Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

પડદો

પડદો

7 mins
406


વાસવી વિષે વાંચીને મને ખબર ના પડી કે મારે ખુશ થવું કે દુઃખી થવું ? પરંતુ જે હોય એ મને વાસવીના અવસાનનું દુઃખ જરૂર હતું. વર્તમાનપત્રમાં વાત્સલ્ય અને વખતે મા વિષે જે શ્રદ્ધાંજલિ આપતા શબ્દો લખ્યા હતા એ વાંચીને મને એટલો ગુસ્સો આવ્યો કે મેં છાપાનો ડૂચો વાળીને જમીન પર ફેંકી દીધો. મનમાં જ હું બોલી ઊઠી,"હે ભગવાન તેં કળિયુગમાં આવા દંભી માણસો શા માટે બનાવ્યા છે ?"

શ્રદ્ધાંજલિના શબ્દો વાંચનાર તો ભાવવિભોર થઈ જાય. જો કે મને તો વિશ્વાસ હતો કે આ શ્રદ્ધાંજલિ પણ કોઈક લેખકને પૈસા આપીને લખાવી હતી. મા વિષે આટલું સુંદર વર્ણન તો જેને ખરેખર મા માટે પ્રેમ હોય એ જ દિલથી આવું લખી શકે. પાછા એ લોકો લખે છે કે કુદરત, એ તો અમારી અમાનત છે. તારા માટે એ ભલે આત્મા હોય અમારા માટે તો જિંદગી હતી. અમે તને વહેતા આંસુના અભિષેક અને યાદગીરીના પુષ્પો અર્પણ કરીએ છીએ. ખરેખર તો " ખોખુ ગયું અને ચોખ્ખુ થયું"આ બંને છોકરાઓની એવી માનસિકતા હતી.

વાત્સલ્ય અને વખત બે સગાભાઈઓ. બંને જણાને ખાસ ભણવામાં રસ નહીં. પરંતુ એમના પિતાને સરકારી નોકરી. પગાર દિવસે દિવસે વધતો જ જતો હતો. ઓછા વ્યાજની લોન પણ મળતી હતી. તેથી તો એના પતિએ લોન લઈ ત્રણમાળનો બંગલો બાંધી દીધો. એ કહેતાં બંને છોકરાંઓને એકએક માળ આપી દઈશ. ત્રીજેમાળ અડધોરૂમ અને અડધી અગાસી. રાત્રે અગાસીમાં સૂઈ જવું હોય તો ગાદલા ચઢાવવા ઉતારવા ના પડે.

મારો તો એક જ ધ્યેય છે કે મારા બંને છોકરાંઓ સુખી રહેવા જોઈએ. એમના સુખે અમે સુખી.

હું જ્યારે એના ઘેર જઉં ત્યારે હું કહેતી કે,

"વાસવી, તારે ત્યાં આવું ત્યારે લાગે છે કે ધરતી ઉપરનું સ્વર્ગ એટલે તારૂ ઘર. તારા બંને છોકરાંઓ તમારા બંનેનો પડતો બોલ ઝીલે છે. નસીબદારને આવા સંતાન પ્રાપ્ત થાય. "

મોટો દીકરો ગ્રેજ્યુએટ તો થયો. પરંતુ એને તો કહી દીધું,"મારે આગળ ભણવું નથી. "એને એના પિતાની ઓળખાણથી એક ખાનગી કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી મળી ગઈ.

નોકરી મળતાંની સાથે જ વાત્સલ્ય માટે માગા આવવા માંડ્યા. વાસવીને પણ એવું હતું કે મારી હયાતીમાં દીકરાને ઘેર દીકરા થાય તો હું એને રમાડું. મારી સારસંભાળને કારણે દીકરા વહુને જવાબદારી ઓછી.

બે વર્ષ બાદ નાના દીકરા વખતના લગ્ન વાસવીની ભત્રીજી સાથે જ થયા. એમનામાં ભાઈની દીકરી અને બહેનના દીકરાના લગ્ન થઈ શકે. વાસવી તો બહુ જ ખુશ હતી. એને ખુશ જોઈ મને ઘણો જ આનંદ થયેલો.

હું એને ફરીથી જ્યારે મળી ત્યારે બંને દીકરાઓને ત્યાં એક એક સંતાન હતું. વાસવી તથા એનો પતિ ખૂબ જ ખુશ હતા. કારણ એ દરમ્યાન વાસવીનો પતિ નિવૃત્ત થઈ ગયો હતો. હું ગઈ ત્યારે મને કહે,"અમે તો બાળકો સાથે બાળક બની ગયા છીએ. અમારૂ બાળપણ પાછું આવી ગયું છે. બંનેના મોં પર સંપૂર્ણ સંતોષ હતો. મને ખૂબ જ આનંદ થતો કે મારી સહેલી બહુ જ સુખી છે.

સુખના દિવસો પણ બહુ લાંબા ટકતા નથી. એક સવારે વાસવીના દીકરાનો ફોન આવ્યો કે પિતાનું અવસાન થયું છે. હું વાસવી પાસે પહોંચી. પણ મને સંતોષ હતો કે વાસવી ના બંને દીકરાઓ કહ્યાગરા હતા. એટલે વાસવી ક્યારેય દુઃખી નહીં થાય. પંદર દિવસ સુધી હું વાસવી સાથે રહી.

ત્યારબાદ અમે ફોન પર વાતો કર્યા કરતાં હતાં. વાસવી ઉદાસ રહેતી હતી. એ બહુ જ સ્વાભાવિક હતું એમ મને લાગતું હતું. સંજોગોને કારણે હું સાતેક મહિના સુધી વાસવીને મળી શકી નહીં.

જ્યારે હું વાસવીને ત્યાં ગઈ ત્યારે વાત્સલ્ય એ કહ્યું,"મમ્મી ઉપર છે" ઉપર વખતને ત્યાં ગઈ તો એને પણ એવું જ કહ્યું,"મમ્મી ઉપર છે. "

આખરે હું ત્રીજામાળે પહોંચી ત્યારે મેં જોયું કે વાસવી જમીન પર બેસીને સ્ટવ પર રસોઈ બનાવી રહી હતી.

મને મારી આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો. વાસવીને બબ્બે વહુઓ હોવા છતાં એ જાતે રસોઈ બનાવી રહી હતી ! એ પણ ત્રીજે માળ એકલી !

થોડીવાર રહી વાસવી બોલી,"આપણે આજે સાથે ચા પીઈશું" થોડીવાર રહી એ બોલી, "અરે, દૂધ ખલાસ થઈ ગયું છે. હું લઈ આવુંં. "

"એટલે તું બબ્બે દાદર ઉતરીને નીચે જઈશ. તને તારી જાતની ચિંતા છે કે નહીં ? તને બે વાર એટેક આવી ગયો છે તે ઉપરાંત બાયપાસ સર્જરી કરાવેલી આવા સંજોગોમાં તું વારંવાર નીચે ઉતરે છે ? અહીં તો કોઈ સગવડ પણ નથી સ્નાન કરવા તથા રાત્રે ઉઠવું પડે તો તારે નીચે જવાનું અને તે પણ અંધારામાં. વાસવી,તારા પતિનું ઘર છે. હવે એ તારૂ છે, બંને છોકરાંઓને ઘરની બહાર કાઢી મૂક. તું જીવે છે કે મરે છે એ જોવા પણ ત્રીજે માળ આવતાં નથી. છતાં પણ. . . . "

મારી વાત વચ્ચે કાપતાં એ બોલી ઊઠી,"તારી વાત સાચી. પણ હું શું કરૂ ? છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર ના થાય. હશે એમનામાં છોકરમત છે. "

"છોકરમત ! અરે એમના દીકરાઓ પણ સાત આઠ વર્ષના છે છતાંય એમનામાં છોકરમત ! વાસવી દીકરાઓના પ્રેમમાં તું અંધ બની ગઈ છું. તારી આંખો પર મમતાનો પડદો પડેલો છે. "

"પડદો એ તો મર્યાદાનું પ્રતિક છે. આપણા શાસ્ત્રમાં તો લગ્નમાં હસ્તમેળાપ વખતે હાથ પર કકડો ઢાંકેલો હોય છે. લગ્ન વખતે અંતરપટનો ઉપયોગ થાય છે. દીકરો પણ માબાપના દેખતાં દારૂ કે સિગરેટ પીતો નથી. બેઠકખંડ અને ડાયનીગ વિસ્તાર જુદો પાડવા લાકડાનું પાર્ટીશન કરવામાં આવે છે. માટે જ ઘરની વાત પર પડદો રાખીને ઘરની મર્યાદા સાચવુ છું. બસ,હવે તું કંઈ જ ના બોલીશ. "

"જ્યાં મમતાનો આંખ પર પડદો હોય એનું પરિણામ જાણવા ધુતરાષ્ટ અને દુર્યોધન વિષે વાંચી લેવું. માબાપની ફરજ છે કે બાળકોને સારા સંસ્કાર આપવા. નહીં કે વધારે પડતાં લાડ લડાવી બાળકને અધર્મ કરવા પ્રેરિત કરવું. "

તે દિવસ પછી મને વાસવીને ત્યાં જવું ગમતું જ નહીં. પરંતુ એક દિવસ વાસવી મારે ઘેર આવી. મને હાથમાં ત્રણ કવર આપતાં બોલી, "મને તારી પર જ વિશ્વાસ છે. મારા મૃત્યુ બાદ મારા વસિયતનામાનો અમલ થાય એ જવાબદારી તારી. વસિયતનામાનું રજિસ્ટેશન કરાવી દીધું છે. મને લાગે છે કે હવે હું લાંબુ જીવી નહીં શકુ. બહાર રિક્ષા ઊભી રાખી છે હવે હું જઉં. "

મેં એને રોકવા પ્રયત્ન કર્યો. પણ એને કહ્યું,"મારા મૃત્યુ બાદ કવર ખોલજે. મેં ઉપર નંબર લખેલા છે. એ મુજબ તું અમલ કરજે. "

મારા મનમાં કેટલાય વિચારો આવી ગયા. એના મોં પર નિરાશા લાગતી હતી. મને તો ઘણું જ દુઃખ થયું હતું. મનુષ્યને પોતાના મૃત્યુનો અણસાર આવી જતો હોય છે. મેં વિચારેલું કે થોડાદિવસ બાદ હું એના ઘેર જઈ આવીશ.

મારે એને ત્યાં અચાનક જ જવું પડ્યું કારણ એના દીકરાનો ફોન આવ્યો કે મમ્મીનું અવસાન થયું છે. હું ત્યાં પહોંચી ત્યારે બંનેે છોકરાંઓનું રૂદન જોઈને કઠણ કાળજાનો માણસ પણ રડી પડે. ત્યારે મને મનમાં થયું કે આ બંને ભાઈઓએ ફિલ્મઈન્ડસ્ટીઝમાં કામ કરવું જોઈએ. ભલભલાની છુટ્ટી કરી દેશે. કેટકેટલો દંભ ! મારી આંખોમાં આંસુ હતાં એક તો વાસવીનું અવસાન અને એના બંને બાળકોનો દંભ.

પંદર દિવસ બાદ હું વાસવીને ત્યાં ગઈ. જો કે મારી અનિચ્છા હોવા છતાં પણ વાસવીએ મારી પર વિશ્વાસ મૂકીને મને એનું વસિયતનામું સોંપીને ગઈ હતી. મારે મારી ફરજ બજાવવાની હતી. બાકી હું એ ઘરમાં પગ મૂકવા પણ તૈયાર ન હતી.

હું વસિયત લઈને ગઈ અને કવર ખોલ્યું. હું મારી પર લખેલો પત્ર વાંચીને ગઈ હતી. મેં કહી દીધું કે તમે આ વસિયત વાંચી જાવ. વાસવી એ આ ઘર તથા દાગીના વેચી જે પૈસા મળે એનું દાન કરવાનું નક્કી કર્યું છે. આ ઘર તમારે બે મહિના પછી ખાલી કરી દેવું. કારણ એ વેચી દેવાનું છે. બે મહિનામાં તમારે જે વ્યવસ્થા કરવી હોય એ કરી દેજો. બેંકમાં રહેલી રોકડ રકમમાંથી તમારે વાસવીની મરોણોત્તર ક્રિયા કરવાની રહેશે.

આ વખતે બંને છોકરાંઓની આંખોમાં આંસુ હતા. એમાં દંભ ન હતો. એમણ તો સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે એમની મમ્મી આવુંં અંતિમ પગલુ ભરશે. એમની પત્નીઓએ પણ `મમ્મી´ કહી પોક મૂકી. એ સાચા આંસુ હું જોઈ રહી.

વાસવીએ પત્રમાં લખ્યું હતું એ મુજબ હું દોઢ મહિના પછી વાસવીના ઘેર ગઈ ત્યારે મારા હાથમાં વાસવીએ આપેલું ત્રીજું કવર હતું. વાસવીની સતામણીથી હું દુઃખી હતી. હું પણ બંને છોકરાંઓની આંખોમાં વેદના જોવા માંગતી હતી.

વાસવી એ મને પત્રમાં લખ્યું હતું કે તું દોઢ મહિના બાદ આ કવર લઈને મારે ઘેર જજે. એ મુજબ હું એમને ત્યાં જઈને બોલી,"ઘર શોધવાનું કામ કેટલે આવ્યું ?"બંને જણાં રડી પડ્યા. બોલ્યા,"અમારાથી ભૂલ થઈ ગઈ પણ હવે શું થાય ?"

એ પત્રમાં વાસવી એ લખેલું "મને બંને દીકરાઓએ બહુ જ ત્રાસ આપ્યો છે. તેં કહ્યું એમ મને ઘણીવાર વિચાર આવેલો કે બંને દીકરાઓને કાઢી મૂકું. પણ હું એવું ના કરી શકી. હા,એમને પાઠ ભણાવવા માટે મેં જુદીજુદી તારીખના બે વસિયત નામા બનાવડાવ્યા છે. પહેલાં વસિયતમાં એમની અક્કલ ઠેકાણે લાવવા જ લખ્યું છે. એમના વ્યવહારથી હું પણ કંટાળી ગઈ હતી. કુટુંબીઓમાં આ વાત ફેલાતી ગઈ હતી. બધા ઈચ્છતા હતાં કે હું બંને દીકરાંઓને કાઢી મૂકું અને મારી મિલકત કુટુંબીઓને આપું. જેથી હું બધાને કહેતી કે મને ડૉક્ટરે દાદર ચઢવા ઉતરવાનું કહ્યું છે. હું છોકરાંઓનો પક્ષ લેતી રહી. મેં ધાર્યું હોત તો હું બધી મિલકત દાન કરી શકી હોત. જેમ પહેલાં વસિયતમાં એમની બુદ્ધિ ઠેકાણે લાવવા કરેલું એમ. પંદર દિવસ પછી બધા સગા જતા રહે એટલે જ મેં તને લખેલું કે પંદરદિવસ પછી પહેલું વસિયત વાંચજે. દોઢ મહિનામાં એમને લાગશે કે એમણે ઘણું ખોટુ કર્યું છે. બીજી વસિયત વખતે એટલે જ લખેલું કે અગાઉની વસિયત રદબાતલ ગણવી. પણ મેં મારી મિલકતના બે સરખા ભાગ પાડ્યા છે. જેથી છોકરાંઓએ મારા પ્રત્યે કરેલા વ્યવહારની સમાજમાં ખબર ના પડે. અમારા ઘરની આબરૂ સચવાઈ રહે. એમના ખરાબ વ્યવહાર પર હંમેશ પડદો પડેલો રહે. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy