ફોરેસ્ટ ટ્રીપ
ફોરેસ્ટ ટ્રીપ
આલોક, નિત્યા, આદિત્ય અને કેવલ્યા ચારેય મિત્રો કોલેજ કેન્ટીનમાં બેસીને ચા પી રહ્યાં હતાં, ચાની ચૂસકીઓ સાથે વાતોનાં વડા કરી રહ્યાં હતાં. બધાનાં ચહેરા પર આનંદ અને ખુશીઓ છવાયેલ હતી. આ ચારેય હાલ દોસ્તીના પાક્કા રંગે રંગાયેલા હતાં. સમગ્ર કોલેજમાં આ ચારેયની દોસ્તીની મિસાલ આપવામાં આવતી હતી. તેઓની ખુશી અને આનંદ પાછળનું કારણ એ હતું કે તેમની કોલેજમાં પંદર દિવસનું દિવાળી વેકેશન પકડવાનું હતું.
"નિત્યા તને શું લાગે છે ? શું પંદર દિવસ આપણે એકબીજાને મળ્યાં વગર પસાર કરી શકશું ?" આલોક નિત્યાની સામે જોઇને પૂછે છે.
"વેલ ! સાચું કહું તો આલોક હું પણ એ જ વિચારી રહી હતી." નિત્યા આલોકે પુછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.
"સાચી વાત છે ગાયઝ તમારા બંનેની વધી વધીને બે ચાર દિવસ ઘરે ગમશે પણ પછી તો તમે બધાં ચોક્કસ યાદ આવશો જ તે." કેવલ્યા બધાં મિત્રોની સામે જોઇને બોલી.
"તો ગાયઝ એમાં આટલું બધું લાગણીશીલ થવાની શી જરૂર છે. મારી પાસે એક સરસ પ્લાન છે." આદિત્ય ચહેરા પર સ્મિત સાથે બોલે છે.
"શું છે ? શું છે તારા પાસે પ્લાન ?" બધાં મિત્રો આતુરતાવશ થઈને આદિત્ય સામે જોઇને પૂછે છે.
"ગાયઝ ! આપણે ભાઈબીજ પછી ક્યાંક ફરવા જઈએ તો ?" આદિત્ય પોતાનો વિચાર રજૂ કરતાં બોલે છે.
"પણ ! આદિત્ય આપણે ફરવા ક્યાં જઈશું ?" આલોક હેરાનીભર્યા અવાજે આદિત્ય સામે જોઇને પૂછે છે.
"યસ ! ઓફ ફોર્સ !" આદિત્ય આલોકે પુછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં બોલે છે.
"ક્યાં ? કઇ જગ્યાએ ?" નિત્યા અને કેવલ્યા આદિત્યની સામે જોઇને પૂછી ઉઠે છે.
"જી ! ડાંગ જિલ્લામાં મારા અંકલનું ફાર્મહાઉસ આવેલ છે. જે જંગલ વિસ્તારની બરાબર વચ્ચોવચ આવેલ છે, દૂર જ્યાં સુધી તમે નજર કરો ત્યાં સુધી માત્રને માત્ર હરિયાળી અને લીલાસમ ઘટાટોપ વૃક્ષો જ વૃક્ષો, જાણે એકાએક તમે કુદરતનાં ખોળે રમતા હોય તેવો અનુભવ કરાવતું એક રમણીય સ્થળ એટલે મારા અંકલનું ફાર્મ હાઉસ." આદિત્ય બધાં મિત્રોને પોતાનાં મનમાં રહેલ પ્લાન જણાવતાં બોલે છે.
આદિત્યે જણાવેલ પ્લાન સાંભળીને આલોક, નિત્યા અને કેવલ્યા તરત જ આદિત્યનાં પ્લાન મુજબ ટ્રીપ કરવાં તૈયાર થઈ જાય છે. આથી બધાં જ મિત્રો પોત પોતાનું મંતવ્ય જણાવે છે. ત્યારબાદ બધાં જ મિત્રો આ ટ્રીપ માટે તૈયાર થયો જાય છે. આ ટ્રીપ તેઓ માટે આનંદદાયક તો ચોક્કસ બની જ રહેશે પરંતુ તે બધાં એ બાબતથી એકદમ અજાણ જ હતાં કે આ ટ્રીપ તેઓના જીવનમાં એક મોટી આફત કે મુસીબત લઈને આવનાર હશે. જેનાં વિશે આદિત્ય, આલોક, નિત્યા કે કેવલ્યાએ સપનામાં પણ વિચારેલ નહીં હોય.
ભાઈબીજ પછીનાં દિવસે.
સમય : સવારનાં 11 કલાક.
સ્થળ : શહેરની બહાર આવેલ બસસ્ટેશન.
આલોક, આદિત્ય, નિત્યા અને કેવલ્યા અગાઉથી જ નક્કી કર્યું હતું તે મુજબ આ ટ્રીપ માટે સંમતિ મેળવી લીધેલ હતી, અને તેઓએ શહેરની બહાર જે પીક-અપ પોઇન્ટ નક્કી કર્યા હતો ત્યાં આવી પહોંચે છે.થોડીવારમાં તેઓએ જે ટેક્ષી ભાડે કરેલ હતી, તે ટેક્ષી ડ્રાઇવર પણ કાર લઈને ત્યાં આવી પહોંચે છે. ત્યારબાદ તે બધાં પોત પોતાનો સામાન કારની ડેકીમાં ગોઠવીને કારમાં પોત પોતાની સીટ પર ગોઠવાય જાય છે. ધીમે ધીમે એ કાર શહેરની બહાર નીકળી જાય છે. એક તરફ તેઓ જેમ જેમ શહેરની બહાર નીકળી રહ્યાં હતાં, બીજી તરફ તેમ તેમ તેઓનો ઉત્સાહ, ઉમંગ અને ખુશીઓમાં વધારો થઈ રહ્યો હતો.
રસ્તામાં આવતાં લીલાસમ વૃક્ષો, નદીઓ, ઝરણાઓ, ગામડાંઓ જોઈને તે લોકોને ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં હતાં. એમાં પણ કારમાં ધીમે ધીમે વાગી રહેલાં "ઓલ્ડ એવર ગ્રીન બૉલીવુડ સોંગ" તેઓનાં આનંદ અને ખુશીઓમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. આમ આનંદ પ્રમાદ કરતાં કરતાં તેઓ લગભગ સાંજના 6 વાગ્યાની આસપાસ આદિત્યનાં અંકલનાં ફાર્મહાઉસે પહોંચે છે.
ફાર્મહાઉસે પહોંચ્યા બાદ તેઓ ફ્રેશ થઈને જમવા માટે ડાઇનિંગ હોલમાં આવે છે, અને સાંજે આહલાદક ભોજનનો આનંદ માણે છે. આ ભોજનનો આનંદ એટલો આહલાદક હતો આવો સ્વાદ તેઓએ જીવનમાં ક્યારેય અનુભવેલો હતો જ નહીં. ભોજન લીધાં બાદ તેઓ ગાર્ડનમાં આવેલ ચેર પર બેસે છે. અને આવતીકાલે ફોરેસ્ટમાં ટ્રેકિંગ માટે જવાનું નક્કી કરે છે. એકાદ બે કલાક બધાં સાથે બેસે છે. અને સૌ કોઈ આવી સરસ મજાની ટ્રીપનો આઈડિયા આપવા બદલ આદિત્યનો આભાર માને છે.
ત્યારબાદ સૌ કોઈ એકબીજાને "ગુડ નાઈટ" વિશ કરીને આદિત્ય અને આલોક, નિત્યા અને કેવલ્યા પોતા પોતાનાં રૂમમાં ચાલ્યાં જાય છે.આખા દિવસના ટ્રાવેલિંગનાં લીધે તેઓ પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘવા લાગે છે. હાલ ઘસઘસાટ ઊંઘતા આદિત્ય, આલોક, નિત્યા અને કેવલ્યા આવતીકાલે પોતાની સાથે જે કોઈ અવિશ્વનિય ઘટના ઘટવાની હતી તેનાથી એકદમ અજાણ જ હતાં.
બીજે દિવસે સવારે
સમય : સવારનાં 10 કલાક.
સ્થળ : ડાંગ જિલ્લાનું જંગલ
આલોક, આદિત્ય, નિત્યા અને કેવલ્યા અગાવથી જ જે પ્રમાણે નક્કી કરેલ હતું તે મુજબ ફોરેસ્ટ ટ્રેકિંગ માટે જંગલની વચ્ચોવચ પહોંચી જાય છે. તેઓને ટ્રેકિંગ કરવાનું હતું તે ટેકરી જંગલનાં સેન્ટર પોઇન્ટથી થોડી જ દૂર હતી, પરંતુ ત્યાં જવાં માટેનો રસ્તો એકદમ ઘટાદાર વૃક્ષો અને ટેકરીઓથી ભરેલ હતો. તેઓને આજે સારો એવો "થ્રિલર એક્સપિરિયન્સ" મળી રહેશે એ હેતુથી તેઓ પેલી ટેકરી તરફ આગેકુચ કરે છે.
જંગલનાં એ ઘટાદાર, લીલાછમ,ઉતાર ચડાવ અને પડાવવાળા રસ્તા પર ચાલવાનું શરૂ કરે છે. ધીમે ધીમે તેઓ આગળને આગળ વધતાં ગયાં એવામાં એકાએક તેઓ જે રસ્તા પર ચાલી રહ્યાં હતાં તે રસ્તો એકાએક જેવી રીતે કોઈ ભેખડ પડે તેવી રીતે જમીનમાં ગરકાવ થઈ ગયો. થોડીવાર બાદ તે બધાં ભાનમાં આવ્યા તો તેઓનાં આશ્ચર્ય અને નવાઈનો કોઈ જ પાર ના રહ્યો. તેઓ કોઈ અંધકારવાળી અજાણી જગ્યા પર પટકાઈ પડ્યા હતાં. ચારેબાજુએ ડર પમાડે તેવું એકદમ ઘનઘોર અંધકાર છવાયેલ હતું, બધાનાં મોબાઈલ પણ કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, તેવામાં આદિત્ય પોતાના ખભે લટકાવેલ બેગમાંથી ટોર્ચ બહાર કાઢે છે. ટોર્ચ દ્વારા પડતો પ્રકાશ જોઈને તેઓના જીવમાં જીવ આવ્યો.
હાલ તે બધાં ખૂબ જ મૂંઝાય ગયાં હતાં, તે બધાંને આ જંગલમાં આવવા માટે જેટલો ઉત્સાહ હતો, હાલ તેટલો જ તે લોકો નિરાશા અને હતાશા અનુભવી રહ્યા હતાં. હાલ તે બધાં ખૂબ જ મૂંઝાય ગયાં હતાં, આ ગુફામાંથી બહાર નિકળીશું કે નહીં ? આ ગુફામાંથી બહાર નિકળીશું તો કેવી રીતે નિકળીશું ? શું આ ગુફામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળશે કે નહીં ?" આવા ઘણાં બધાં પ્રશ્નો હાલ તે લોકોને સતાવી રહ્યાં હતાં.
જેવી રીતે કોઈ ડૂબતો માણસ પોતાનો જીવ બચાવવા માટે આમે તેમ તરફડિયા મારે, તેવી રીતે આ બધાં આ ગુફામાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શોધવા માટે આમતેમ ફાંફા મારી રહ્યાં હતાં, ત્રણેક કલાક સુધી આવી રીતે ફાંફા મારવાં છતાંપણ તેઓના હાથે માત્ર નિરાશા અને હતાશા જ લાગી, તેઓને આ ગુફાની બહાર નીકળવાનો કોઈ જ રસ્તો મળ્યો નહીં.
આ જોઈ નિત્યા અને કેવલ્યા નાના બાળકોની માફક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં, આથી આદિત્ય અને આલોક તે લોકોને સાંત્વના આપતા જણાવે છે કે,
"તમે બંને રડો નહિ. આપણને આ ગુફામાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો તો ચોક્કસથી મળશે જ તે..માટે તમે બને હૈયે હિંમત ધરો."
થોડીવાર બાદ તેઓ ફરીથી હિંમત એકઠી કરીને ફરી પાછા ગુફાની બહાર નીકળવાનો રસ્તો શોધવામાં લાગી ગયાં. એવામાં આલોક એકાએક બધાં મિત્રોની સામે જોઇને બૂમ પાડી ઉઠે છે.
"ગાયઝ ! ત્યાં જુઓ !" આલોક પોતાની આંગળી વડે ઈશારો કરતાં કરતાં બોલે છે.
"શું છે આલોક ત્યાં ? શું તને ગુફાની બહાર નીકળવાનો રસ્તો મળી ગયો ?" બધા જ મિત્રો આલોકની સામે જોઈને બોલે છે.
"ના મને આ ગુફાની બહાર નીકળવાનો રસ્તો તો નથી મળ્યો પણ એક કુદરતી સંકેત જરૂર મળ્યો છે." આલોક બધાં મિત્રોની સામે જોઇને બોલે છે.
"તને શું કુદરતી ઈશારો કે સંકેત મળ્યો છે. અમને પણ જણાવીશ ?" નિત્યા આલોકની સામે જોઇને પૂછે છે.
"જુઓ ગાયઝ ! સામે ભેખડ જેવી દીવાલમાં નાનું એવું છિદ્ર છે, તેમાં એક નાનું એવું બારીક કાણું છે, તેમાંથી સૂર્યપ્રકાશ કે સૂર્યના કિરણો સીધા જ આ ગુફામાં પ્રવેશી રહ્યાં છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ત્યાં ઉપર જરૂર કોઈ જમીન સપાટી હશે." આલોક પોતાનો વિચાર રજૂ કરતાં કરતાં તેનાં મિત્રોને જણાવતાં બોલે છે.
"હા ! સાચી વાત છે આલોકની ! મારા દાદા પણ મને એવું કહેતાં હતાં કે જ્યારે પણ તમે કોઈ મુસીબતમાં ફસાય જાવ ત્યારે એ મુસીબતમાંથી બહાર આવવા માટે કુદરત કે ઈશ્વરે તમને કોઈને કોઈ સંકેત કે ઈશારો આપતી જ હોય છે, બસ જરૂર છે તો તમારે એ સંકેત કે ઇશારાને સમજવાની !" નિત્યા આલોકની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.
"તો શું સામે ઉપર તરફથી આવતાં સૂર્યના કિરણો કે સૂર્યપ્રકાશ આપણને આ મુસીબતમાંથી બહાર નીકળવાનો કોઈ સંકેત કે ઈશારો છે ?" કેવલ્યા આલોક અને નિત્યા સામે જોઈને પૂછે છે.
"બની શકે…!" કેવલ્યાએ પુછેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં આલોક અને નિત્યા બોલે છે.
"પણ ગાયઝ ! માનો કે તમારી વાત એકદમ સાચી હોય, તો પણ આપણે અહીંથી કેવી રીતે બહાર નિકળીશું ?" આદિત્ય બધાં મિત્રોની સામે જોઈને પૂછે છે.
"ગાયઝ ! કુદરતે આપણને આ સંકેત આપ્યો છે, તો હવે અહીંથી કેવી રીતે બહાર નિકળીશું એ પણ કુદરત કે ઈશ્વર જ જણાવશે તેના માટે આપણે પેલી દીવાલની વધુ નજદીક જવું પડશે." આલોક આટલું બોલીને દીવાલ તરફ આગળ વધે છે.
ત્યારબાદ તે બધાં દીવાલ તરફ આગળ વધે છે, અને આ ગુફામાંથી કેવી રીતે બહાર નીકળવું તેનાં વિશે વિચારવા માંડે છે. એવામાં તેઓને ખ્યાલ આવે છે કે ગુફામાં ઉપરની તરફ જયાંથી સૂર્યપ્રકાશ આ ગુફામાં પ્રવેશી રહ્યો હતો, તે હોલની બાજુમાંથી એક વડવાઈ પસાર થઈ રહી હતી, તે ગુફાની દીવાલો પર થઈને નીચે સુધી લટકતી હતી, આથી બધાં મિત્રોએ હિંમત એકઠી કરીને પોતાનામાં જેટલી હિંમત હતી તે હિંમત અજમાવીને પેલી વડવાઈ ખેંચવા લાગ્યાં, જોત જોતામાં એક પ્રચંડ ધડાકા સાથે એ ભેખડ ગુફામાં ઘસી પડી અને તેઓ માટે ગુફાની બહાર જવા માટેનો રસ્તો ખુલી ગયો. અને આ ભેખડો પર થઈને તેઓ આ ગુફામાંથી હેમખેમ બહાર નીકળી ગયાં. ગુફામાંથી બહાર નીકળ્યા બાદ તે બધાએ રાહતનો એક ઊંડો શ્વાસ લીધો.
મિત્રો કુદરત કે ઈશ્વર આપણી પરીક્ષા જરૂર લે છે પરંતુ એ સાથો સાથ આવી પડેલ મુશ્કેલ કે આફતોમાંથી બહાર નીકળવા માટે કોઈને કોઈ ઈશારો, સંકેત કે રસ્તો ચીંધે જ છે, જેવી રીતે આ બધાને કુદરતે સૂર્યપ્રકાશ કે સૂર્યના કિરણોના રૂપે આવી પડેલ આફતમાંથી બહાર નીકળવા માટેનો ઈશારો કે સંકેત આપેલ હતો. બસ આપણે જ એ સમજી શકતા નથી. જો ઈશ્વર કે કુદરતે આપણને આપેલ આ ઈશારો આપણે સમજી જઈએ તો આપણો પણ ગમે તેટલી મોટી મુશ્કેલીઓ કે આફટમાંથી આપણો હેમખેમ અને આબાદ બચાવ થઈ જાય છે.
