું નિશા ને. ૨૧ કિમી ની મેરેથોન નજીક આવી રહી હતી અને તૈયારી કોઈ હતી નહીં, છેલ્લે ચાલી ને પૂરી કરીશ એ વિચાર સાથે અને ભાગ તો લઉં મેરેથોન માં એ વિચાર સાથે નિશા ગઈ VCHM (વલસાડ સિટી હાફ મેરેથોન) ડિસેમ્બર ૨૦૧૮ માં ભાગ લેવા. અને માંડ ૪ કિમી ચાલી ને નિશા નું મનોબળ તૂટી ગયું અને અધવચે થી રિક્ષામાં બેસી ઘરે આવી ગઈ. ઘરે આવી પોતાના નામ નું BIB એટલે કે સ્પર્ધા માં ભાગ લેનાર દરેક ને પોતાના નામનું એક સ્ટીકર આપવામાં આવે છે, જે એમણે પોતાના શરીર પર કમર ના ભાગે લાગવાનું હોય છે. ઘુટણ માં કોઈ ઇજા થાય એ પરવડે એવું સહન કરવાની તાકાત ના હતી નિશા માં. ૨૦૧૯ નું વરસ ખૂબ જ ફાસ્ટ રહ્યું નિશા માટે, શાશ્વત ફર્સ્ટમાં આવી ગયો હતો. ૭ વાગે સ્કૂલ માં જવા માટે મારૂતિ વેન ઘરે આવી જતી હતી. સીબીએસઈ બોર્ડ હોવાથી સિલેબસ પણ અઘરો હતો. પણ પોતાના માટે સમય ફાળવી લેવા હવે ટેવાઈ ગઈ હતી નિશા. પોતાની એક કાર હંકારવા ની ઈચ્છા ઘણા વરસો થી મન માં હતી, એ પોતાની એક કાર લઇને પૂરી કરી નિશા એ. ૧૦ વરસ
પછી કાર ચલાવી રહેલી નિશા એ ડ્રાઇવિંગ ક્લાસ માં જોડાઈ કાર શીખવાની જહેમત લીધી. અને એમાં એ મહદ અંશે સફળ રહી પણ ખરી. સાથે સાથે પોતાનું વજન હજી ૨ કિલો ઉતાર્યું.
પણ, ઑગસ્ટ માં લેવાયેલી પ્રથમ કસોટી માં ઇંગ્લિશ માં ૩૦ માંથી માત્ર ૧૭ માર્કસ આવ્યા હતા શાશ્વત ના. જેનો દોષ એ પોતાને આપતી રહી. જૂન માં મયંક બીમાર થયો હતો અને જુલાઈ માં ફરી એક વાર નિશા. જેની અસર થઈ હતી શાશ્વત ના result પર. ફાઈનલ એક્ઝામ સપ્ટેમ્બર ની તૈયારી માટે નિશા એ તનતોડ મહેનત કરી. ઓફિસ માં ૨ ૩ દિવસ રજા લઈ ટેસ્ટ પેપર બનાવ્યા દરેક વિષય ના અને શાશ્વત ને ખૂબ તૈયારી કરાવી, એની ઘરે આવતા ટ્યુશન ટીચર ની મદદ થી. અને શાશ્વત નું પરિણામ પણ સારું આવતા નિશાને થોડી નિરાંત થઈ. એવામાં ફરી આવી VCHM ૨૦૧૯. . હવે કરવું શું ? ખૂબ અવઢવ વચ્ચે ૧૦ કિમી માં ફરી રજીસ્ટ્રેશન કરાવ્યું નિશા એ. કારણ કોઈ તૈયારી હતી નહીં દોડવાની. જોત જોતામાં મેરેથોન ની તારીખ ૧૭.૧૧.૧૯ આવી ગઈ. સવારે ૪.૩૦ એ ઉઠી બાથરુમ માં ફ્રેશ થવા ગઈ ત્યાં સુધી નિશા નક્કી ના કરી શકી. જવું કે માં જવું ? આગલા દિવસે પોતાના નામ નું BIB લેવા ગઈ હતી ત્યારે રેસના બેનર્સ લાગેલા જોઈ થોડું પ્રોત્સાહન મળ્યું હતું નિશાને. આખરે મયંક ને ઉઠાડ્યો, એને પૂછ્યું શું કરું ?મયંક એ કહ્યું સૂઈ જા રહેવા દે. એક પળ માં નિશા એ નિર્ણય લીધો. એમ હું મેદાન નઈ છોડી દઉં, તૈયાર થઈ ગઈ છું તો ભાગ તો લઈશ. અને ૨૦૧૭ માં જોયેલું સ્વપ્ન કે વલસાડ સિટી ની મેરેથોન માં ભાગ લેવો, એ ૨૦૧૯ માં એ પૂરું કરી શકી. ૧ કલાક ૩૦ મિનિટ માં ચાલી ને એણે મેરેથોન પૂરી કરી. આ એક કલાક ત્રીસ મિનિટ પોતાને સ્વ પ્રોત્સાહિત કરતી રહી નિશા "૨૦૨૦ માં પણ વસંત પેહલા તો પાનખર નહીં જ આવવા દઉં મારા જીવન માં એ નિશ્ચય સાથે અને ૨૦૧૮ ની અધૂરી હાફ મેરેથોન પૂરી કરવાના બનતા પ્રયત્નો કરવા જીવન ની પાનખર પહેલા.."