પાંચ રૂપિયાની પતંગ
પાંચ રૂપિયાની પતંગ


ઉત્તરાયણનો તહેવાર સહુ કોઈને અતિશય પ્રિય છે. ભાગ્યે જ કોઈક એવું જોવા મળશે કે જે આ દિવસે સોગીયુ મોઢું લઈને ફરતો હોય. બીજાઓની જેમ જ દીપક પણ તેના દોસ્તો સાથે ઉત્તરાયણની ઉજવણી માટે પુરજોશથી તૈયારીઓમાં લાગી ગયો હતો. બધા દોસ્તો પંતગ ચગાવવા તેના ઘરે ભેગા થવાના હતા એટલે તેનો ઉત્સાહ જરા વધારે હતો.
એક દિવસ પહેલાં તેના ધાબા પર સ્પિકર ચડી ગયા હતા. જેમ સૈનિકો યુદ્ધ પહેલા પોતાના શસ્ત્રોને ધાર કાઢે છે તેમ દીપકે સારામાની દોરીને રંગ અને કાચ પાઈને તેની ફીરકીઓ તૈયાર રાખી હતી. ઉત્તરાયણની આગલી રાતે દીપકના ઘરે તેના દોસ્ત કિશન, વિજય, મનોહર અને આનંદ પંતગને કિન્ના બાંધવા માટે ભેગા થયા. મોડીરાત સુધી જાગીને તેઓ પંતગને કિન્ના બાંધી રહ્યા હતા ત્યારે દીપકના બાર વર્ષના પુત્ર અમોલે પણ તેમાં ઉત્સાહથી ભાગ લીધો. આમપણ ઉત્તરાયણ બાળકોનો પ્રિય તહેવાર છે. અમોલ પતંગને અગરબત્તી વડે કાણા પાડી આપતો હતો. જોકે અમોલની એ મદદ રામસેતુ બાંધવામાં ખિસકોલીએ આપેલા ફાળા સમાન હતી. છતાંયે દીપકના સહુ દોસ્તો અમોલની એ મદદને વખાણી રહ્યા હતા. પતંગને ઉત્સાહથી કાણા પાડી રહેલો અમોલ બોલ્યો, “મારા પિતાજી મને પતંગો પકડવા દેતા નથી અને અમથી આ નવી નવી પતંગો લાવી કિન્ના બાંધવાનો ધંધો કરે છે.”
દીપક રોષભેર બોલ્યો, “બેટા, તને પણ ખબર નહીં શું પતંગો પકડવામાં મજા આવે છે. પાંચ રૂપિયાની પંતગ માટે તું...”
વિજયે દીપકને અટકાવવા કહ્યું, “વાહ બેટા! તું છે એટલે તો અમે આરામથી આ પંતગોને કિન્ના બાંધી શક્યા.”
આખરે બધી પતંગો કિન્ના બાંધીને તૈયાર થઇ ગઈ.
અમોલે કહ્યું, “પિતાજી, કેલેન્ડરમાં તો ૧૫મી તારીખે મકરસંક્રાંતિ છે એમ છાપ્યું છે તો પછી આપણે કેમ કાલે પતંગ ચગાવવાના છીએ?”
દીપકે હસીને કહ્યું, “બેટા, આ એક માત્ર એવો તહેવાર છે જે તિથિ પ્રમાણે નહીં પરંતુ ૧૪મી જાન્યુઆરીએ જ બધા ઉજવે છે. સમજ્યો...”
બધા મિત્રો હસીને છૂટા પડ્યા.
બીજા દિવસનું પરોઢ હજુ પ્રગટ્યું નહોતું ત્યાં તો ધાબા અને અગાશીઓ ધમધમી ઉઠી. ડી.જે પર વાગતા ગીતો અને કાપ્યો છે... ના સ્વરે વાતાવરણમાં જોશ ભરી દીધું. દીપક તેના દોસ્તો સાથે તલસાંકળીની મજા લેતા લેતા પતંગ ઉડાવવામાં મશગુલ થઇ ગયો. સહુ કોઈ જોશ અને જુસ્સામાં હતા. અમોલનું બધું ધ્યાન આકાશમાં કપાતી પતંગો પર જ હતું. અચાનક એક ઢાલ કપાતા અમોલ તેની પાછળ દોડ્યો.
એ જોઈ દીપકે બુમ પાડી પરંતુ અમોલ એમ રોક્યે રોકવાનો હતો? થોડીવારમાં જ એ આનંદથી બુમો પાડતો પાછો આવ્યો. તેના હાથમાં ઢાલ હતો. દીપક એ જોઈ બોલ્યો, “તું પણ શું આ પાંચ રૂપિયાની પતંગ માટે આમ દોડાદોડી કરે છે.”
અમોલ હસીને પાછો આકાશમાં જોવામાં મશગુલ થઇ ગયો.
અચાનક મનોહરે બુમ પાડી, “દીપક, જલદી આવીને મારી ફીરકી પકડ.. જો કેવો પેચ લાગ્યો છે.”
દીપક તરત મનોહર પાસે દોડી ગયો. ઊંચા આકાશમાં બરાબરનો પેચ જામ્યો હતો. મનોહર ઢીલ પર ઢીલ આપી રહ્યો હતો પરંતુ સામેવાળાની પંતગ કપાવવાનું નામ જ લેતી નહોતી! આખરે ઘણી મથામણ બાદ મનોહર જંગ જીત્યો. કાપ્યો છે... ના અવાજ સાથે દીપકની અગાશી ગુંજી ઉઠી. એ સાથે “પપ્પા બચાવો...”ની ચીસ સાથે અગાશી પર ઉભેલા સહુ કોઈ ડઘાઈ ગયા. દીપકે જોયું તો અમોલ ત્યાં નહોતો. ફીરકીને ત્યાંજ પડતી મૂકી એ અવાજની દિશા તરફ દોડ્યો. તેની પાછળ પાછળ સહુ દોસ્તો પણ દોડ્યા. દીપકે જોયું તો અમોલ વીજળીના તાર પર ફસાયેલી એક પતંગને લોખંડના સળિયા વડે ઉતારવા જતા વીજળીના શોકને કારણે ત્યાં ચોટી ગયો હતો. તેનું શરીર ધ્રુજવાની સાથે કાળું પડી રહ્યું હતું.
અમોલ છલાંગ મારી નીચે આવ્યો અને તેણે નજીક પડેલી લાકડીને ઉઠાવી અમોલને એક ફટકો મારી દુર કર્યો. પરંતુ ખૂબ મોડું થઇ ગયું હતું. વીજળીનો એ તાર અમોલના શરીરના લોહીના છેલ્લા ટીપા સાથે તેનો પ્રાણ પણ ચૂસી ગયો હતો. અમોલની માતા ગીતાએ રસોડામાંથી આવીને આ જોયું તો એ હૈયાફાટ રુદન કરવા લાગી. ત્યાં ઉભેલા દીપકના દોસ્તોએ અમોલના સળગી ગયેલા દેહને જોતાં તેમનો જીવ કકળી ઉઠ્યો. સહુ કોઈની આંખમાં અશ્રુ હતા. પતંગના નિરર્થક મોહે આજે ફરી એકવાર કોઈકનો વહાલસોયો છીનવી લીધો હતો.
દીપકે છાતી ફૂટતા કહ્યું, “બેટા, તું પણ શું આ પાંચ રૂપિયાની પતંગ માટે...”