'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

ફિલસૂફ નહિ, વ્યવસ્થાપક-સર્જક બનો

ફિલસૂફ નહિ, વ્યવસ્થાપક-સર્જક બનો

2 mins
596


ભારતના નાયબ વડાપ્રધાન બનવાની સાથે તેઓ ઉપર વ્યવસ્થાનો એક મોટો ભાર આવી પડયો હતો. તેમાં તેઓએ સફળતા પણ મેળવી. પણ આ સફળતા મેળવવામાં માત્ર તેઓએ ફિલસૂફી વાપરીને બીજાઓ પાસે માત્ર કામ જ કરાવ્યું નો'તું, પોતે પણ કામ કર્યું હતું. તેઓએ વ્યવસ્થા કરી હતી, માત્ર વાતો નહોતી કરી.

કેલિફોર્નિયા યુનીવર્સીટીમાં ભારત વિશે 'લીડરશીપ એન્ડ પોલિટિકલ ઇન્સ્ટિટયૂશન ઈન ઈન્ડિયા' પુસ્તક લખાયું હતું. તેમાં પણ આઝાદી પછીના ભારતના નાયબ વડાપ્રધાન વિશે કહેવાયું છે કે, તેઓ ચુનંદા માણસો જ ચૂંટતા. દરેક પ્રાંતમાં તેમની પસંદગીના ચૂંટેલા નેતા હતા. ઉદ્યોગપતિઓ પાસેથી મોટી સહાયો મેળવી તેઓએ કોંગ્રેસને વિશાળ પાયા પર મૂકી સંગઠિત કરી હતી. મહાસભા પક્ષના યંત્ર પર તેઓની મજબૂત પકડ હતી. જેની રચના તેઓએ જ કરી હતી. આ યંત્ર સાંગોપાંગ રહી અસરકારક રીતે કામ કરતું રહ્યું તે આ નાયબ વડાપ્રધાનની વ્યવસ્થાશક્તિની પ્રતિભાની સાબિતી છે.

આ પુસ્તકમાં એવું પણ લખ્યું હતું કે, હિંદી રાષ્ટ્રીયત્વના ગાંધી પયગંબર હતા અને નહેરુ ફિલસૂફ હતા, પણ નાયબ વડાપ્રધાન વ્યવસ્થાપક સર્જક-આયોજક હતા અને એના દ્વારા જ ગાંધી અને નહેરુના વિચારો અને આદર્શો એ સમયે અસરકારક નીવડી શકયા.

હા, તેઓ કયાંય પણ વ્યવસ્થામાં ઊણા ઊતર્યા નહોતા. આઝાદી પહેલા પણ જ્યારે કોંગ્રેસનાં અધિવેશનો ભરાતાં ત્યારે જે જવાબદારી લીધી હોય તે સુપેરે નિભાવતા. તેઓની વ્યવસ્થા જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જતા.

હરિપુરા કોંગ્રેસ અધિવેશન વખતે ગાંધીજીએ દરેક માટે ગાયના દૂધનો આગ્રહ રાખ્યો, તો તેઓએ ત્યાં ગૌશાળા જ ઊભી કરી દીધી. સજાવટ વગેરેની અન્ય વ્યવસ્થા પણ એવી કરી કે બધા જોતાં રહી ગયા. દેશ આઝાદ થયા પછીની તેઓની વ્યવસ્થા તો અજોડ હતી જ. માત્ર વાતો કરવાથી નહિ, બરાબર વ્યવસ્થા ગોઠવવાથી કામ સરળ બને છે. આવી વ્યવસ્થાના પાવધરા સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

કોઈપણ કામ કરવામાં પહેલા તે કામ અંગેની વ્યવસ્થા વિચારી પછી કામ થાય તો તેમાં સફળતા મળે જ છે. કામ વિચાર્યું કે બાઘાની જેમ કરવા લાગીએ તો કામ સફળ ન થાય. કામ અંગેના માત્ર વિચારો કરવાથી કે ફિલસૂફી વાપરવાથી પણ ઉત્તમ કામ થતું નથી. ઉત્તમ કામ માટે જરૂર છે કામના સર્જન અને કામની વ્યવસ્થાની.


Rate this content
Log in

Similar gujarati story from Classics