ફોકસ
ફોકસ
એક હાથમાં ચાનો ગરમ કપ અને બીજા હાથમાં સમાચાર પત્ર. ચાની ચુસ્કી લેવા ઉઠેલા હોઠ ફરી બીડાઈ ગયા. સમાચાર પત્રમાં છપાયેલ લેખ ઉપર આંખો થીજી ગઈ. નાટ્ય એકેડમીની એ વિશાળ જાહેરાત સૂકા મનને વધુ સૂકું કરી રહી. પ્રભાવશાળી પહેરવેશમાં સજ્જ કલાકાર ઉપર આ કેવી ઈર્ષ્યા ઊઠી ! વેદના અને હતાશાની લહેર મનના દરેક ખૂણાને પીડા આપી રહી. અહીં આ કલાકારની જગ્યાએ પોતાની તસ્વીર હોત જો.... ચાની ગરમ વરાળ વચ્ચેથી માર્ગ કાઢી દ્રષ્ટિ સામેની ભીંત ઉપર આવી ઠરી. તસ્વીરોથી સજ્જ ભીંત ઉપર શણગારાયેલ દરેક તસ્વીર ઉપર વારાફરતી નજર ફરી રહી. સૌપ્રથમ પોતાની શાળા અને કોલેજ કાળની તસવીરો. કેટલા બધા એવોર્ડ્સ, ટ્રોફીઓ અને સર્ટિફિકેટ હાથમાં ઝળહળી રહ્યા હતા. નાટક અને અભિનય રોમે રોમમાં પ્રતિબિંબ પાડી રહ્યા હતા. એ પછી લગ્નની તસવીરો. ત્યાર બાદ ગર્ભાવસ્થાની ક્ષણો. હાથમાં નવશિશુ થામી અશ્રુ અને હાસ્ય મિશ્રિત એ અવિસ્મરણીય અનુભવની યાદગીરી. મધ્યમાં બાળકીના પ્રથમ ડગલાથી લઈ દરેક વિકાસ અને ઉછેરના તબક્કાઓમાં ઝાંખી રહેલું પોતાનું પરિશ્રમી માતૃત્વ. એની નીચે પતિની વ્યવસાયિક પ્રગતિઓ અને સફળતાઓમાં પડખે ઉભેલું માનસિક અને શારીરિક ટેકો સમું પોતાનું જવાબદાર અને સમજુ વ્યક્તિત્વ. અંતિમ હરોળમાં જુદી જુદી ટ્રોફીઓ અને સર્ટિફિકેટ થામી આત્મવિશ્વાસથી છલોછલ પોતાની ૨૦ વર્ષની યુવાન દીકરીની તાજી તસવીરો. અચાનક બેઠક ખંડ ઉત્સાહ અને જોમથી ગુંજી ઉઠ્યો. " આઇમ હોમ..." અપેક્ષિત સમય કરતા પહેલા ઘરે પહોંચવાની એ ખુશીની અભિવ્યક્તિ અત્યંત અણધારી હતી.
ભૂતકાળમાં ખોવાયેલ મન એ અણધાર્યા પ્રવેશથી એવું ચોંકયુ કે હાથમાંનો કાચનો કપ ભોંય ઉપર પછડાઈ ટુકડે ટુકડા વિખરાયો. એ વિખરાયેલા ટુકડાઓમાંથી વર્ષો પહેલા વિખરાયેલા સ્વપ્નો ઝાંખી રહ્યા. મનમાં વર્ષોથી ધરબાયેલું કશુંક સ્પ્રિંગ સમું ઉછળી ઉઠ્યું. " જોયું તારા લીધે શું થયું ? " એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ યુવાન હૈયાએ સીધેસીધો જવાબ વાળ્યો. " કમોન મમ્મી. બી પ્રેક્ટિકલ. ફોકસ તારું હટ્યું. તારો જ વાંક છે. મારી ઉપર દોષારોપણ કેમ કરે છે ? હવે પાછળ થા. નહિતર કાચ વાગશે. " સંભાળીને કાચ ઊંચકી રહેલ દીકરીએ જાણે લાંબી ભ્રમણામાંથી એને ખંખેરી નાખી હોય એમ સ્તબ્ધ હાથમાંના સમાચારપત્ર ઉપર ફરી નજર દોરાઈ. નાટ્ય એકેડમીની જાહેરાત નીચે છપાયેલા અક્ષરો નજર ઉપર તરી આવ્યા. રસ ધરાવનાર સંપર્ક કરે : ૯૧૯૮..... અને છપાયેલ નંબરને મનોમન રટવાનું શરૂ થયું.