પારિજાતની જૂઈ
પારિજાતની જૂઈ


શોપિંગ મોલમાંથી ખરીદી કરી પારિજાત જેવો પાર્કીંગ એરિયામાંમાં આવ્યો એવીજ એની નજર એક ખૂબસૂરત યુવતી પર પડી. તે જૂઈ હતી. હા એ જ જૂઈ જેને તેણે છેલ્લા સાત વર્ષથી જોઈ ન હતી. જૂઈ તેની સાથે રહેલા નાના બાળકને આઇસ્ક્રીમ ખવડાવી રહી હતી. તેની નજર પારિજાત પર પડી ન હતી. પારિજાતની થયું સાત વર્ષ પછી જોઈ છે જૂઈને, એ પણ તેના બાળક સાથે.
સાત વર્ષનો સમય કાંઈ ઓછો નથી. ઘણું બધું બદલાઈ જાય છે પણ જૂઈ તો હજુ એવી ને એવીજ લાગે છે. સાત વર્ષ પહેલા હતી એવી જ, નમણી નાગરવેલ. પારિજાતે વિચાર્યું કે હું પણ ક્યાં એવો ને એવો રહ્યો છું. હું પણ શ્રીમતી લત્તાદેસાઈનો પતિ છું. શહેરની ખ્યાતનામ કોન્વેન્ટ સ્કૂલમાં કે. જી.વનમાં ભણતા લવ દેસાઈનો પિતા છું. હું પારિજાત ક્યાં માત્ર પારિજાત રહ્યો છું. મારી આગળ- પાછળ ઘણાં વિશેષણો- સંબોધનો લાગી ચૂક્યા છે. બાય -ધ -વે જૂઈને પણ એજ પરિસ્થિતિ હશે. તે પણ કોઈની પત્ની, કોઈની માતા તો કોઈ ખાનદાની કુળવધૂ હશે. વિચારોમાંને વિચારોમાં પારિજાત ક્યારે જૂઈની નજીક જઈ ચડ્યો એનો ખ્યાલ તેને ન રહ્યો.
જૂઈએ ચમકીને તેની સામે જોયું. બંનેની આંખો મળી. બંને ભૂતકાળમાં સરી પડ્યા, પણ વર્તમાનમાં સૌને પાછા આવવું પડે છે તેમ તરતજ પાછા આવી ગયા. પારિજાતે કહ્યું
'કેમ છે ?'
જૂઈનો ટૂંકો ઉત્તર 'મજામાં'.
'શું નામ છે તારા બાબાનું' પારિજાતનો બીજો પ્રશ્ન.
'આદિત્ય, અલબત્ત એ મારો બાબો નથી પણ ભત્રીજો છે. હું હજી સિંગલ જ છું.'
એમ કહી એ હસી પડી અને ધીમેથી બોલી 'હજુ પણ તારીજ છું.' ત્યાં તો ડ્રાઈવરે હોર્ન મારી કહ્યું'ચાલો મે'મ'.જૂઈ તરતજ બાળક સાથે પાછળની સીટમાં ગોઠવાઈ. ડ્રાઈવરે ગાડી હંકારી મૂકી. પારિજાત એને જતી જોઈ રહ્યો અને બોલ્યો 'તું ભલે મારી છે, હું તારું નથી રહ્યો.'