STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Tragedy Crime Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Tragedy Crime Others

પગલી

પગલી

3 mins
471

પીડિતા એક ચૌદ-પંદર વર્ષની મંદબુદ્ધિ સગીરા પ્રજ્ઞા હતી. ગામમાં પોતાની વિધવા માતા રતનબેન સાથે મામા કિશોરભાઈના ઘરે રહેતી હતી.

પ્રજ્ઞા મંદબુદ્ધિ વાળી હોવાથી, ગામના લોકો તેને પગલી કહીને બોલાવતા હતા.

આખો દિવસ ઉછળકૂદ અને ધમાલ મસ્તી કરતી છોકરી પગલી, અચાનક ચૂપચાપ રહેવા લાગી હતી. કોઈને પોતાની પાસે આવવા દેતી નહોતી. કોણ જાણે હમણાંથી એને શું થયું હતું, એક ખૂણામાં સંકોચાઈને બેસી રહેતી હતી. માં વહાલ કરે તોપણ એને હડસેલી દે, અને ડરી રહી હોય તેમ ફાટી આંખે બસ જોયા જ કરે. 

છેલ્લાં એક વર્ષથી પગલીને નિયમિતપણે આવતું માસિક બે મહિનાથી બંધ થઈ ગયું હતું. રતનબેન માટે તો આ મોટી ચિંતાનો વિષય હતો. એમણે પોતાની અંગત અને વિશ્વાસુ બેનપણી સવિતા કે જે સૂયાણી પણ હતી, એને પગલીને બતાવ્યું. સવિતાબેને તપાસ કરીને કહ્યું કે આ છોડીને તો મહિના છે. 

રતનબેનને તો જાણે પગ તળેથી ધરતી ખસી ગઈ. તેઓ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા. રતનબેનનું દિલ રડી રહ્યું હતું, અને એ વિચારી રહ્યાં અ..ર..ર ! આ મારી ફુલ જેવી છોડીને કોણે અભડાવી હશે ? કોણ હશે એ રાક્ષસ જેણે મારી પગલી નાં આવા હાલ કર્યાં ? એકવાર એ નરાધમ મારા હાથમાં આવી જાય, મને ખબર પડે, કે એ કોણ છે ? તો એને જીવતો ના મેલું !

રતનબેન ના ગુસ્સાનો પાર નથી, એના મનમાં તોફાન મચી ગયું છે.

પગલી હજુ પણ ચૂપચાપ બેઠી છે. માં એ ફેરવી ફેરવીને ખુબજ પૂછપરછ કરી પણ પગલીને કશું સમજણ પડતી નથી, કે પછી ! એ કંઈ કહેવા જ માગતી નથી. કોઈનું નામ દે તો ખબર પડે ને ? એની સાથે રમવા આવતાં બાળકો બધાં એના કરતાં નાની ઉંમરના હતા. તેથી કોને પૂછવું એ પણ એક સવાલ હતો.

એક દિવસ અચાનક રતનબેનને પોતાના દરેક સવાલના જવાબો મળી ગયા, એ દિવસે વહેલી સવારે કિશોરને પગલીની સાથે કંઇક અડપલા કરતાં, રતનબેન જોઈ ગયાં. અને તરત જ કિશોર ને બાવડું ઝાલીને, ઢસડીને સરપંચના ઘરે લઈ ગયા. અને સરપંચને બધી વાત કરી. સરપંચે કિશોરની પૂછપરછ કરી, અને અંતે કિશોરે પોતાનો ગુનો કબૂલ કર્યો. સરપંચે રતનબેનની સાથે જઈને પોલીસમાં ફરિયાદ કરી. 

કોર્ટમાં કેસ ચાલ્યો વકીલોએ રતનબેનની અને પગલીની પૂછપરછ કરી. પણ પીડિતાને પોતાને તો પોતાની પીડાનું ક્યાં ભાન જ હતું ! એ વાતનું દુઃખ કહેવું ? કે ઈશ્વરનું વરદાન ? 

કારણકે આ કોર્ટ-કચેરી અને કેસની તારીખોમાં મહિનાઓ વિત્યે જતા હતાં. 

અને પગલી ! હસી હસીને માં ને કહેતી કે "જો માં આ મારાં પેટની અંદર મને કોઈક અડકે છે, માં આ જોને અંદર કોઈક મને ગલીપચી કરે છે, જો જોને માં આ કોઈ મને અંદરથી લાતો મારે છે." અને પગલીની આવી વાતો સાંભળીને રતનબેનનું કાળજું કળીએ કળીએ કપાતું હતું, પણ શું થાય ! આ કેસનો ક્યાંય નિવેડો આવતો નહોતો. 

કિશોરે સરપંચની સામે ગુનો કબુલીને પછી કોર્ટમાં પોતાના બયાનથી ફરી ગયો હતો. હવે એ કહેતો હતો કે પોતે કોઈ ગુનો કર્યો જ નથી. પોલીસના ખૂબ માર અને ખૂબ દબાણપૂર્વક પૂછપરછ છતાં હવે એ કબૂલ કરતો ન હતો. અને પગલી પોતાની વાત કહી શકે એવી સમજદાર નહોતી. રતનબેનને સમજાતું નહોતું કે હવે શું કરવું ?. 

આજે પણ કોર્ટની તારીખ હતી રતનબેન અને પગલી કોર્ટમાં હાજર હતા વકીલોએ સામસામે દલીલ કરી અને પગલીને પૂછવા માટે બોલાવી પગલીએ કિશોરને જોતાંવેંત જ ચીસ પાડી ઉઠી. માં માં કહેતી દોડીને રતનબેનના ખોળામાં માથુ મૂકીને રડવા લાગી. અને રતનબેને પગલીને પૂછ્યું "મામા એ શું કર્યું ? " જવાબમાં પગલીએ કિશોરની સામે આંગળી ચીંધીને પોતાના શરીરને છૂપાવતી હોય, સંતાઈ જાતી હોય, એવા પોતાના હાથ વડે ઈશારાથી જ બધું સમજાવી દીધું. 

કોર્ટમાં હતા એ બધા જ પગલીના બયાનથી સ્તબ્ધ થઈ ગયા હતા. અને છતાંય પીડિતા એક પાગલ મંદબુદ્ધિ છોકરી હતી તેથી એના આ ઈશારાઓને બયાન તરીકે ગણતરીમાં ન લેવાયા. અને પુરાવાઓના અભાવે કિશોર છૂટી ગયો. 

અને બીજા દિવસે રક્ષાબંધન હતું. રતનબેને કિશોરને પોતાના હાથે બનાવેલી મીઠાઈ ખવડાવી, રાખડી બાંધી અને કહ્યું "ભગવાન તારા આત્માને શાંતિ આપે. તારા પાપની માફી આપી, અને તારા જીવને સદગતિ આપે. બસ ! એટલી પ્રાર્થના જ હું તારા માટે કરી શકીશ."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy