Amrut Patel 'svyambhu'

Drama Inspirational

4  

Amrut Patel 'svyambhu'

Drama Inspirational

પાનખરમાં આવી કૂંપળ

પાનખરમાં આવી કૂંપળ

8 mins
389


હમણાં થોડા દિવસથી કુંદનરાયે બહાર ફરવા જવાનું ન છૂટકે મોકુફ રાખ્‍યું હતું. શરદી-તાવ અને ઉધરસની અસર જણાતા ર્ડાકટરની દવા ચાલુ કરી. વાતાવરણમાં ઉનાળાની શરૂઆત વર્તાતી હતી. ઘખતા બપોર બાદ સાંજે ફરવા જવા મન લલચાતું પણ તે નીકળતા નહોતા !

ઘરથી બહાર નીકળ્‍યાને તેમને ખાસ્‍સા દિવસો થયા હતાં. એટલે ઘરમાં મન મુંઝાતું હતું. છતાં તેમના ખંડમાં ખૂણામાં પડયા રહેતા. સીમા સવાર, બોપર અને સાંજનો નિયત સમય સાચવી કુંદનરાયને કોઈ વાતે ઓછું ન આવે તેનો પૂરેપૂરો ખ્‍યાલ રાખતી. આમ છતાં કુંદનરાયનાં બદલાયેલા વર્તનથી સીમા ચિંતિત હતી. 

સંદિપ તો તેના કામમાં વ્‍યસ્‍ત હતો. એટલે તેને પિતાનું આવું બદલાયેલું વર્તન નજરે ચડતું નહોતું.

સીમા ઘણીવાર કુંદનરાયના આવા બદલાયેલા વર્તનનો તાગ મેળવવા મથામણ કરતી પણ કંઈ સમજણ પડતી નહોતી. આજે પણ કુંદનરાયને બપોરની દવાનો ડોઝ આપવા ગઈ ત્‍યારે તેમનું વર્તન કંઈ જુદું જણાતું હતું. પહેલા જેવી વાતો પણ તે કરતા નહોતા. દવા આપી સીમા કુંદનરાયના બદલાયેલા વર્તન અંગે બાજુના રૂમમાં આવી વિચારતી રહી...

શરૂઆતનાં દિવસોમાં પપ્‍પા કેટલા સરળ અને નિખાલસ સ્‍વભાવના હતાં. જયારે આજે તેનાથી બિલકુલ વિરૂઘ્‍ધનું તેમનું વર્તન હતું... !

નિવૃત્ત થયા ત્‍યારથી જ તેમણે મન અને શરીરને પ્રવૃત રાખવા માટે તેમની મનગમતી પ્રવૃત્તિ શોધી લીધી હતી. વાંચવાની ટેવ તેમને શરૂઆતથી જ હતી. તે કયારેક સોસાયટીના ઓટલા પર બેસતા તો કયારેક મંદિરના ચોતરે જતા સાંજે નિયત સમયે બગીચે જઈ સરખી ઉંમરનાં નિવૃત્તના ગ્રુપમાં જઈ બેસતા.

નિવૃત્તિના શરૂઆતના દિવસો તેમને ભારેખમ લાગવા માંડયા. તે સમયે તેમણે કહયું હતું, 'બેટા હું એક ક્ષેત્રમાંથી મુકત થયો છું. પણ મારે હજી ઘણાં કાર્યો કરવાનાં બાકી છે.'

અમે આશ્‍ચર્ય વ્‍યકત કર્યુ. ત્‍યારે તેમણે કહયુઃ' હવે જ મારી ખરી પ્રવૃત્તિ શરૂ થાય છે.' અને તે પછી તેઓ તેમની પ્રવૃત્તિમાં જોડાયા.

નજીકની હોસ્‍પિટલમાં જઈ દદીઓ સાથે સમય ગાળતા તેમના સુખ દુઃખ જાણી તેમને મદદ કરતાં. તો કયારેક રેલ્‍વે, એસ.ટી., સ્‍ટેશને જઈ કોઈને ફોર્મ ભરવાથી માંડીને અજાણ્‍યા મુસાફરોને શહેરથી માહિતગાર કરી બનતી મદદ કરી દિવસો પસાર કરી લેતાં. મંદિરે, લાઈબ્રેરીએ કે સગાને ઘરે નવરાશની પળોમાં અખબારોમાં સાંપ્રત સમસ્‍યા પર તેમના વિચારો લખી મોકલતા. અખબારોમાં પ્રકાશિત થાય કે ન થાય તે તેમને મન મહત્‍વનું નહોતું. તો વળી કયારેક અખબારમાં આવતા સ્‍થાનિક જાહેર નિમંત્રણવાળા કાર્યક્રમોમાં પણ હાજરી આપતા.

આમ, નિવૃત થયાને શરૂઆતના દિવસોમાં તેમણે તેમની પ્રવૃત્તિ શોધી લીધી હતી.

બહારથી જયારે ઘેર આવતા ત્‍યારે તેમના હાથમાં અવશ્‍ય કંઈ ચીજવસ્‍તુ રહેતી. કયારેક બાળકોના રમકડાં તો વળી કયારેક બજારની ચટપટી વાનગી લાવી બધાને ખુશ કરતાં રહેતા.

ઘણીવાર સુજલબહેનને ત્‍યાં પણ જતા. પણ નેગેટીવ કયારેય વિચારતા નહોતા. અહીની વાત દીકરીને કે ત્‍યાંની વાત અહીં અમને કરતા નહોતા.

અમારા સાથે પણ ખપ પૂરતી જ વાત. કયારેય તેમણે અમને એવું કહયું નહોતું કે, અમારા જમાનામાં તો આમને અમારા જમાનામાં તો તેમ તેવી નિરર્થક તુલના કયારેય કરી નહોતી. કયારેક હું તેમના જીવન વિશે જાણવા માંગતી ત્‍યારે મહેણા-ટોણા મારવા સિવાય હળવાશથી વાત કરી લેતા.

પિન્‍કી અને મોન્‍ટુ સાથે બાળક બની જતાં. કયારેક તેમને ડ્રાઈવર સાથે ગાડીમાં શાળાએ લેવા-મુકવા પણ જતાં. તેમજ ધરના નાના-મોટા કામકાજમાં પણ સાથ સહકાર આપતા.

ખુબ સમજુ. તેમણે મનોવિજ્ઞાનના પુસ્‍તકો વાંચીને મનને કેળવી લીધું હતું.

નિવૃત્તિ બાદ કયારેય તેમણે ઘરના કોઈ સભ્‍યોની કોઈ હિલચાલ પર નજર રાખી નહોતી કે કોઈને દુઃખ થાય તેવું વર્તન પણ કર્યુ નહોતું. તે સારી રીતે જાણતા હતા શરીર સ્‍વસ્‍થ રહેશે તો ખરાબ દિવસો જોવા નહિં પડે આ ઉંમરે ખાવા-પીવામાં સંયમ રાખવો. રોજ સવારે ચાલવા જવું- તે તેમનો નિત્‍યક્રમ હતો. બીજાની જેમ બિમારીમાં તેમણે કયારેય સ્‍પેશ્‍યલ ટ્રીટમેન્‍ટ મળવી જ જોઈએ તેવી અપેક્ષા રાખી નહોતી.

ઘણીવાર સાંજે બગીચેથી આવી તેમના ગ્રુપોમાં થયેલી ચર્ચાઓ અંગે વાતો કરતાં અને કહેતા; 'બેટા સીમા, તમે તો મારી હાજરીથી અકળામણ નથી અનુભવતાને…?'

 'આ શું બોલો છો પપ્‍પા... ! તમારી હાજરીમાં વળી અમને અકળામણ થતી હશે ?'

' ના... બેટા આતો આજે તમારી બધાની વાત નીકળી- કે, 'હવે તો આ ઉંમરે ઘરના બધા સભ્‍યો આપણી હાજરીથી અકળામણ અનુભવે છે- દૂર ભાગે અને વૃઘ્‍ધોથી વાત કરવી ટાળે છે.'

    'પપ્‍પા... પણ દરેક વડીલનો સ્‍વભાવ-વ્‍યવહાર અલગ-અલગ હોય છે. તમે તમારા વ્‍યવહાર કે સ્‍વભાવથી અમને કયારેય ઓછું આવવા દીધું છે..?'

'ખરેખર સીમા બેટા તું સાચું કહે છે. રીસ્‍પેકટ ઈઝ કમાન્‍ડેડ નોટ ડીમાન્‍ડેડ- વ્‍યકિતનું જીવનને વર્તન જ એવું હોવું જોઈએ કે તેને આપોઆપ આદર પ્રાપ્‍ત થાય. મોટાભાગના લોકો મને આદર મળવો જ જોઈએ તેવી કઠોર ડીમાન્‍ડ સાથે રહેતા હોય છે.

કુંદનરાયના ખંડમાંથી ઉધરસના અવાજે સીમાની તંદ્રા તૂટી. તેણે મનને બીજી પ્રવૃત્તિમાં પરોવ્‍યું.

સાંજ પડતા સંદિપને ઘરે આવવાનો સમય થયો. કુંદનરાય ખંડની બારી પાસે આવી જીવનનો સરવાળો માંડતા હોય તેમ બહાર જોઈ રહયા...

ગામડેથી વધુ અભ્‍યાસ માટે આવેલો કુંદન કયારે કુંદનરાય બની નિવૃત્ત થયો. સમય જાણે સ્‍વપ્‍ન બની સરી ગયો.

શહેરમાં સંબંધીને ત્‍યાં રહી કોલેજનો અભ્‍યાસ પૂરો થતાં અને શહેરની જ યુવતી સાથે મનમેળ થતાં તેના સાથે લગ્ન કરી લીધા. ગામડે માતા-પિતાને સમાચાર મળતા તેઓ દુઃખી થયા હતાં.

કુંદન માતા-પિતા વિરૂઘ્‍ધ જઈ લગ્ન કરી શહેરમાં જ સેટલ થયો. સમયના વહેણમાં ભૌતિક સમૃઘ્‍ધિની એક પછી એક સીડી ચઢતો ગયો. પત્‍નીના સહારે સુખી અને સાધન સંપન્‍ન બન્‍યો. બે સંતાનનો પિતા બન્‍યો. બધી વાતનું સુખ હતું પણ તેમની પત્‍ની સુખ ભોગવવા ન રહી. સુજલ અને સંદિપ નાનાં હતા ત્‍યારે જ તેનું અવસાન થયું. આમ કોઈ મોટી બીમારી પણ નહોતી. પણ ડૉકટર બિમારી પકડી ન શકયા. તે દિવસે દિવસે છોડની જેમ સાવ સુકાતી ગઈ અને એક દિવસે બધાને છોડી ચાલી ગઈ... !

શરૂઆતનાં દિવસોમાં કુંદનરાય ભાંગી પડયા. તે પછી બન્‍ને સંતાનો પાછળ જીવન ખર્ચી નાંખ્‍યું.

સુજલ મોટી થઈ.ઉંમરે પહોંચતાં તેના લગ્ન કરી સાસરે વળાવી. સંદિપને પણ ભણાવીને ધંધે લગાવ્‍યો. અને આમ અન્‍ય કોઈ કામ ન રહેતા જીવનના બાકી દિવસો પસાર કરતા રહયો.

સંદિપ ઉંમરે પહોચતા તેમજ ધંધામાં પણ હવે તે સૅટલ હતો. એટલે કુંદનરાયને તેને એક બંધનમાં બાંધવાની ઈચ્‍છા થઈ. એક સવારે દીકરા સામે ઈચ્‍છા વ્‍યકત કરતાં બોલ્‍યા; 'બેટા સંદિપ, મારો મિત્ર જય દલાલને તો તું ઓળખે છે ને…?'

સંદિપ બોલ્‍યો; 'હા પપ્‍પા પેલા આણંદવાળા જ ને..?'

'હા બેટા એજ. એક દિવસે અચાનક મળ્‍યો હતો. વાતમાંથી વાત નીકળતા તેની દીકરી શ્‍યામલ માટે પૂછયું છે. કુંટુંબ સારું છે- છોકરી પણ આપણે જોઈ છે. આમ તો એ મારો મિત્ર જ એટલે હું તેને સારી રીતે ઓળખું છું. છોકરી પણ દેખાવડી અને ગુણવાન છે. એટલે મેં એ દિવસે જયદલાલને કહયું કે, ભમને તો આ સબંધ મંજુર છે.' સંદિપ બેટા... સંસાર તારે ચલાવવાનો છે. એટલે તને પૂછયા પછી જ આગળ વધીશું. મે તેને પછી જવાબ આપવા જણાવ્‍યું છે.જો તારી ઈચ્‍છા હોય તો… !'

'અરે હા પપ્‍પા... સારું થયું તમે મને પૂછયા વગર તેમને જવાબ ન આપ્‍યો. હું પણ તમને કેટલાક સમયથી એક વાત કહેવા માંગતો હતો.પણ અનુકુળ સમયની રાહ જોતો હતો. આજે જયારે વાત નીકળી જ છે તો- કહું છું. હું જયારે કોલેજમાં હતો ત્‍યારે મારા સાથે અભ્‍યાસ કરતી સીમા સાથે મારો પરિચય થયો હતો. અમે બન્‍ને નજીક આવતા એકબીજાને કૉલ આપ્‍યો છે. સીમા મને ગમે છે. તમે પણ તેને જોઈ છે. અમે બન્‍ને લગ્ન કરવા માંગીએ છીએ. બસ તમારા આશીર્વાદની જરૂર છે… !'

દીકરાની વાત સાંભળી કુંદનરાયના હૃદયે આઘાત અનુભવ્‍યો. મિત્રની દીકરીને ઘરમાં વહુ તરીકે જોવાની તથા લગ્ન થતા મિત્રતામાં ધનિષ્‍ટતા રહેશે તેવી તેમની આશા હતી.

પણ...

પોતાની ઈચ્‍છા પ્રમાણે દીકરાના લગ્ન ન કરાવી શકયો તેનો વસવસો મનમાં રહી ગયો. આમ છતાં મન મનાવી બધું ભૂલી સમય સાથે તાલ મિલાવતા રહયા.

સમયની રેત સરતી રહી.

કુંદનરાય પ્રોફેસરનાં વ્‍યવસાયમાંથી નિવૃત થયા. શરૂઆતનાં દિવસો તો અવનવી પ્રવૃત્તિઓથી સુખચેનમાં પસાર થતા ગયા.

પણ...

જેમ જેમ ઉંમર વધતી ગઈ. તેમ જાણે એમનું આજુબાજુનું ક્ષેત્ર સિમિત થતું ગયું હોય તેમના સ્‍વભાવમાં બદલાવ આવતો ગયો. તેમના બદલાયેલા આ હાવભાવથી સીમાને ચિંતા થતી હતી. તે નાની નાની વાતમાં પણ ખોટુ લગાડતા હતાં.

કુંદનરાયને સતત એવો ભાસ થયા કરતો કે, તેનો સંદિપ તેમનાથી દુર જતો હતો. અને તેનું મુખ્‍ય કારણ પણ સીમા જ હતી. આવા આળા વિચારો કરી કુંદનરાય દીકરા-વહુથી દુર જઈ રહયા હતાં. તે કારણે સતત એકલતા અનુભવતા. દીકરા-વહુના વર્તનને તે ચકાસતા રહેતા. નાની સરખી વાતમાં ઓછું આવી જતું તેમ છતાં કંઈ કહી શકતા નહોતા. અને આમ, એકલા એકલા મનના વિચારે દુઃખી થયા કરતા... !

સંદીપની ગાડીનો અવાજ આવતા કુંદનરાયના કાન સરવા થયા. બારી પાસેથી ઝડપથી પથારીમાં આવી ગયા. સંદિપ જેવો ઘરમાં દાખલ થયો ત્‍યાં તે ઉધરસ ખાવા લાગ્‍યા... !

તેમને ઉધરસ ખાતા જોઈ સંદીપે સીમાને પૂછયુ; 'હવે કેવું છે પપ્‍પાને નિયમિત દવા લીધી છે?'

સીમાનો અવાજ ધીમો હતો.એટલે કુંદનરાય દિવાલ પાસે જઈ કાન માંડી સાંભળી રહયા... સીમા બોલી; 'સંદિપ... પપ્‍પાનું વર્તન આજકાલ કંઈ અજુગતું લાગે છે. તમે કંઈ પૂછતા નથી. આપણાથી નારાજ હોય તેવું જણાય છે.'

'ના... ના... એવું કંઈ નથી. પપ્‍પા તો ખૂબ સમજુ છે. અને આપણે એવું તે શું કર્યુ છે કે તેઓ આપણાથી નારાજ થાય…' સંદિપ તેના કામકાજમાં વ્‍યસ્‍ત રહેતો હતો એટલે તેણે સીમાની વાત સહજતાથી લીધી.

'ન જાણે કેમ...મને એવું લાગે છે. તમે પૂછો તો ખરા કે તેમને કંઈ ઓછું તો નથી આવ્‍યું ને…' સીમાએ ચિંતા વ્‍યકત કરી.

'તેમની તબિયત અત્‍યારે ઠીક નથી. બહાર નીકળી શકતાં નથી એટલે મન મુઝાતું હશે. બાકી તું કહે તેમ આપણાથી તેમને શું ઓછું આવે. આમ છતાં હું પપ્‍પા સાથે વાત કરીશ. હું નથી માનતો કે એમને આપણાથી મન દુઃખ હોઈ શકે.'

 'ખરેખર તમારા કહેવા મુજબ જ હોય તો કેવુ સારું...? આપણા પપ્‍પા કેટલા સારા છે. કયારેય ઊંચા અવાજે બોલ્‍યા નથી. મને તેમની દીકરીની જેમ રાખે છે. આપણા બાળકોને પણ કેટલો વ્‍હાલ કરે છે. આજે જે કંઈ આપણે ભોગવીએ છીએ એમના લીધે. હવે આપણા લીધે તેમને દુઃખ ન પહોંચવું જોઈએ.'

'ખરેખર સીમા... તું સાચું કહે છે. મારે પપ્‍પાને થોડો સમય આપવો જોઈએ તેમની પાસે બેસી તેમની વાત સાંભળવી જોઈએ. આ ઉમંરે તેમને એકલું લાગે તે સમજી શકાય છે. અત્‍યારે જ તેમને આપણી હૂંફની જરૂર છે. અમારા ખાતર અમને ભણાવવા ખાતર તેમણે આખી જિંદગી ખર્ચી નાંખી. હવે એમની સેવા કરવી તેમના સુખ માટે મારે ખડે પગે રહેવું જોઈએ. તેમણે મારે માટે કેટલુ બધું કર્યુ છે.' સંદિપનો અવાજ ભારે થયો.

દીકરા-વહુની વાત ચોરી છૂપી દિવાલ પાછળથી સાંભળતા કુંદનરાય ગળગળા થયા. તે એકલા એકલા રડી પડયાં...

અત્‍યાર સુધી તે દીકરા-વહુ વિશે કેવા આડા વિચારો વિચારતો રહયો હતો. તેમના આવા આળા વિચારોથી તે પોતે પણ દુઃખી થયા અને બીજાને પણ દુઃખી કર્યા હતાં. તેમના જીવનમાં અજવાળું જ અજવાળું હતું. પણ તે જાણી જોઈને અંધકારમાં ધકેલાતા રહયા. દીકરો-વહુ ચાકરી કરે તેની પાસે જ રહે તેવા ઈરાદાથી માંદગીનો ડોળ કરી... ખંડમાં એકલા એકલા રીબાતા રહયા...

ખેર,

જાગ્‍યા ત્‍યારથી સવાર.

દીકરો તેની પાસે આવે તે પહેલાં જ તે દીકરા-વહુ જયાં વાતો કરતા હતાં ત્‍યાં આવી ગયા. તેમની આંખમાં ઝળઝળીયા આવી ગયા. તેમણે દીકરા -વહુ પાસે નિખાલસ થઈ તેમની બધી વાત કહી સંભળાવી... !

સંદિપ અને સીમા કુંદનરાયની વાતો સાંભળી હસી પડયા.

દીકરા-વહુના હાસ્‍ય સાથે કુંદનરાય પણ જોડાયા... !

     અને ઝાડ આખું સૂકાતું જતું હોય, ત્‍યારે 

કોણ જાણે કઈ રીતે વળી એકાદ નવી કૂંપળ નીકળે 

અને જિંદગી નવી દિશામાં ખીલવાનું શરૂ કરે છે તેમ 

કુંદનરાય હળવા ફૂલ બની ગયા !


Rate this content
Log in

Similar gujarati story from Drama