પગ જમીન પર
પગ જમીન પર
કેવલ્ય આજે ભૂતકાળ યાદ કરતો હતો. કેવો ભવ્ય ભૂતકાળ હતો ! કયાંય દુ:ખનો પડછાયો પણ કયાં હતો ! કેટલી સુખ સાહ્બી ભોગવી ! કોઈ વાતની કમી જ કયાં હતી. વર્ષમાં બે વાર તો સહકુટુંબ ફોરેનની ટૂર કરતાં હતાં. કેવલ્યની દુનિયા એટલે એનો ધંધો તથા પત્ની અને બાળકો.
જોકે કોઈ વ્યક્તિ રાતોરાત પૈસાદાર મહેનત વગર બને તો સ્વાભાવિક છે કે એ પૈસામાં મહેનતની સુવાસ ના હોય પરંતુ એમાં અનેક વ્યક્તિઓનું શોષણ ભળેલું હોય.
જયારે એની પાસે પૈસાની રેલમછેલ હતી ત્યારે એને કેટકેટલાનું અપમાન કરેલું એ તો ઠીક એને કોઈને પણ મદદ કરી ન હતી. આજે એની પાસે પૈસા તો હજી પણ કોથળા ભરાય એટલા છે.પરંતુ એ દુનિયાનો સૌથી ગરીબ વ્યક્તિ છે.
કોરોનામાં પત્ની તથા બાળકોના મૃત્યુ બાદ કેવલ્ય સાવ જ એકલો પડી ગયો હતો. હવે અઢળક પૈસો હોવા છતાં પણ સૌથી ગરીબ હતો. ખરેખર એટલે જ કહેવાય છે કે પક્ષી ગમે તેટલી ઊંચી ઉડાન ભરે પણ છેવટે તો એ જમીન પર જ આવી જાય છે. કુદરત તો મનુષ્યને ઘણું શીખવાડે છે. આંબા પર કેરી આવે તો એની ડાળીઓ નીચી નમે છે.
આખરે એ સમજી ગયો કે મોટરબંગલા કે પૈસામાં સુખ નથી. પૈસો હોવા છતાં પણ સુખી હોવું જરૂરી નથી.
