‘ ફીટુસ ‘
‘ ફીટુસ ‘
મંથનનું મગજ ભમી ગયું હતું, એની અંદર જાણે સાત સમંદરનું તુફાન રમી રહ્યુંં હતું. આ ઉમરે, જિંદગીના આ તબક્કે, તેની પોતાની પત્નીની — મિતાલીની બેવફાઈ સામે આવી. આવી ચડેલ પરિસ્થિતિ માં, ડ્રેસીંગ ટેબલના અરીસા સામે ઊભો રહી ને, એ જાણે એ પોતાની જાતને પૂછી રહ્યો હતો કે હા, પણ હવે—જિંદગીના આ તબક્કે, પત્નીની બેવફાઇ જાણી લીધા પછી એ કરી પણ શું શકે? વિચિત્ર વિડંબના અનુભવી રહ્યો હતો મંથન.
તેને આખો પ્રસંગ પાછો યાદ આવવા લાગ્યો. તેની પત્ની મિતાલી પિયર ગઇ હતી અને બન્ને છોકરાઓને તો વહેલા પરણાવી દીધા હતા અને બનેં છોકરાઓ પોત પોતાની દુનિયામા મસ્ત હતા. પોતે ઘેર એકલો જ હતો એટલે વહેલુ મોડું થવાથી કાંઇ ફરક ન તો પડતો. મોડી રાત્રે કલબમા ‘રમી’ રમી ને ઘેર પહોચ્યો તો અવાક રહી ગયો. ચોર લોકો, પાછલા દરવાજા થી અંદર આવી ને આખુ ઘર ફેંદી વળ્યા હતા. પૂરી તિજોરી સાફ કરી ગયા હતા. મિતાલીની તિજોરી પણ પૂરી સાફ કરી ગયા હતા. માત્ર એક કવર મિતાલીની એ તિજોરી મા એમનું એમ છોડી ગયા હતા.
મિતાલીની તિજોરીમા નું એ કવર મંથને ખોલ્યું તો અંદર એક પત્ર, એમ કહોને કે એક પ્રેમ પત્ર, જે એની પત્ની મિતાલીને સંબોધી ને હતુ તે મળ્યું. પત્ર વાંચતા જ તેના પગ નીચેની ધરતી સરકી ગઇ. ટેન્શનમાં મંથને સિગારેટ સળગાવી અને પચીસ વરસ પહેલાની તારીખ નો લખેલો એ પ્રેમ પત્ર વાંચવા લાગ્યોઃ
પ્રિય મિતાલી
જો કે તું તો મને પ્રિય નહીં, અતિ પ્રિય છો. પણ હું તને હવે પ્રિય ના જ હોઇ શકું એ સમજી શકાય એવી વાત છે કારણ કે હું તને અર્ધે રસ્તે છોડી, તરછોડીને ચાલ્યો ગયો. મજબૂરી ગમે તે હોય મારી, પણ હું તને ના અપનાવી શક્યો, તને દગો આપ્યો, એ એટલી જ હકીકત છે. તને આમ રઝળતી મુકી દીધા બાદ, મને એક પળ પણ શાંતિ નથી મળી, હુ ખુબ જ આત્મ-ગ્લાની અનુભવું છું. તારા વગરની જિંદગી વીતાવવામા, મારા પર શું શું વીતી રહી છે તે માત્ર મારું મન જ જાણે છે. તારી સાથે અન્યાય કરી ને, હું મ।રી જિંદગી એવી રીતે વેંઢારી રહ્યો છું જાણે કે હર પલ કોઇ ગુનો કરી રહ્યો છું. હું એકરાર કરુ છું કે, હું પુરી જિંદગી નો તારો ગુનેગાર રહીશ.
મારી બોલવાની રીત, મારી લઢણ, મારા ગીતો, મારી શેરો – શાયરીનો અંદાજ તને ખૂબ જ ગમતા. તને યાદ છે ને તારા સાથે તો પ્રેમ ની અવનવી કેટ કેટલી સરસ સરસ શાયરીઓ શેર કરી હતી. આપણે તો શેરો શાયરીની પણ અંતાક્ષ્રરી રમતા. શેરો શાયરીની અંતાક્ષરીની રમતમાં હું હંમેશા જીતતો, પણ જિંદગીની રમતમાં હું ખૂબ ખરાબ રીતે હારી ગયો છું. આપણા સપનાઓની એ દુનિયા જ અલગ હતી. આજે બેવફાઈની મને ગમતી શાયરીઓ પ્રસ્તુત કરીને એ શાયરીઓ હું મારા જ માથામા મારીશ, મારી ભડાશ હું મારા પોતા ઉપર જ કાઢીશ અને એ રીતે મારી મજબૂરીનું પ્રાયશ્ચિત કરવાનો પ્રયત્ન કરીશ. દરેકે દરેક શાયરી, દરેકે દરેક પંકિત, મારી બેવફાઇનું પ્રતિનિધિત્વ કરે છે, મારા પ્રાયશ્ચિતને પ્રજાળે છે.
તુમ અગર ભુલ ભી જાઓ તો યે હક હૈ તુમકો, મેરી બાત ઓર હૈ, મૈને તો મુહબ્બત કી હૈ.
ઓર ભી ગમ હૈ જહાં મે, મુહબ્બત કે સીવા
લિખના તો યે થા કિ ખુશ હું તેરે બગૈર ભી, પર કલમ સે પહલે આંસુ કાગજ પર ગિર ગયા.
કુછ લોગ આંસુઓકી તરહ હોતે હૈ, પતા હી નહી ચલતા, સાથે દે રહૈ યા સાથ છોડ રહે હૈ
તુમ બદલે તો મજબૂરીયાં થી બહોત, હમ બદલે તો બેવફાઈ હો ગઇ
ઉસ મકામ પે ખડી હૈ મુહબ્બત મેરી, જહાં સે ન તો મંજીલ દીખાઇ દેતી હૈ ન લોટને કા રાસ્તા
બહુત રોતા હૈ દિલ, સૂની રાતો મે ગઝલ લિખતા હું,
સુની રાતો મેં ઝહર ચઢતા હૈ, મેરે નસ-નસ મેં ખુદકો ડસતા હું.
રિશ્તો કી હી દુનિયામેં અકસર એસા હોતા હૈ
દિલ સે ઇન્હે નિભાને વાલા હી રોતા હૈ..
મારી મજબૂરી માટે, મારી બેવફ।ઇ માટે બહુ તો ખુલાસો નહીં કરી શકુ, પરંતુ એટલી હીંટ આપીશ કે મારી બહેન મોનાના પ્રેમ સંબંધ આપણા સંબંધનો ભોગ લેવા માટે નિમિત બનેલ. બહેનના પ્રેમ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવા માટે, મા-બાપની જીદ સામે મારે ઝુકવુ પડયુ અને તને છોડવી પડી, તરછોડવી પડી.
ઝુકના પડે તો ઝુક જાના અપનો કે લિયે
ક્યોંકી હર રિશ્તા એક નાજુક સમઝોતા હોતા હૈ.
ઇચ્છવા છતા તારો ન થઇ શકેલ મેહુલ
પૂરો પત્ર વાંચી ને મંથન નફરતથી સળગી રહ્યો હતો. તેને એમ લાગ્યું કે તે હવે મિતાલીથી ખુબ જ દૂર થઇ રહ્યો છે. એને આજ સુધીની
મિતાલી સાથેની જિંદગીનુ ફલેશ બેક થવા લાગ્યું.
તેના અને મિતાલીના લગ્ન જિંદગીમા ગમે તે કારણસર મોડા થયા. એમના લગ્ન થયા ત્યારે બન્ને લગભગ ૩૨ વર્ષની ઉમર વટાવી ગયા હતા. લગ્ન મોડા થવા પાછળ સમાજમા ઘણી બધી અટકળો ફેલાતી રહેતી હોય છે, અફવાઓ ફેલાતી હોય છે. મંથન ખુબ નિખાલસ દિલનો માણસ હતો. તેમના લગ્નની વાત આગળ વધી રહી હતી ત્યારે જ તેણે મિતાલીને કહ્યું હતું જો મિતાલી આપણે જિંદગીના અલગ અલગ તબક્કામાં થી – બચપન, મુગ્ધાવસ્થા, જવાની મા થી પસાર થઇ ને મળી રહ્યા છીંએ. હું નથી માનતો કે જિંદગીની અલગ અલગ અવસ્થામા થી પસાર થતા થતા, દરેક વ્યકિત મન, કર્મ અને વચનથી વફાદાર રહી શકે. હા, પણ લગ્ન પછી, બન્નેએ મન, કર્મ અને વચનથી વફાદાર રહેવું જોઇએ. આપણા બે માં થી કોઇનો પણ, કાંઇ પણ ભૂતકાળ હોય તો તેને દફનાવી, ભૂલી જવાનું અને એનો ક્યારેય ઉલ્લેખ પણ ન કરવો જેથી કોઇ કળવાશ ઉભી ન થાય, કોઇ કળવાશ ન રહે. મિતાલીએ એના માટે મૂક સહમતી પણ આપી દિધી.
બન્નેએ એ વાત બખૂબી નિભાવી અને અને બનેનુ દાંપત્ય જીવન ખૂબ જ સરળ અને સુખી હતુ. આર્થિક રીતે પણ સદ્ધર હતા એટલે ઘણી બધી મુશ્કેલીઓથી દૂર હતા. લગ્ન જીવન દરમ્યાન બે બાળકોના આવવાથી જીવન વધુ રંગીન અને સંગીન બની રહ્યુંં. એક દીવસ મંથને મિતાલીને કહ્યું કે, જો મિતાલી ગમે તે કારણોસર આપણા લગ્ન તો મોડા થયા, પંરતુ આપણા બાળકોના લગ્ન મોડા કરવા પાછળ કોઇ કારણ નથી. બન્નેને જો સુપાત્ર મળી રહેતા હોય તો આપણે કંકુના કરી નાખવા જોઇએ. નસીબ જોગે બન્ને બાળકોને સારા પાત્રો મળી ગયા અને બન્નેના પ્રસંગો પણ ધામધૂમથી ઉજવ્યા. આજે બને બાળકો પોતાની રીતે અલગ રહેતા હતા છતા મા-બાપને લગોલગ હતા. બન્નેને સુખી જોઇને, પ્રસન્ન જોઇને, મંથન અને મિતાલીને ખુબ જ સંતોષ હતો. અચાનક પૂરી થયેલ સિગારેટે એનો હાથ દઝાળ્યો અને તે વાસ્તવિકતાની ધરતી પર પાછો આવી ગયો. મંથનને એવું લાગ્યુ કે ચોર જો કવર પણ લઇ ગયો હોત તો તેને આટલુ ખરાબ ના લાગત. એ માથું પક્ડીને બેસી રહ્યો.
શું કરવું, કઇ રીતે આગળ વધવુ એની અસંમજસમા જ એણે પાંચમી સીગરેટ સળગાવી અને એ જ પત્ર ફરી થી પાછો વાંચવાનુ શરુ કર્યુ. આ વખતે એક એક ચીજ શાંતિથી વાંચવાની ટ્રાય કરી. પત્ર ફરીથી વાંચતી વખતે, પત્રમા મેહુલે, પોતાની બહેન મોનાનો ઉલ્લેખ કર્યો હતો તેનો એને હવે ખ્યાલ આવ્યો અને તેને બીજો ઝટકો લાગ્યો.
ઓ તારી, આ તો એ જ મોના છે જેની સાથે મને પ્રેમ સંબંધ હતો, જેની સાથે ઘણી બધી મુલાકાતો માણી હતી પણ એ પ્રેમ સંબંધને અંજામ ન તો મળી શક્યો. મંથન સાથેની ગૂફતગોમા, મોના ઘણી વાર પોતાના ભાઇ મેહુલ નો ઉલ્લેખ કરતી અને એવુ પણ કહેતી કે મારા ભાઇને પણ કોઇ સાથે અફેર છે, પણ કોણ છે તે હજી સુધી ખબર નથી પડી. તે એમ પણ કહેતી કે મારા મા-બાપ આપણા સંબંધની સાથે સાથે, મેહુલના પ્રેમ સંબંધનો પણ વિરોધ છે અને કોઇ કાળે આગળ નહી વધવા દે.
ઝટકા ઉપર ઝટકો લાગ્યો મંથનને. આજે ધરબાયેલ ભૂતકાળ, બરાબરના ભૂત બનીને નાચવા લાગ્યા હતા. તેને લાગ્યુ કે કાગળના એક ટુક્ડાએ બન્નેના ભૂતકાળને ફીટુસ કરી નાખ્યા હતા. તેણે મનોમન નક્કી કરી નાખ્યુ કે મને ભલે મિતાલીના પ્રેમ પ્રકરણની ખબર પડી ગઇ છે, મારા મનમા ભલે થોડી કડવાશ ઉભી થઇ છે પરંતુ મારા ભૂતકાળની, મારા પ્રેમ પ્રકરણની ખબર હું મિતાલીને ક્યારેય નહીં પડવા દઉ જેથી મિતાલી તો એની જિંદગી કડવાશ વગર જીવી શકે.
તેણે ફરી એક સિગારેટ સળગાવી અને એ જ લાઇટર થી એ પ્રેમ પત્રને પણ સળગાવી નાખ્યો. બે જોડીના પ્રેમના અવશેષ જેવી, બળેલા પત્રની મેશ રૂમમા આમ તેમ ઊડવા લાગી. મંથને રૂમ બંધ કર્યો અને એક કડવા સ્મિત સાથે, થયેલ ચોરી અંગે આગળ શું કાર્યવાહી કરવી તે વિષે વિચારવાનું શરુ કર્યુ.
ત્યાં તો તેના પુત્ર અમર નો ફોન આવ્યો. અમર એક નંબરનો મજાકીયો હતો. મંથને અમરને એટલું જ બતાવ્યું કે આપણા ઘેર ચોરી થઇ ગઇ છે પણ ખાસ કશું ગયું નથી. અમરે કહ્યું પાપા, કાંઇ ચિંતા નહી, આપણે તો સલામત છીંએ ને. પાપા તમે એક કામ કરો, મમી આવે તે પહેલા એક સીસીટીવી કેમેરા ઘેર લગાવડાવી દો. મમી સીસીટીવી કેમેરા જુએ તો એ શું કહે ખબર છે? કહે “ઉ-લાલા!” ઇસકો લગા ડાલા તો લાઇફ જીંગાલાલા. મંથને અમરને કહ્યુંં સાચી વાત છે બેટા ને પછી મનોમન કહ્યુંં કે તને શું ખબર છે બેટા કે ઉપર વારા ભગવાનના સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ ક્યારે અને કઇ રીતે ખૂલતું હોય છે?