Nayanaben Shah

Drama Tragedy Inspirational

2.5  

Nayanaben Shah

Drama Tragedy Inspirational

પહેલો પગાર

પહેલો પગાર

8 mins
341


લોપા બારણા પાસે રાહ જોઇને ઉભી હતી. પણ પોતે પતિની પ્રતિક્ષા કરી રહી છે એ વાત ઘરના પર પ્રદર્શિત ના થઇ જાય એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી. છેલ્લા બે વર્ષથી એની બધી ઈચ્છાઓ મનમાં દાબી રાખી હતી. લગ્ન બાદ એના હરવા ફરવાના દિવસો હતા ત્યારે સાસુની બીમારી હતી. સાસુ બીમારીમાંથી ઉઠ્યા તો ખરા પણ જયારે લોપાએ એના મનની ઈચ્છા પતિ સમક્ષ વ્યક્ત કરી ત્યારે મનન બોલી ઊઠ્યો, “લોપા, લગ્ન બાદ ફરવા હરવાની તું અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. પણ હજી હું ભણું છું અને ફરવા જઈએ તો ખર્ચ થાય. એ ખર્ચો કરવા માટે મારે પપ્પા પાસે જ પૈસા માંગવા પડે. જે હું ક્યારેય ના માંગુ અને આપણી સમક્ષ તો આખી જિંદગી પડી છે. લોપા, તને દુઃખ ના પડે એની હું પૂરેપૂરી તકેદારી રાખીશ. બસ, હું કમાતો થઉં ત્યાં સુધી તું ધીરજ રાખ.” આટલું બોલી મનને પત્ની સામે જોયું તો પત્નીનો ચહેરો મુરઝાઈ ગયો હતો. આ વાત મનન ના ધ્યાન બહાર ન હતી. તેથી સહેજ અટકીને બોલ્યો, ‘લોપા, હું સમજી શકું છું તારું હૃદય, મારી ઈચ્છા પણ એવી જ હતી કે હું કમાતો થઉં પછી જ લગ્ન થાય. પણ મમ્મીની બિમારીમાં કોઈ વ્યક્તિની જરૂર હતી. મારી મમ્મી અને તારી મમ્મી ખાસ બહેનપણી હોવાના નાતે આપણું નક્કી કરી રાખ્યું હતું.’ તારી મમ્મીએ તો મારી મમ્મીની સેવાચાકરી કરવા તને મારે ત્યાં મોકલી આપી. પણ તારું અમારે ત્યાં રહેવું એ ચર્ચાનો વિષય બની ગયો હતો. તેથી તો મમ્મીએ મને સમજાવ્યો કે, ‘મનન, તારે લગ્ન કરવા જ પડશે.’ અને હું મારા મમ્મી પપ્પાની ઈચ્છા આગળ મજબુર હતો. લોપા તું મને પસંદ છું પણ આટલી બધી જલદીથી જવાબદારી સ્વીકારવાની મારી તૈયારી ન હતી.

ત્યારબાદ લોપાએ ક્યારેય કોઈ વસ્તુની માંગણી કરી ન હતી. મનનના મમ્મી પપ્પા લોપાને દીકરી કરતાં પણ અધિક રાખતા હતા. અવારનવાર લોપા માટે સાડીઓ અને મનગમતી વસ્તુઓનો ઢગલો કરી દેતા, એટલું જ નહી, પણ લોપાની બહારગામ જવાની ઈચ્છા એ સમજી ચુક્યા હતા. તેથી લોપાને એના સાસુ સસરા બહારગામ ફરવા લઇ ગયેલા. અને એ સમય દરમ્યાન દાદા માટે ટીફીન બંધાવી દીધું હતું. લોપા પોતાની જાતને નસીબદાર ગણતી છતાંય અંતરના ઊંડાણમાં એક ઈચ્છા સતત રહેતી કે પોતાનો પતિ પોતાની મનગમતી વસ્તુ એને ભેટ આપે.

મનન બહારગામ રહી ભણતો હતો. ઘરમાં મનનના મમ્મી પપ્પા તથા દાદા જ હતા. લોપાને દાદાનો પ્રેમ પણ મળી રહેતો અને દાદા તો લોપા નાની ઢીંગલી હોય એમ એના માટે બહાર જાય આવે ત્યારે ફળોનો ઢગલો કરી દેતા. લોપાને ક્યાંય કોઈ વાતની કમી ન હતી. 

વેકેશનમાં મનન ઘેર આવે ત્યારે લોપાની અપેક્ષા રહેતી કે મનન વધુ ને વધુ સમય એની સાથે જ વિતાવે. જયારે મનન મોટેભાગે રાતના મોડે સુધી દાદા જોડે ગપ્પા મારતો હોય અને દાદા તો મનનને જોઈએ એક ઉત્તમ શ્રોતા મળ્યાનો આનંદ અનુભવતા.

જયારે જયારે મનન પાછો હોસ્ટેલમાં જતો ત્યારે ત્યારે કહેતો, ‘લોપા, દાદાનું ધ્યાન રાખજે.’ જાણે કે દાદા નાનું છોકરુ ના હોય ? અને દાદા જોડે પોતે શું વાત કરે ? દાદા કાને ઓછું સાંભળે, જયારે જયારે વાત કરવી હોય ત્યારે ત્યારે મોટે મોટે થી ઘાંટા ઘાંટ કરવા પડતા. જે લોપાને પસંદ ન હતું. અને આમ પણ એના સાસુ સસરા પણ દિવસ દરમ્યાન દાદા જોડે ક્યાં વાત કરતાં હતા ? અને દાદાનું પણ શું ? એ ચૂપચાપ શા માટે પડી રહેતાં નથી ? એક તો પોતે કાને એકદમ ઓછું સાંભળે અને કોઈપણ બે વ્યક્તિ વચ્ચે વાત થતી હોય તો વાત સાંભળવાનો લોભ એ છોડી શકે નહીં. શું વાત કરી એ ના કહીએ તો નાના છોકરાની જેમ રિસાઈ જાય જાણે કે આખી દુનિયા માત્ર એમની જ વાતો કરતી હોય. અરે, ટી.વી પર પણ છાનામાના પિક્ચર જોયા કરતાં હોય તો ઠીક થોડી થોડી વારે બોલશે, ‘લોપા, જરા અવાજ મોટો કરને.’ જાણે કે આજુબાજુ કોઈ રહેતું જ ના હોય ! લોપાને થતું એ કહી દે, ‘દાદા, તમને સંભળાતું ના હોય તો છાનામાના પિક્ચર જોયા કરોને.’ પણ બીજી જ પળે ગુસ્સામાં એનું મન કહેતું, ‘ક્યાંક દાદા એવું માનતા હશે કે પિક્ચરવાળા પણ એમની વિરુદ્ધ વાતો કરે છે અને દાદા... કેવા અસંસ્કારી છે કે મોટે મોટેથી બોલે છે.’

લોપા દાદા વિરુદ્ધ વિચારે એ સ્વાભાવિક જ હતું. કારણ નાનપણથી લોપાના સાસુ લોપાની મમ્મીને મળવા આવતા જતા હતા અને જેમ દરેક ઘરમાં બને છે એમ આ ઘરમાં પણ લોપાના સાસુ સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા. પરંતુ પતિ એકનો એક પુત્ર હોવાના નાતે જુદા રહેવાનું શક્ય ન હતું. તેથી વાત વાતમાં સસરા સામે વિરોધ વ્યક્ત કરતાં હતા અને દરેકે દરેક વિરોધથી લોપાના મમ્મી પરિચિત હતા. તેથી તો લોપાને માટે ફળોનો ઢગલો કરનાર દાદા પણ પ્રેમના પાત્ર બની શક્યા ન હતા. કારણ નાનપણથી દાદા વિરુદ્ધ એણે માત્ર ફરિયાદો જ સાંભળી હતી. એના, મનમાં દાદા એટલે ઘરમાં એક વધારાનું વણ જોઈતું પાત્ર - કદાચ દાદા બધાનો ગુસ્સો ઉતારવા માટેનું ઉત્તમપાત્ર હતું. કારણ દાદાને ગમે તેટલી અસંસ્કારી ભાષા વાપરો પણ દાદા સાંભળી શકતા ન હતા. જો કે માણસના બોલવાના હાવભાવ પરથી કંઈ જ સમજી ના શકે એટલા દાદા અબુધ પણ ન હતા. પણ દાદા જાણે કંઈ જ બન્યું ના હોય એમ વર્તતા હતા. લોપા ઘણીવાર મનનના દૂર રહેવાનો અસંતોષ દાદા પર ગુસ્સો કાઢીને સંતોષી લેતી હતી.

દાદાએ તો ધીરે ધીરે ઘરમાં બોલવાનું ઓછું કરેલું પણ દાદાની દરેકે દરેક વર્તણુક ઘરની દરેક વ્યક્તિ માટે અસભ્ય જ રહેતી. દાદા મોડે સુધી ઉધરસ ખાય તો બીજે દિવસે લોપાના સસરા કહેતાં, ‘પપ્પા, આખી રાત ઉધરસ ખાઈ ખાઈને અમારી ઊંઘ બગાડો છો. એના કરતાં દવા લઇ આવો ને !’

દાદા દયામણું મોં કરીને કહેતાં, ‘બેટા, દવા તો લઇ આવ્યો, પણ દવાથી ફેર નથી.’ ધીમે ધીમે ફેર પડશે.

‘તમને ધીરે ધીરે ફેર પડશે પણ તમારા અવાજથી ઊંઘ બગડી બગડીને અમે માંદા પડીશું. આ ઉંમરે તમારે શું ? ડૉકટરે દવા તો સારી આપી હશે પણ કાને ક્યાં બરાબર સાંભળે છે ! માર્યું હશે ઊંધું.’ 

દાદા વળતી દલીલ કરતાં નહીં. પણ એમના મોં પર લાચારીના ભાવ આવી જતા... જો કે જયારે જયારે મનનની હાજરીમાં આવું બને ત્યારે મનન જરૂર દાદાનો પક્ષ લેતા કહેતો, ‘પપ્પા, તમને એવું લાગતું હોય તો તમે દાદાજી જોડે દવા લેવા જાવને ?’

અને મનનના પપ્પા ગુસ્સાથી બરાડી ઉઠતા, “મનન... મારી પાસે એવો ફાલતુ સમય નથી પપ્પા તો નિવૃત્ત છે એમને શું ? બે ટાઈમ તૈયાર થાળી ખેંચી લેવી. એમની પાસે તો ટાઇમે ટાઇમ જ છે. કેટલીકવાર મેં કહ્યું કે તમે સવારે ઉઠીને ચાલવા જાવ. પણ સાંભળતાં જ નથી. સવારે કેટલા બધા વૃદ્ધો ચાલવા આવે છે. ઘરની બહાર જાય તો એટલી વાર ઘરના બૈરાઓને તો નિરાંત થઇ જાય.”

મનનને કહેવાનું મન થતું કે દરેક વૃદ્ધોની તબિયત એકસરખી હોતી નથી. દાદાજી સવારમાં ફરવા જાય તો ઠંડીને કારણે શ્વાસ પણ ચઢે અને ઉધરસ પણ થઇ જાય. દરેક વ્યક્તિની પ્રકૃત્તિ સરખી હોતી નથી અને દાદાની ઉંમરની વ્યક્તિએ તો આરામ જ કરવાનો હોય. પણ મનન ચૂપ રહેતો. મનનના મમ્મી પણ સસરા પર વારંવાર ગુસ્સો કરી લેતા. કહેતાં કે આ ‘ડોસા’ ને લીધે મારો પગ બંધાયેલો રહે છે. કોણ જાણે ક્યારે છૂટીશું ?

દાદા ક્યારેક નજીક બેઠા હોય અને પૂત્રવધુ મોટા અવાજે બોલાતી હોય તો એ મનમાં સમસમીને બેસી રહેતાં. કહેવાનું મન થતું કે તમે બધા હમણા ફરવા ગયા ત્યારે મારા માટે ટીફીન બાંધેલું અરે, તમે આવીને એકવાર પણ પૂછ્યું કે, “તમને ટીફીન ખાવાનું ફાવ્યું કે નહી ?” અને પોતે ક્યાં કોઈ પર બોજરૂપ હતા. એમનું પેન્શન આવતું હતું. એમાંથી એમનો ખિસ્સા ખર્ચ નીકળતો હતો. દવાના પૈસા માટે પણ એમણે પુત્ર પાસે હાથ લંબાવ્યો ન હતો અને બાકી રહેલા પૈસા પડે પણ પોતે તો ઘરના સભ્ય માટે કંઇક ને કંઇક વસ્તુ ખરીદીને સંતોષ માનતા હતા. ઘરની બધી વ્યક્તિઓ સાથે બહાર જતી ત્યારે કોઈ ક્યારેય દાદાને પૂછતું ન હતું કે, “દાદા, તમારે આવવું છે ?” અરે, એટલે સુધી કે ઘરમાં જો કોઈ વ્યક્તિ આવે અને એના ગયા પછી દાદા પૂછ કે, “આ કોણ હતું ?” તો પણ દાદા ઘરની એ વ્યક્તિના ગુસ્સાને પાત્ર બનતા, “કેમ આ ઉંમરે તમારે એ બધુ જાણીને શું કામ છે ?” કોઈ મહેમાન જોડે ક્યારેક દાદા વાત કરે તો પણ મહેમાન ગયા પછી દાદાને ઠપકો સાંભળવો પડતો, “કોઈ પણ આવે તો તમે વચ્ચે વાતો કરવા આવી જ જવાના. એક બાજુ છાનુમાનુ તમારાથી બેસી નથી રહેવાતુ ?”

હા, છતાં પણ ઘરમાં મનન જ એક એવી વ્યક્તિ હતી કે જે દાદાની સંભાળ લેતો. દાદાને ઓછામાં ઓછુ મન દુઃખ થાય. દાદા ખુશ રહે એ માટે એ પ્રયત્નશીલ રહેતો. ઘરનાને મનનનું વર્તન ખૂંચતું. પણ મનન એકનો એક પુત્ર હોવાને નાતે એને વધુ તો કંઈ કહીં શકાય એમ ન હતું.

લોપાની નજર ઘડિયાળ તરફ ગઈ. સાત વાગવા આવેલા. દરરોજ સાડા પાંચે ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ સાત વાગ્યા સુધી આવી ન હતી. લોપા બેચેન હતી. જો કે એના મનના ઉંડાણમાંથી એ ખુશ હતી એ વિચારતી હતી કે આજે પતિનો પહેલો પગાર છે તો મારા માટે સાડી ખરીદવા જ ગયા હશે. લોપાના સાસુ અનુભવી હતા. એ લોપાની બેચેની સારી રીતે સમજતા હતા. પરંતુ એમને પણ મનમાં આશા હતી જ કે મનન પત્ની માટે નહીં પણ મારા માટે કંઈ ખરીદીને લાવશે. કારણ મનન શરમાળ છે અને આટલાં વખતથી અમે લોપા માટે પૈસો પાણીની જેમ ખર્ચ કરીએ છીએ. એ વાત મનન જરૂર લક્ષમાં લેશે. એકાદવાર મનન બોલેલો પણ ખરો, “મમ્મી, તું અને પપ્પા લોપા પાછળ આટલો બધો ખર્ચો કેમ કરો છો ?” ત્યારે એના મમ્મીએ કહેલું, “મનન હમણા અમે ખર્ચ કરીએ છીએ. તું કમાતો થાય ત્યારે તું કરજે.” અને મનન ના મમ્મીએ ગૌરવભર્યું સ્મિત કરેલું. 

“લોપા, સાત વાગ્યા દાદાની થાળી પીરસ નહીં તો પાછા કહેશે, મોડો જમ્યો તો મને ગેસ થયો.” કહેતાં લોપાના સાસુએ મોં બગાડ્યું.

લોપા થાળી પીરસી કહી રહી હતી, “દાદા જમવા ચાલો.” પણ દાદા એમની જગ્યાએથી ખસ્યા ન હતા. તેથી તો લોપાના સાસુ ગુસ્સે થઇને બોલ્યાં હતા, “લોપા, મોટેથી બોલ, એ બહેરો નહીં સાંભળે.”

“મ...મ્મી” એકાએક મનનને ઘરમાં પ્રવેશતા જ ગુસ્સો કર્યો. મનન મમ્મી સામે જોઈ બોલ્યો, “મમ્મી, આટલાં વખતથી તું અને પપ્પા દાદાનું અપમાન કરતાં આવેલા એ હું જોતો આવેલો. પણ હું મજબુર હતો કે હું કમાતો ન હતો. તું અને પપ્પા દાદા જોડે એવું વર્તન કરો છો એવું વર્તન જો હું તમારી જોડે કરું તો તમારૂ શું થાય ? મમ્મી દાદાને વારંવાર તમે ‘બહેરા’ નું બિરુદ આપો છો. તમે ક્યારેય એવું કેમ ના વિચાર્યું કે દાદાને એમની બહેરાશનો અહેસાસ જેમ બને તેમ ઓછો થાય. લોપા મારી બીકે દાદા વિરુદ્ધ બોલતી ન હતી. પણ દાદા સાથે પ્રેમથી વર્તતી પણ ન હતી. કારણ લોપાના માનસમાં દાદા એટલે વણજોઈતું પાત્ર. એવી છબી બધાએ ઉપસાવી હતી. મમ્મી તમને બધાંને જો માત્ર દાદા જ વધારે પડતા હોય તો હવે હું કમાતો થયો છું. હું દાદાને લઈને જુદો રહીશ. મમ્મી, યાદ છે મને નાનપણમાં એક ઢીંગલી બહું ગમતી હતી. એ ઢીંગલી લીધા વગર હું રાત્રે સુતો પણ નહીં. તું એ ઢીંગલીને બહું જ સાચવીને રાખતી. એના માટે કપડા પણ સીવતી. કારણ માત્ર એટલું જ કે એ ઢીંગલી મને પ્રિય હતી અને મારી પ્રિય વસ્તુનું તું જતન કરતી. પરંતુ મારી પ્રિય નિર્જીવ ઢીંગલીનું જતન કરનારી તું, એ ના સમજી શકે કે, મારા પ્રિય સજીવ દાદાની જતન કરી તું મને ખુશ રાખી શકીશ.”

અને હા, તમે બધા સાંભળી લો હવે મારા દાદા બહેરા રહ્યા નથી. કારણ મારા પહેલા પગારમાંથી હું દાદા માટે કાને સંભાળવાનું મશીન લાવ્યો છું.  


Rate this content
Log in

Similar gujarati story from Drama